જેઠુડી બીજનાં ઓવારણાં લઇ, આભના ગાભને વિખેરી નાખે એવા કડાકા સાથે વીજળી ચમકી. ચારેકોર તીખું તમતમતું અજવાળું પથરાઇને પળવારમાં અદૃશ્ય થઇ ગયું. તે સાથે જ અંધારું ધસી આવ્યું.
જર્જરિત ખોરડાની ઓસરીમાં બેઠેલાં સાકર ડોસીના લીલાછમ હૈયામાં સરવાણી ફૂટી. થયું, હાશ વરસાદ આવશે ને જીવમાત્રની તરસ છિપાશે. દુષ્કાળના દા'ડા પારોઠનાં પગલાં ભરશે, પણ ભરોસાને ભોઠપ લગાડતા સુથાનાં વાદળાં વરસ્યા વગર વિલાઈ ગયાં. કુદરતની આ અકળ લીલાને જીવમાત્ર જડભરત થઇને જોતા રહ્યા, પણ ડોસી કકળી ઊઠ્યાં: વરસ મારા વા'લા, આમ ઉરાડીને હાલતો ન થા.
પણ પછી એકાએક ઊભાં થઇ, હડફ કરતાં પાણીના ગોળા પાસે આવીને અટક્યાં. ગોળાના બુઝારાને ઊંચું કરી પાણી જોતાં પૂર્વે છાતીમાં સબાકો આવ્યો: `કેવા દિ' આવ્યા, પીવાના પાણીનેય પૂછવું પડે છે!'
ગોળામાં બે-પાંચ લોટા પાણી જોઈ હૈયે ટાઢક વળી. એકાદ લોટો પોતે પીવા માટે રાખશે ને બીજું પાણી સામેની ડેલીના દરવાજા ઉઘડાવીને પહોંચતું કરશે. તરસ્યાને પાણી પાવું ઇ મારો ધરમ છે.
ડોસીનો ભાવ ભીના દિલમાં ખરા ખંતથી ખતવાઇ ગયો હતો. ખાનદાનીમાં ખપી ગયેલા, પારકી છઠ્ઠીના જાગતલ એવા જગા મુખીની ડેલીના દરવાજા બે-ચાર દિવસથી ઊઘડ્યા નહોતા. કોઈ બણબણાટ બહાર આવ્યો નહોતો. ડોસીએ બીજી બાબતે મન મનાવ્યું હતું, પણ પીવાના પાણી વગર શું કરતા હશે? આ ચિંતા ઊધઈની જેમ કોરવા લાગી હતી. પોતાના પાસે છે એટલું પાણી તો ત્યાં ડેલીમાં પહોંચાડે.
મુખી, તમે તો મારા બળબળતા બપોર જેવા જીવતરમાં ટાઢી છાંયડી પાથરી હતી. ડોસીનાં દિલમાં ઉજાસ પથરાયો. સ્વગત બોલી જવાયું: મારું હાલે તો તમારી ડેલી આગળ પાણીનું પરબ બંધાવું.
ડોસીના હૈયામાં વિષાદ વીંટળાઈ વળ્યો હતો તેના ઠેકાણે હરખ હિલ્લોળા ઊઠવા લાગ્યો. થયું કે આજે વરસો બાદ મનગમતાં મનેખનું ઋણ ચૂકવવાનો મોકો મળ્યો. હવે જરાય પાછી પાની કરવી નથી. ગામના લોકોને જે કહેવું હોય તે ભલે કહે. મને કોઈની સાડીબાર નથી, પણ વળતી પળે જ ડોસીની અવાવરું છાતીમાં ભાલા જેમ સ્મરણ ભોંકાયું, એ મનેખ તો ક્યારનાય ધરતી ઢંક થઇ ગયા છે, હયાત તો રહ્યા નથી.
આયખા સાથે અંધારું ઓઢીને અડીખમ ઊભેલી ઓસરીમાં ડોસી થાંભલા માફક ખોડાઈ ગયાં.
