1 ઓક્ટોબરે બુધ પણ કન્યા રાશિમાં આવશે અને ત્યારે જ શુક્ર સિંહ રાશિમાં પ્રવેશ કરશે તો બીજી તરફ રાહુ અને કેતુ જે દોઢ વર્ષે રાશિપરિવર્તન કરે છે તેઓ અનુક્રમે મીન અને કન્યા રાશિમાં વક્ર ગતિએ જવા તૈયારી કરી રહ્યા છે


પખવાડિયાની શરૂઆતમાં જ સૂર્ય-મંગળ અંગારક યોગ રોગ, ઋણ, શત્રુની રાશિ કન્યામાં થઇ રહ્યો છે. જ્યારે પખવાડિયાના અંત ભાગમાં 1 ઓક્ટોબરે બુધ મહારાજ પણ કન્યામાં આવશે અને ત્યારે જ શુક્ર મહારાજ સિંહ રાશિમાં પ્રવેશ કરશે તો બીજી તરફ રાહુ અને કેતુ જે દોઢ વર્ષે રાશિપરિવર્તન કરે છે તેઓ અનુક્રમે મીન અને કન્યામાં વક્ર ગતિએ જવા તૈયારી કરી રહ્યા છે જેની અસર નીચે ઘણા મહાનુભાવોને કારાવાસ યોગની શક્યતામાં વૃદ્ધિ થશે તો કેટલાક ઉચ્ચ પદે બિરાજમાન લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થવાનું બની શકે છે. વળી આ સમયમાં દરિયાઈ સંશોધન પર વધુ ભાર મુકાતો જોવા મળશે. બુધ મહારાજ વ્યાપાર વાણિજ્યને ઉત્તેજન આપતા જોવા મળશે અને સૂર્ય તથા મંગળ સાથે મળીને વિશ્વસ્તરે નવી રણનીતિ ઘડતા જોવા મળશે જેના કારણે ઘણા દેશની વિદેશનીતિમાં ધરખમ ફેરફાર જોવા મળશે તો વ્યસનની દુનિયામાં ઘણી નવી બાબતો આ સમયમાં જોવા મળશે અને ડ્રગ્સ તસ્કરી માટેના અલગ રૂટ કે અલગ પદ્ધતિઓ સામે આવતી જોવા મળી શકે છે. વળી રાજનીતિના ઘણા ખેરખાં આ સમયમાં સાઈડલાઈન થતા પણ જોવા મળશે અને પ્રાદેશિક પક્ષોમાં ઘણી ઉથલપાથલ થવાની શક્યતા છે. આપણાપડોશી પાકિસ્તાન માટે આ સમય કપરો સાબિત થશે.

ગોચર ગ્રહોની રાશિ મુજબ અસર જોઈએ તો :

મેષ (અ. લ. ઈ) : ગુસ્સા અને આવેશ પર સંયમ રાખવો પડે. ન ગમતી ઘટનાઓમાંથી પસાર થવું પડે. ચિત્તને શાંત કરવા માટે ધ્યાન યોગનો સહારો લેવો પડે. વિદ્યાર્થીવર્ગે વધુ મહેનત કરવી પડે. સ્ત્રીવર્ગે સમજીને ચાલવું પડે. નિર્ણયમાં ઉતાવળ ન કરવી.

વૃષભ (બ. વ. ઉ) : કેટલીક બાબતમાં તમારે પ્રતીક્ષા કરવાની આવશે. સફળતા માટે થોડી રાહ જોવી પડે પણ યાદ રાખો સફળતા મળશે જ. આ સમયમાં તમને આકસ્મિક લાભ થાય. જૂના મિત્રોને મળવાનું બને. મનની વાત સારી રીતે વ્યક્ત કરી શકશો.

મિથુન (ક. છ. ઘ) : નોકરિયાત વર્ગને સારી કામગીરી મળે. વેપારીમિત્રોને ખરીદ-વેચાણમાં લાભ થાય. વિદેશ જવા ઇચ્છતા મિત્રો માટે સમય સારો રહે. સ્ત્રીવર્ગને મધ્યમ ઉપરાંતનો સમય ગણી શકાય. વિદ્યાર્થીમિત્રો સારું પરિણામ મેળવી શકે.

