ખાટી કેરી, બીજોરુ, કરમદા, લીંબુ, બોર, જાંબુ, જામફળ, સંતરાં, મોસંબી, અનનાસ, ટામેટાં, કોઠું, આમલી, દ્રાક્ષ, અખરોટ, ફણસ, નાળિયેર, દાડમ, આમળાં અને એવાં જ બીજાં પ્રવાહી કે અપ્રવાહી ખાટાં આહારદ્રવ્યો દૂધ સાથે વિરોધી (સંયોગ વિરુદ્ધ) છે. એટલે દૂધ સાથે ખાટાં ફળો વગેરે ન પ્રયોજાય એ વધારે હિતાવહ છે. કળથી, કાંગ, કોદરી, મઠ, અડદ અને વાલ સાથે દૂધ વિરોધી છે.
દૂધ, દહીં અને છાશ સાથે કેળાં વિરોધી છે. મૂળા, મોગરી અને તુલસીના સેવન પછી દૂધનું સેવન અઢાર પ્રકારના કોઢ (બૃહદ અર્થમાં ત્વચાના રોગો) ઉત્પન્ન કરે છે.
માછલીનો દૂધ સાથે ઉપયોગ ન કરવો(ગુણ વિરુદ્ધ), કારણ કે બંને મધુર હોવાથી કફવર્ધક બને છે. પાકું ફણસ દૂધ, દહીં, ગોળ અને ઘી સાથે ન ખાવું. તે બળ, વર્ણ અને શુક્રની હાનિ કરે છે.
ગરમ કરેલું મધ વિષ સમાન છે(સંસ્કાર વિરુદ્ધ). ઉનાળામાં ગરમીથી પીડિત વ્યક્તિએ મધનું સેવન ન કરવું જોઈએ. સરખી માત્રામાં ભેળવેલ મધ અને ઘી તથા સરખી માત્રામાં મધ અને આકાશ જળ વિરુદ્ધ છે (માત્રા વિરુદ્ધ). મધ અને ગરમ પાણી વિરોધી છે(વીર્ય વિરુદ્ધ). એટલે ગરમ પાણીમાં મધ નાંખી અને તેનો ઉપયોગ કરવો નહીં. ભીલામાવાળા ઔષધ પછી પણ ગરમ પાણી પીવું વિરોધી છે.
ગોળ સાથે પીલુડી વિરોધી છે. મૂળા અને મધ વિરોધી છે. ઘી, તેલ, માખણ, વસા(પ્રાણીજ ચરબી) અને મજ્જા આ દ્રવ્યો એકસરખી માત્રામાં એટલે કે સપ્રમાણ ન લેવાં.
દૂધની સાથે બીલું, કોળું, કાકડી, કારેલું, કેરડા, કંકોડાં, ખાટાં ફળો, મીઠું(નમક), કળથી, દહીં, તેલ, અંકુરિત ધાન્ય, સુકવણીનું શાક, બકરી અને ઘેટાનું માંસ, મદ્ય(દારૂ), જાંબુ, ચિલચિમ માછલી, બળદ અને વરાહ માંસ(બેકન) વગેરે વિરુદ્ધ છે.
દૂધ, છાશ અને દહીં સાથે તાડફળી વિરોધી છે. ફણસ અડદની દાળ સાથે વિરોધી બને છે. દૂધ અને મધની સાથે રોહિણી શાક અને જાતુંક શાક વિરોધી બને છે. માછલીના સેવન પછી શેરડીનો રસ ન પીવાય.
કાંસાના પાત્રમાં 10 દિવસ રાખેલું ઘી અને માત્ર અડધો દિવસ જ રાખેલું દહીં કે છાશ ન ખવાય.
ઉપરોક્ત વિરોધી દ્રવ્યો સાથે લેવાથી ઘણી વખત તરત જ શીળસ, ચકામાં, ઊલટી, ઝાડા, પેટમાં ચૂંક ઉત્પન્ન કરે છે અને ઘણીવાર આ બધું ન થાય તો લાંબે ગાળે તેની આડઅસરોમાં ચામડીના રોગો, નપુંસકતા, કરોળિયા, કોઢ, સોરાયસીસ, જળોદર, ગૂમડાં, આંતરડાંનો સોજો(કોલાયટીસ), ઉન્માદ, ભગંદર, મસા, રક્તાલ્પતા, કૃશતા, સંગ્રહણી, સોજા, એસિડિટી, અલ્સર, શરદી, સળેખમ, શ્વાસ, ગેસ, શુક્રાણુની અલ્પતા, આફરો વગેરે થવાની શક્યતા રહે છે.