કલા- શૃંગાર, ભોગવિલાસના સ્વામી શુક્ર તુલામાં સ્વગૃહી બને છે. કન્યા રાશિમાં કેતુ સાથે યુતિ પૂર્ણ થયા બાદ તુલામાં તે પોતાની રીતે પોતાની કલા બતાવી શકે છે માટે આ પખવાડિયું કલા, કલાકારો, સિનેજગત, સંગીત, નૃત્ય,પેઇન્ટિંગ, ફેશન બિઝનેસ, શૉ બિઝનેસના નામે રહેશે


ડિસેમ્બર મહિનો આવતીકાલથી શરૂ થશે. ડિસેમ્બરના પહેલા પખવાડિયાની શરૂઆતમાં જ શુક્ર મહારાજ તુલા રાશિમાં પહોંચી જશે. કલા- શૃંગાર, ભોગવિલાસના સ્વામી શુક્ર તુલામાં સ્વગૃહી બને છે અને જીવન જીવવાનો નવો વૈભવ પૂરો પાડે છે. કન્યા રાશિમાં કેતુ સાથે યુતિ પૂર્ણ થયા બાદ તુલામાં તે પોતાની રીતે પોતાની કલા બતાવી શકે છે માટે આ પખવાડિયું કલા, કલાકારો, સિનેજગત, સંગીત, નૃત્ય,પેઇન્ટિંગ, ફેશન બિઝનેસ, શૉ બિઝનેસના નામે રહેશે. આ સમયમાં લક્ઝુરિયસ કારનું વેચાણ પણ સારું રહેશે. લોકો વધુ વૈભવી મકાન અને ફ્લેટ પર પસંદગી ઉતારતા જોવા મળશે. તુલા એ લગ્નની રાશિ છે. લગ્નની સિઝન પણ શરૂ થઈ રહી છે જેથી આ સમયમાં ચર્ચામાં રહે તેવાં વૈભવી લગ્નો થતાં જોવા મળશે. તુલા એ જાહેરજીવનની રાશિ છે, મેળાવડાની રાશિ છે માટે આ સમયમાં જાહેરજીવનમાં પણ મોટાં ફંક્શનો અને મેળાવડા થતાં જોવા મળે અને સારી સારી જાણીતી હસ્તીઓ વિવાહના બંધનમાં બંધાતી જોવા મળે. તુલામાં શુક્રનો પોતાનો એક ચળકાટ છે જે વ્યક્તિ,ઘટના કે પ્રસંગને ચમકાવે છે વળી સાચી કલા અને કૌશલ્યને બહાર લાવે છે જે આ સમયમાં ઘણાં ક્ષેત્રોમાં જોવા મળશે.

રહસ્યમય જળતત્ત્વની રાશિ વૃશ્ચિકમાં સૂર્ય અને મંગળનો અંગારક યોગ ચાલી રહ્યો છે. સેનાપતિ મંગળ અને રાજા સૂર્ય ગુપ્ત રીતે નવી યોજનાઓ આ સમયમાં ઘડી રહ્યા છે જે હિલચાલ થોડા સમયમાં જ વિશ્વ સમક્ષ આવતી જોવા મળશે. ઘણાં રાજ્યો કે દેશમાં આંદોલન કે આંતરવિગ્રહ જેવી સ્થિતિ જોવા મળે. રાજનીતિમાં પણ નવાં સમીકરણ બનતાં જોવા મળશે જ્યારે વિશ્વફલક પર હજુ શાંતિપ્રક્રિયામાં સમય લાગતો જોવા મળે.

ગોચર ગ્રહોની રાશિ મુજબ અસર જોઈએ તો

મેષ (અ. લ. ઈ) : જીવનમાં સંબંધોનું મહત્ત્વ સમજી શકો. અંગત લોકો સાથે જીવનની અમૂલ્ય પળો માણી શકો, વિદેશગમન કરવા ઇચ્છતા મિત્રો માટે સમય અનુકૂળ બની રહ્યો છે. જોકે, નવાં કાર્યને શરૂ થવામાં સમય લાગતો જોવા મળે.

વૃષભ (બ. વ. ઉ) : વધુ પડતા સાહસથી કામ બગડી શકે છે. વધારાની સીસી કે લોન આ સમયમાં ન લેવા સલાહ છે. આરામમાં કાપ મૂકી કાર્ય કરવાનો સમય પાકી ગયો છે. ખાસ કરીને વિદ્યાર્થીવર્ગે વધુ મહેનત કરવી પડે, એકંદરે સમય મધ્યમ રહે.

