આજે ગુરુજીના ગીતમાં કોઈ અદભૂત સ્વર રમણીકલાલે અનુભવ્યો. ભજન પતાવ્યા પછી ગુરુજી આંખો બંધ કરીને રોજ કરતાં વધારે વખત બેસી રહ્યાં. રમણીકલાલ ને કંઇક અજુગતું ન લાગ્યું. ગુરુજી ઘણીવાર ધ્યાનમાં જતા રહેતા. બાકીના બે ત્રણ લોકો ઉભા થઈને પોત પોતાને કામે વળગ્યા, પણ ગુરુ આજ્ઞા વગર ઉભા ક્યાંથી થવાય? એટલે એ બેસી રહ્યાં. થોડી વાર પછી ગુરુજી એ આંખો ખોલી. રમણીકલાલે સ્મિત સાથે વંદન કર્યા. ગુરુજીએ પૂછ્યું “ તમે કેમ બીજાની જેમ જતા

ન રહ્યાં?”.

“ તમારી આજ્ઞા વગર કેમ કરીને જવાય?”

“તમારી શ્રદ્ધા અદભૂત છે? કેટલી ચાલશે? ”

“ગુરુજીના શબ્દોમાં રહેલો ભેદ રમણીકલાલ જાણી ન શક્યા.”

“એ તો તમે ચલાવશો એટલી ચાલશે” એમના અવાજમાં નિર્દોષતા હતી. બે ક્ષણ સુધી ગુરુજી કશું જ બોલ્યા વગર એમને જોતા રહ્યા પછી ધીમે થી પૂછ્યું “ રમણીકલાલ, હવે એક મોટી જાત્રાએ જવું છે”

“તો તમને રોકનાર કોણ છે?” બોલો કયારે જવું છે? હું તૈયાર... રમણીકલાલે સહજતાથી કહ્યું.

“ પણ મેં તમને કયાં આવવાનું હજી કહ્યું જ છે” ગુરુજી જાણે એમનું મુખ વાંચતા હોય તેમ કહ્યું.

“હું શું કહું છું ગુરુજી, આ આજીવન મે તમારી જોડે કયાં કઇ માંગ્યું જ છે. પણ હું શું કહું છું આજે અંદરથી મન થાય છે કે તમારી જોડે મોટી જાત્રા કરવાનો મને અવસર ક્યાં મળવાનો તે મને લઈ જજો ને”

“ અને તમે ન આવો તો?”

“ હોતું હશે! તમે બોલાવો તો હું ના આવું એવું બને જ ક્યાંથી?”

“ સારુ જોઈએ..”

આ વાત ને મહિનો વીત્યો હશે. રમણીકલાલ ખેતરમાં કામ કરી રહ્યા હતા. અચાનક પાછળ ગુરુજી આવ્યા. સાવ એકલા સાથે કોઇ જ નહીં. રમણીકલાલ ને આશ્ચર્ય થયું.

“ચલો રમણીકલાલ , મોટી જાત્રાએ જવાનું છે”

“અલ્યા ભઇશાબ તમે પહેલેથી સહેજ કહ્યું હોત તો હારુ થાત ને. હવે એક કામ કરો તમે આગળ આગળ હાલો. હું જરા આટલુ કામ પતાવીને નીકળું. તમને આમ પકડી લઈશ રસ્તામાં” એક હાથમાં દાતરડું અને બીજા હાથમાં કાપેલ ઘાસ પકડીને એ બોલ્યા. ગુરુજી કઈ જ બોલ્યા વગર ફક્ત એને આશીર્વાદ આપી ને કશુંક ધીમેથી બોલી ને આગળ ચાલ્યા.

આ ઘટનાને બે જ ક્ષણ થઇ હશે ત્યાં તો પાછળથી અમરતલાલ દોડતા આવ્યા” રમણીક…ઓ રમણીક, ગજબ થયો..ગુરુજીએ હમણાં જ આશ્રમમાં દેહ છોડ્યો”

“ અલ્યા નશો કર્યો કે શું? એ તો હમણા અહીં જ હતા. મને કહેતા કે મોટી જાત્રાએ જવાનો સમય થયો ચલ, મે કહ્યું તમે આગળ નીકળો હું આવું” છેલ્લા શબ્દો બોલતા એને આખી વાત સમજાઈ..

અને એના મનમાં ગુરુજીના પેલા ધીમેથી બોલેલા શબ્દો સંભળાયા

“અણી ચૂક્યો જે માનવી તે આખરે પસતાય”.