નવા વર્ષના પ્રારંભે જ સમાચાર વાંચવા મળ્યા કે પ્રથમ દિવસે 1 જાન્યુઆરી, 2025ના રોજ વિશ્વની વસ્તી 8.09 અબજ સુધી પહોંચી ગઈ છે. આ યોગદાન આપનારાઓમાં આપણે અને આપણાં મા-બાપ સહિત પૂર્વજો પણ સામેલ છે. આ વિશ્વમાં એવા પણ આવી ગયા છે જેમણે હજારોની સંખ્યામાં બાળકો પેદા કર્યાં છે.
વિશ્વાસ નથી આવતો ને? તો વેલેન્ટિનાને જાણો. આ મહિલા પર આરોપ છે કે તેના પતિ ફિઓડર વાસિલિયેવ સાથે મળીને કુલ 69 બાળકોને જન્મ આપ્યો હતો. 1725-1765ની વચ્ચે જોડિયાં 16, ત્રિપુટીના 7 સેટ અને ચાર-ચારના પણ 4 સેટ પેદા કર્યા હોવાનું કહેવાય છે. આ એક જ મહિલાને સૌથી વધુ બાળકો જન્મવાનો વર્લ્ડ રેકોર્ડ છે. વાસિલિયેવને તેની બીજી પત્નીથી પણ 18 બાળકો (6 જોડી જોડિયાં અને 2 ત્રિપુટીના સેટ), કુલ 87 બાળકોના પિતા છે. (ડેટા ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સામેલ છે). રશિયાના જ વેડેન્સકી ગામના ખેડૂત યાકોવ કિરીલોવની પ્રથમ પત્નીએ કુલ 21 ફેરામાં 57 બાળકોની વર્દી પૃથ્વી પર ઉતારી છે. ચારના ચાર સેટ, ત્રિપુટીના સાત સેટ અને જોડિયાંના દસ સેટ હતા. 1755માં જ્યારે 60 વર્ષની વયના કિરીલોવને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે તમામ બાળકો જીવિત હતાં.
દાવો છે કે જર્મનીના બોન્નિહાઇમની બાર્બરા સ્ટ્રેટ્ઝમેન (1448-1503) એ 1498 સુધીમાં કુલ 29 ડિલિવરીમાં 53 બાળકોને (38 પુત્રો અને 15 પુત્રીઓ) જન્મ આપ્યો હતો. તેની પાસે એક સાતનું જૂથ, એક છ બાળકોનો સમૂહ, ત્રિપુટીના ચાર અને જોડિયાંના પાંચ સેટ હતા. વોરવિકશાયરના સાધુ કિર્બીના એલિઝાબેથ મોટે 42 બાળકો પેદા કર્યાં. ગ્વિનેડ, નોર્થ વેલ્સ, કોનવી ચર્ચ કબ્રસ્તાનમાં કબર પરના શિલાલેખ મુજબ નિકોલસ હુક્સ તેની માતા એલિસ હુક્સના 41મા સંતાન હતા. થોમસ ગ્રીનહિલ તેની માતા એલિઝાબેથનો છેલ્લો પરંતુ 39મો બાળક હતો. વેરે સ્ટ્રીટ, લંડનમાં રહેતા એક અંડરટેકરની પત્ની શ્રીમતી હેરિસને 1736માં 35મા બાળકને જન્મ આપ્યો હતો.
એવું નથી કે સદીઓ પૂર્વેની કહાની છે, હજી 6 વર્ષ પૂર્વે 2019માં 40 વર્ષની ઉંમરે યુગાન્ડાની મરિયમ નાબાતાન્ઝીએ વધુ ગર્ભાવસ્થાને રોકવા માટે તબીબી પ્રક્રિયા કરાવી. 4 એપ્રિલ, 2023 સુધીમાં તેની પાસે કુલ 38 હયાત બાળકો હતાં. તેણે 36 વર્ષની ઉંમર સુધીમાં 44 બાળકોને જન્મ આપ્યો હતો. આ તો થયાં માતાઓનાં નામ, જેમણે સ્વયં કષ્ટ વેઠીને ધમધમાટી બોલાવી હોઈ, સંખ્યા 69થી આગળ વધારી શકી નથી, પરંતુ એવા પિતાઓ જેમણે કોઈ કષ્ટ ભોગવવાનું જ ન હતું, તેમને રોકી શકાય ખરા?
ચંગીઝ ખાન 1000થી 3000 બાળકોને જન્મ આપ્યો હોવાની અફવા છે (જોકે, ગાણિતિક પુરાવા આ દાવાને સમર્થન આપતા નથી). 2003ના અભ્યાસમાં અનુમાન કરવામાં આવ્યું હતું કે આજે જીવંત 16 મિલિયન પુરુષો તેના અને/અથવા તેના પુરુષ સંબંધીઓના સીધા વંશજો છે. (આ દાવા પર પણ શંકા વ્યક્ત થઇ છે). આવી કોઈ શંકા મોરોક્કોના રાજા મૌલે ઈસ્માઈલ ઈબ્ને શરીફ પર કરવામાં આવી નથી, જેની પાસે 500 સ્ત્રીઓ હતી અને 525 છોકરાઓ તેમજ 342 છોકરીઓના પિતા હતા. ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સે એક પિતાને સૌથી વધુ બાળકો 1042ની ગણતરી કરી. આ આંકડો 868-1171 સુધી અંદાજિત છે.
900+ બર્ટોલ્ડ પોલ વિઝનર, આ વૈજ્ઞાનિકે 1942 (અથવા અગાઉ) અને 1967ની વચ્ચે તેની બીજી પત્ની મેરી બાર્ટનની તબીબી પ્રેક્ટિસ દ્વારા `કૃત્રિમ ગર્ભાધાન દાતા' બની 1000 જેટલાં બાળકોને જન્મ આપ્યો હતો. તે તેની પ્રથમ પત્ની અન્ના ગ્મેનરથી એક અને મેરી બાર્ટનથી બે બાળકોનો પણ પિતા છે. 800+ સિમોન વોટસન બ્રિટિશ સ્પર્મ ડોનર, 500+ જોનાથન જેકબ મેઇજર ડચ સંગીતકાર, જેણે 30 વરસની ઉંમરમાં શુક્રાણુ દાન દ્વારા 200 બાળકોને જન્મ આપ્યો હશે. તેનાં સંતાનોની સંખ્યા 1000 હોઈ શકે છે. 2023માં એક ડચ કોર્ટે મેઇજરને ઉલ્લંઘન દીઠ 100000ના સંભવિત દંડ સાથે વધુ શુક્રાણુઓનું દાન કરવાની મનાઈ ફરમાવી હતી.
ઇતિહાસના પાને આવા કંઈકેટલાય શૂરવીરોનાં નામો અંકિત થયાં છે, જેમણે વિશ્વની વસ્તીમાં ધમધમાટ યોગદાન આપ્યું છે.