સોરઠના એક ગામના ચોકમાં ધુળેટીનો માહોલ બરાબર જામ્યો હતો. કોણ, કોને રંગી દે અને એ રંગ જીવનભર જાય નહીં તેની રીતસર હોડ બકાતી હોય એમ લાગતું હતું. તેમાં `ઐસી તો રંગ દે પિયા રંગ નહિ જાવે, ધોબી ધુએ ચાહે સારી ઉમરિયા.' આ ગીત કેસરના હોઠે અને હૈયે રમવા લાગ્યું હતું.
કેસરનું કહેવું પ્રભાત સમજ્યો નહીં પણ ગળા લગી પામી ગયો હતો. સામસામે દિલના તાર જોડાઈ ગયા હતા, પણ બંને વચ્ચે સળગતો ને ભડભડતો સવાલ હતો, આમ દિલડું રંગાઈ ગયા પછી શું? કારણ કે પ્રભાત કુંવારો યુવાન છે જ્યારે કેસર કોઈની પરણેતર છે. વળી એક સંતાનની માતા પણ છે. કેસર અને પ્રભાત અનાયાસે જ ધુળેટીમાં બંને સામસામે આવી ગયાં હતાં. એકબીજાની આંખો લડી ને કોઈની શરમ આડે નડી ગઈ હતી. કેસરને નાનપણથી જ આમ રંગ ઉડાડવાનો શોખ છે. તે કુંવારી હતી ત્યારે એક યુવાનને સટાસટ સંભળાવી દીધું હતું, પિચકારીમાં દમ નથી ને ધુળેટી ખેલવા નીકળ્યો! પણ પ્રભાતને હવે આમ કહી શકે તેમ નથી. પ્રભાતે તો જાણે ભીતરથી ભીંજવી દીધી હતી. ગાંડીઘેલી કરી નાખી હતી. પછી તો કેસર સાનભાન ભૂલી, મીરાંની જેમ હરિના મારગે નહિ, હૈયાના મારગે હાલી નીકળી હતી, પણ આ મારગ તો અટપટો, ખરબચડો ને સમાજની ખટપટોથી ખદબદતો કે ખરડાયેલો છે. તેની સઘળી ખબર હોવા છતાં કેસરને કોઈની પરવા રહી નહોતી. અરે! ખુદની પણ નહીં!
સોરઠના એક નાનકડા ગામમાં પ્રભાત તલાટી કમ મંત્રી હતો. જ્યારે કેસર સુખી-સંપન્ન એવા ખાનદાન ખોરડાની કુળવધૂ હતી. ઊજળા ઘરની ઊજળી ને અકબંધ આબરૂ હતી, પણ બંને વચ્ચે પ્રેમનો પદરવ થયો પછી કાયમી રસ્તો કરવાની મથામણ શરૂ થઇ ગઇ હતી. તેમાં નિમિત્ત બન્યો હોળી-ધુળેટીનો તહેવાર.
શિયાળાની ગુલાબી ઠંડી તેના ઉચાળા ભરવા લાગી હતી. સૂકા વાયુનો પગપેશારો થવા લાગ્યો હતો. લોકજીભે રમતું ને ભમતું હતું: એ ટાઢ હોળી તાપીને રવાના થાશે!
કેસર ભારે ચબરાક ને સમજદાર હોવા છતાં પોતાના વશમાં રહી નહોતી. તેને થયું હતું કે, હું જે ઝંખતી હતી, તલસતી હતી તે સઘળું પ્રભાતમાં છે. મારી આકાંક્ષાનું આકાશ પ્રભાતમાં છવાયું છે. તે મારો મનનો મીત છે. કોઈ કંઈ કહે તો તે બેધડક બોલવા તૈયાર હતી: `મને મારી મરજી મુજબનું જીવન જીવવાનો અધિકાર છે! મારા અધિકારથી વંચિત રાખવાનો કોઈને હક કે અધિકાર નથી.' આવું સાંભળી ઘરમાં સૌ ચૂપ થઇ ગયાં હતાં.