મિથુન (ક. છ. ઘ) : પ્રેમ અને લાગણીના સંબંધોને ખીલવતો સમય છે. તમારા મનની વાત સારી રીતે વ્યક્ત કરી શકો. જૂના મિત્રોને મળવાનું પણ બનશે અને સંબંધોમાં એક મીઠાશ જોવા મળશે. સ્ત્રીવર્ગ માટે પણ સમય ખૂબ સારો ગણી શકાય.

કર્ક (ડ. હ) : જમીન મકાન વાહનસુખ સારું રહે, નવી વસ્તુની ખરીદી કરી શકો, પ્રોપર્ટી અંગે યોગ્ય નિર્ણય લઈ શકો. તમારા વ્યક્તિત્વને નિખારવા માટે સમય મેળવી શકો અને દર-દાગીનાની ખરીદી પણ થાય. સમય આનંદમાં પસાર થાય.

સિંહ (મ. ટ) : તમારી પ્રતિભાને બહાર લાવી શકો, સમાજમાં તમારી સરાહના થાય. ભાઈભાંડુનું સુખ સારું રહે, તમે જે કાર્ય વિચાર્યાં હોય તેને અમલમાં મૂકી સારાં પરિણામ મેળવી શકો. ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રોને સારું રહે, વૈવાહિક બાબતો માટે પણ સારો સમય.

કન્યા (પ. ઠ. ણ) : તમારા પૈસા માટે યોગ્ય આયોજન કરી શકો, બેન્ક બેલેન્સ વધારી શકો, કૌટુંબિક અને સામાજિક જવાબદારીનું સારી રીતે વહન કરી શકો. મિત્રોની મદદથી કાર્ય પૂર્ણ કરી શકો અને તમારા કાર્યની સરાહના થાય. સમય સારો રહે.

તુલા (ર. ત) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, મનોમંથનથી આગળ વધવાની તકો સુધી પહોંચી શકો, તમારા કૌશલ્યથી નવા પ્રોજેક્ટમાં લાભ થાય. લેખન-વાંચન મનનથી ગ્રહો સુધરે. વિદેશ જવા ઇચ્છતા મિત્રો માટે સમય સારો છે. વેપારીવર્ગને પણ સારું રહે.

વૃશ્ચિક (ન. ય) : મોજશોખ માટે ખર્ચ કરાવતો સમય છે. આ સમયમાં તમે કેટલીક વૈભવી વસ્તુઓની ખરીદી પણ કરશો અને તમારા માટે પૈસા વાપરશો. કેટલીક નવી મુલાકાતો ફળદાયી નીવડશે, પરંતુ તેનાં સારાં પરિણામ માટે તમારે રાહ જોવી પડશે.

ધન (ધ. ભ. ફ. ઢ) : તમે કરેલાં સારાં કાર્યનાં પરિણામો આ સમયમાં પ્રાપ્ત થશે. આવકના સ્ત્રોત વધારી શકશો. નવી મિત્રતા કેળવી શકશો. આ સમય તમને અનેક ભેટસોગાદ આપી રહ્યો છે જેથી આકસ્મિક લાભ અને પ્રગતિ પણ થશે.

મકર (ખ. જ) : ધંધો-રોજગાર શોધતા મિત્રો માટે સમય સારો છે, નોકરિયાત વર્ગને પણ ઇચ્છિત કામગીરી મળે, વેપારીવર્ગને ખરીદ-વેચાણમાં લાભ થાય, સ્ત્રીવર્ગ માટે મધ્યમ ઉપરાંતનો સમય છે જ્યારે વિદ્યાર્થીવર્ગને મહેનતનું સારું પરિણામ મળતું જોવા મળે.

કુંભ (ગ. સ. શ) : ધાર્મિક-માંગલિક કાર્યમાં સહભાગી બની શકો, સારી સંગતમાં સમય વીતે, ભાગ્યની દેવી સાથ આપતી જણાય, કેટલીક નવી તક જીવનમાં ખૂલતી જોવા મળે. આ સમયમાં યાત્રા-પ્રવાસનું આયોજન કરી શકો.

મીન (દ. ચ. ઝ. થ) : આ સમયમાં તમે ઘણા ફેરફાર જોઈ શકશો અને તમારી અંદર પણ પરિવર્તનનો પવન ફૂંકાશે અને તમે વિચારોમાં એક નવો પ્રવાહ જોઈ શકશો જે તમારા ભવિષ્યની દિશા સુનિશ્ચિત કરશે, પણ આ માટે તમારે કેટલાંક કડક પગલાં લેવાં પડશે!


  • Follow us on: