પહેલાં તો એ સમજવાની જરૂર છે કે `પર્યાવરણ (Environment)' અને `આબોહવા (Climate)' બંને શબ્દો ઘણીવાર એકબીજાના બદલે વાપરવામાં આવે છે.
પરંતુ બંને શબ્દો અલગ સંદર્ભ આપે છે. પર્યાવરણમાં પૃથ્વી પર કુદરતી રીતે બનતી તમામ જીવંત અને નિર્જીવ વસ્તુઓનો સમાવેશ થાય છે. પૃથ્વી પ્રણાલીનાં તમામ તત્ત્વો જેમ કે, જીવંત જીવો, વાતાવરણ, પાણી, માટી અને ભૂસ્તરશાસ્ત્રીય રચનાઓનો સમાવેશ થાય છે. આબોહવા એ લાંબા ગાળા દરમિયાન આપેલ પ્રદેશમાં તાપમાન, ભેજ, વાતાવરણીય દબાણ, પવન, વરસાદ, વાતાવરણીય કણોની સંખ્યા અને અન્ય હવામાન ચલોના લાંબા ગાળાની પેટર્ન અને સરેરાશનો ઉલ્લેખ કરે છે. પર્યાવરણ એક વ્યાપક ખ્યાલ છે, જેમાં ફક્ત હવામાન અથવા આબોહવા જ નહીં, પરંતુ લેન્ડસ્કેપ્સ, રહેઠાણો અને ઇકોસિસ્ટમ્સનો પણ સમાવેશ થાય છે. તેના ઘટકો વચ્ચેની ક્રિયા પ્રતિક્રિયાઓ દ્વારા વર્ગીકૃત થયેલ છે, જેમાં ઇકોસિસ્ટમ્સ અને માનવ પ્રવૃત્તિનો સમાવેશ થાય છે. જ્યારે આબોહવા સહસ્ત્રાબ્દી દરમિયાન કુદરતી પ્રક્રિયાઓને કારણે અથવા ટૂંકા સમયગાળામાં માનવ પ્રભાવ દ્વારા બદલાઈ શકે છે, જેના કારણે આબોહવા પરિવર્તન થાય છે.
ટૂંકમાં, આબોહવા એ પર્યાવરણીય પ્રણાલીનો માત્ર એક ભાગ છે, પરંતુ આબોહવામાં થતા ફેરફારો પર્યાવરણ પર ઊંડી અસરો કરી શકે છે.
એવી ઘણી વસ્તુઓ છે જે આબોહવા માટે ફાયદાકારક છે, પરંતુ તેમનું ઉત્પાદન પર્યાવરણને નુકસાન પહોંચાડી શકે છે. જેમ કે, ઇલેક્ટ્રિક વાહનો (EVS) ઓછા ઉત્સર્જનને કારણે આબોહવા માટે ફાયદાકારક છે, પરંતુ તેમનું ઉત્પાદન પર્યાવરણને નુકસાન પહોંચાડી શકે છે. તેનાથી વિપરીત કાગળની સ્ટ્રો, બેગ અને બોક્સ જેવી વસ્તુઓ પર્યાવરણ માટે વધુ સારી છે, પરંતુ ઉત્પાદન દરમિયાન વધુ ઉત્સર્જનને કારણે તે આબોહવા પર નકારાત્મક અસર કરી શકે છે. કાર્બન ડાયોક્સાઇડનું સ્તર વધવાથી છોડના વિકાસમાં વધારો થઈ શકે છે, જે પાકને લાભ આપી શકે છે, પરંતુ તે ગરમીના તાણ અને દુષ્કાળ તરફ દોરી જાય છે, જે સંભવિત રીતે ફાયદાઓને સરભર કરે છે. આબોહવા માટે ફાયદાકારક ફ્રેકિંગ કુદરતી ગેસ કાઢવામાં મદદ કરી શકે છે. જેનો ઉપયોગ વીજળી ઉત્પન્ન કરવા અને કોલસા પર નિર્ભરતા ઘટાડવા માટે થઈ શકે છે. તેનાથી કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થઈ શકે છે, પરંતુ પર્યાવરણ માટે હાનિકારક ઝેરી રસાયણોથી પાણીના સ્રોતોને દૂષિત કરી શકે છે, જે માનવ અને પ્રાણીઓના સ્વાસ્થ્યને સંભવિત રીતે અસર કરી શકે છે. કેટલાક આબોહવા સુધારવાના ઉકેલો સરવાળે પર્યાવરણ માટે અણધાર્યાં નકારાત્મક પરિણામો લાવી શકે છે.
બીજી તરફ માનવ જીવન માટે જરૂરી ઘણાં ઉત્પાદનો જેમ કે, પ્લાસ્ટિક, જંતુનાશકો અને વ્યક્તિગત સંભાળ ઉત્પાદનો, પર્યાવરણ પર નોંધપાત્ર નકારાત્મક અસરો ધરાવે છે. આ અસરો સામગ્રીના નિષ્કર્ષણ અને ઉત્પાદનથી લઈને કચરાના નિકાલ અને આબોહવા પરિવર્તન સુધીની છે. પાકને બચાવવા માટે ઉપયોગમાં લેવાતા જંતુનાશકો પાણી અને માટીને દૂષિત કરી શકે છે, બિનલક્ષ્ય પ્રજાતિઓને નુકસાન પહોંચાડી શકે છે. ઘણી પર્સનલ કેર પ્રોડક્ટ્સમાં એવાં રસાયણો હોય છે જે જળચર જીવોને નુકસાન પહોંચાડી શકે છે અને જળાશયોને દૂષિત કરી શકે છે. સ્ટીલ, પલ્પ, કાગળ અને પ્લાસ્ટિક જેવાં વિવિધ ઉત્પાદનોના ઉત્પાદનથી કચરો ઉત્પન્ન થાય છે, જે પાણી અને માટીને દૂષિત કરી શકે છે. ખોરાકનું ઉત્પાદન અને પશુપાલન ગ્રીનહાઉસ વાયુઓ મુક્ત કરી શકે છે અને વનનાબૂદી તેમજ જળ પ્રદૂષણમાં ફાળો આપી શકે છે. સેલફોન અને કમ્પ્યૂટર સહિતનાં ઈલેક્ટ્રોનિક ઉપકરણોનું ઉત્પાદન અને નિકાલ પર્યાવરણમાં ઝેરી પદાર્થો મુક્ત કરી શકે છે. ઘણાં ઘરગથ્થુ સફાઈ ઉત્પાદનો અને જંતુનાશકોમાં એવાં રસાયણો હોય છે જેનો અયોગ્ય રીતે નિકાલ કરવામાં આવે તો પર્યાવરણ માટે હાનિકારક બની શકે છે.
ગરમી એટલી પડે છે કે એસી ચલાવવું પડે અને એસી ચલાવીએ તો ગરમી વધારવામાં ફાળો આપે. સેલફોન વગર તો ગરીબને પણ નથી ચાલતું. માનવીને પર્યાવરણની ચિંતા જરૂર થાય છે, પણ ઉપાય અપનાવવા લગભગ અશક્ય, તો મેલ કરવત ઠેરના ઠેર.