કોઈએ તો કેસરની સાસુને મોં પર સંભળાવી દીધું હતું: `લ્યો, કાઢી લ્યો કાંદો ભણેલી વવમાંથી!' આવું સાંભળી ઘરના લોકોને કોઠીમાં મોં સંઘરવા જેવું કે ઢાંકણીમાં પાણી લઇ ડૂબી મરવા જેવું થઇ પડ્યું હતું.
કેસરે ગ્રેજ્યુએશન કર્યા પછી એલએલબીનો અભ્યાસ શરૂ કર્યો હતો, પણ એકાદ વરસ પછી મેરેજ થયા ને પછી ભણવાનું છૂટી ગયું હતું. કેસરનો પતિ વરજાંગ એન્જિનિયર હતો. એક સ્થાનિક કંપનીમાં નોકરી કરતો હતો. સાથે ખેતીવાડી પણ સંભાળતો હતો. આમ જુઓ તો કેસરનું ઘર અદ્યતન સગવડોથી સુસજ્જ હતું. વળી, ઘરમાં કેસરના કૂકડે સવાર પડતી હતી. તે કહે તેમ થાય છે. આમ જોઇએ તો કેસરને કશી વાતની કમી કે ખામી નહોતી, પણ કેસર ઝંખતી હતી જુદું અને જીવતી હતી કંઈક જુદું.પરિણામે કેસર જે હતું તેનું સુખ અનુભવવાના બદલે, જે નહોતું તેનું દુઃખ અનુભવ્યા કરતી હતી. તે જાણતી જ હતી કે જીવનમાં બધું જ આપણી ઝંખના કે સપના મુજબનું મળે એવું લગભગ શક્ય નથી, પણ જે છે તેમાં ઝંખનાને જોડવી, શોધવી. કદાચ જોઈતું હોય અથવા તો ઝંખના મુજબનું જડી આવે. આવું વિચારી એક સમયે કેસરે મન કાઠું કરી લીધું હતું.
ગઇ સાલની માફક જ ગામના ચોકમાં ધુળેટીની ધમાચકડી મચી ગઈ હતી. કોને રંગવા તેના કરતાં જે ઝપટે ચઢે તેને રંગી નાખવાની, મનમાની કરવાની હતી. આ વખતે પ્રભાત સૌની વચ્ચે હતો. ચોકની સામે કેસરનું ડેલીબંધ મોટું મકાન હતું. તે પણ બહાર નીકળી આવી હતી. ઘણાની નજર કેમેરાની જેમ તેમના પર મંડાણી હતી. ઘણા તો રંગ ઉડાડવાનું વીસરી પ્રભાત અને કેસરનાં રંગરેલિયાં જોવામાં તલ્લીન થઇ ગયા હતા.
પ્રભાત સરકારી વ્યક્તિ હોવાથી ગામનો મોભાદાર ગણાય. સામે કેસર પણ ગામના મોભાદાર ઘરની વહુ હતી એટલે બંને વચ્ચે આમ બનવું તે ચર્ચાનો વિષય બની ગયો હતો. કોઈ યુવતી આમ ગાંડાઘેલી થાય તે સમજાય, પણ પરણિતા કોઈના પ્રેમમાં પાગલ થાય તે પરિવારમાં પરવડે નહિ. બંને લોકલાજ, માન-મર્યાદા, શેહશરમ છોડી છડેચોક સામે આવી ગયાં હતાં. ગ્રામીણ સભ્યતામાં કહેવું હોયતો સાનભાન ભૂલી ભટકી ગયાં હતાં. કેસર મનથી કહેતી હતી: એક જ શરત પર પ્યારની હોળી ખેલીશ. જો હું જીતું તો તને મેળવું અને હારું તો જીવનભર તારી થઇને રહું! (વધુ આવતા અંકે)