આ ઘટના ઈ.સ. 1972ની છે. જ્યારે સૌરાષ્ટ્રનો સમગ્ર વિસ્તાર કારમા દુષ્કાળના ભયંકર ભરડામાં સપડાયો હતો. મા'રાજ કહેતા'તા, મૂછ ને પૂછ પર ભાર લઈને આ દુકાળ આવ્યો છે. લીલાસૂકા ઘાસચારા વગર ઢોરનો સોથ વળી ગયો હતો. ઘરઆંગણે ભૂખે મરતા જોઈ શકે નહીં એટલે ખેડૂતો તેના દીકરા સમાન ધોરીને છૂટા મૂકવા લાગ્યા હતા. ઢાંઢા ક્યારેય ધણમાં ન હોય. એ કહેવત વાંઝણી નીવડી હતી. ઢોર ટપોટપ મરવાં લાગ્યાં હતાં. પછી નબળા મનેખનો વારો આવે એમાં નવાઇ નહોતી, પણ દુષ્કાળની જાહેરાત પછી ગામેગામ રાહતકામ શરૂ થયાં હતાં. રેશનિંગની દુકાનેથી બરછટ અનાજ મળવું શરૂ થયું હતું. ભૂખમરાના દિવસો અટકીને ઊભા રહ્યા હતા, પણ તેમાં સૌથી વિકરાળ સવાલ કે સમસ્યા હતી પીવાના પાણીની. દરેક ગામમાં પાણી માટે ટેન્કરની વ્યવસ્થા કરવામાં આવી હતી.
પણ પાણીનું ટેન્કર ગામના પાદરમાં ઊભું રહે ત્યાં સ્ત્રીલોકનું ટોળું તીડના માફક ટેન્કર પાછળ તૂટી પડે. દે દેકારો ને બાપામારી થઇ પડે. રીતસરની બઘડાસટી બોલે, હાંડા-ગાગરનો કડૂસલો બોલી જાય. કોઈની મોંશરમ રાખવી તો કોરાણે રહી જાય, પણ અંગની મરજાદ રાખતાં કપડાંનું પણ ભાન કે ઠેકાણું રહે નહીં. આખો માહોલ બેડાયુદ્ધમાં પલટાઇ જાય. તેમાં પાણી પાણીના ઠેકાણે રહે ને વ્યક્તિગત કજિયા-કંકાસ શરૂ થાય તે વધારામાં! પછી કજિયાનું મોં કાળું સમજી ટેન્કર સીધું કૂવામાં ઠાલવવાનું રાખ્યું હતું. પાણી વાળી હોય એ ભલે ડોલ -સીંચણ વડે કૂવામાંથી પાણી ખેંચે.
સાકર ડોસી ગામના પાદરમાં પાણીનું પરબ સાચવીને બેસતાં હતાં. કોઈ વટેમાર્ગુ કે પછી એવો તરસ્યો જણ નીકળે તો તેની તરસ છિપાવતાં હતાં. પાણી પીધા પછી મનેખના મોં પર પથરાઇ વળતી તૃપ્તિ જોઈ ડોસીના સાતેય કોઠે દીવડા પ્રગટતા હતા. થતું, મારો જન્મારો લેખે લાગ્યો છે મારા વાલા.
પણ દુષ્કાળનાં ડાકલાં વાગ્યા પછી પોતે રાહતકામ પર પાણી આપવા લાગ્યાં હતાં.
એકાદ-બે દિવસથી મુખીની ડેલીમાંથી કોઈ બહાર નીકળ્યું હોય એવું સાકર ડોસીની નજરમાં નોંધાયા વગર રહ્યું નહોતું. વિચારે ચઢ્યા પછી એકાએક ઊગી આવ્યું હતું: `અરરર! માડી, મું વેતાબળી તે ભૂલી જ ગઈ. મુખીના દીકરાની વહુ તો પેટસોતી છે. સમા દી' જાતા'તા તે નાનું બાવ પણ આવ્યું હોય!' પછી સ્વગત જ બોલીને ઊભાં થઇ ગયાં: `સુવાવડી બાઇ, ઘર બા'ર નીકળે કેમ?'
ડોસીએ હડફ કરતો પાણીનો ગોળો સીધો જ કાંખમાં ટેકવ્યો. જે મનમાં ભર્યું હતું તે પણ ગોળામાં ઠાલવ્યું ને પછી અંધારામાં છબછબિયાં કરતાં તે મુખીની ડેલી તરફ ચાલવા લાગ્યાં.