કર્ક (ડ. હ) : ઘણી ઘટનાઓનું ઊંડાણપૂર્વક પૃથક્કરણ કરી શકો, મનોમંથન કરી શકો. આંતરિક શક્તિમાં વૃદ્ધિ થાય. આધ્યાત્મિક ચિંતન થાય. ઘણાં રહસ્યો પ્રાપ્ત કરી શકો. શુભ કાર્યમાં સહભાગી બની શકો અને સારા સંકેતો પ્રાપ્ત થાય.

સિંહ (મ. ટ) : લાગણીના સંબંધોમાં ઠેસ પહોંચતી જોવા મળે. મનમાં બેચેની રહ્યા કરે. ધાર્યાં કામ પાર ન પડે. માનસિક વ્યગ્રતા જણાય. મનનું ધાર્યું ન થાય. મૂડ વારંવાર બદલાતો જોવા મળે. ન ગમતા લોકો સાથે વ્યવહારમાંથી પસાર થવાનો સમય આવે.

કન્યા (પ. ઠ. ણ) : વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે. અટકેલી વાત પણ આગળ વધે. ભાગીદારીમાં લાભ થાય. મિત્રો સાથે બગડેલા સંબંધ સુધારી શકો. યાત્રા -પ્રવાસનું આયોજન કરી શકો. પ્રગતિકારક વિચાર આવે જેને અમલમાં મૂકી આગળ વધી શકો.

તુલા (ર. ત) : લોન વગેરે બાબતનું ટેન્શન રહેતું જોવા મળે. જીવનમાં નિયમિતતા જરૂરી છે. પૂજાપાઠથી બળ મળી રહેશે. ઘણી નવી પરિસ્થિતિમાંથી પસાર થવાનું આવશે. નવા વાતાવરણને સમજી એ મુજબ ચાલી યોગ્ય પરિણામ પ્રાપ્ત કરી શકો.

વૃશ્ચિક (ન. ય) : વિદ્યાર્થીવર્ગે વધુ મહેનત કરવી પડશે. સંતાન અંગે ચિંતા જણાય. જોકે, ધીમે ધીમે પરિસ્થિતિ સુધરે. વિદેશ જવા ઇચ્છતા મિત્રો માટે સમય સારો રહે. કામગીરી આગળ વધે. પેપરવર્ક કરી શકો. કોઈ પણ કાર્યમાં આવતી રુકાવટ ધીરે-ધીરે દૂર થતી જોવા મળશે.

ધન (ધ. ભ. ફ. ઢ) : મનમાં નવા તાજા વિચારો અને હકારત્મક્તાથી લાભ થાય. લેખન વાંચન અને મનન કરી શકો જેની ખૂબ જરૂર છે. પ્રોપર્ટી અંગે યોગ્ય નિર્ણય લઈ શકો. કામકાજમાં પ્રગતિ થાય, આપેલા વાયદા પૂરા કરી શકો.

મકર (ખ. જ) : જીવનમાં પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે. પરિસ્થિતિમાં ફેરફાર આવી રહ્યો છે. સમજીને ચાલવું. તમારી અંદરની પ્રતિભા બહાર લાવી શકો. ખુદ માટે સમય પણ ફાળવી શકો. મિત્રોની મદદથી તમારા કાર્યમાં સફળતા મળે.

કુંભ (ગ. સ. શ) : અણગમો, નિરાશા કે બેચેની જેવું જણાય. મનમાં કંઈ ને કંઈ ખટરાગ રહ્યા કરે. કોઈ પ્રવૃત્તિમાં મન ન લાગે. પરિવારમાં સુખશાંતિ રહે,વ્યક્તિગત રીતે કેટલાક પ્રશ્નો મૂંઝવતા જણાય. ઊંઘ આવવામાં પ્રશ્નો થતા લાગે.

મીન (દ. ચ. ઝ. થ) : ઘણા લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હો તેવી ઘટના જીવનમાં બને. સામાજિક રીતે તમારી સ્વીકૃતિમાં વૃદ્ધિ થાય. તમારી જાતને અંદરથી ઓળખી શકો. આત્મસંવાદ કરી શકો જેથી તમારી જાતને સારી રીતે પ્રસ્તુત કરી શકો.

  • Follow us on: