ઉનાળામાં ઠંડી જગ્યાએ ફરવા જવાની ઇચ્છા પ્રબળ થઇ જતી હોય છે. ખાસ કરીને ગુજરાતવાસીઓ, જે પ્રકારે મે મહિનામાં ઉનાળો ભોગવે છે એ પછી એક વીક પણ ઠંડી જગ્યાએ ફરવા જવાનો પ્લાન બને તો આપણા માટે એ લોટરી જેવું કામ કરે છે. ઠંડી જગ્યાઓમાં હિમાચલ વિશે તો આપણે વાત કરી જ છે, આજે બેંગ્લોર વિશે વાત કરીએ. ભારતના સુંદર સિટી તરીકે ઓળખાતા બેંગ્લોરમાં પણ ફરવાલાયક અનેક જગ્યાઓ છે. અહીં આ સમયગાળામાં 25થી 27 ડિગ્રી જેટલું ટેમ્પરેચર હોય છે જેમાં ફરવાની ખૂબ જ મજા આવે છે. જો તમે બેંગ્લોર ફરવા જવાનો પ્લાન કરી રહ્યા હોવ તો તમારે ત્યાંની કઇ કઇ જગ્યાઓ જોવી એ વિશે થોડી વાત કરી લઇએ.
નંદી હિલ્સ (Nandi Hills)
નંદી હિલ્સ બેંગ્લોરથી લગભગ 60 કિલોમીટરના અંતરે આવેલું એક લોકપ્રિય ગિરિમથક છે. તેની કુદરતી સુંદરતા અદ્ભુત છે. અહીંની લીલીછમ ટેકરીઓ, વાદળોથી ઘેરાયેલું વાતાવરણ અને શાંતિપૂર્ણ માહોલ પ્રવાસીઓને ખૂબ જ આકર્ષે છે. અહીંના સૂર્યોદય અને સૂર્યાસ્તનાં મનોહર દૃશ્યો જોવાલાયક છે. નંદી હિલ્સ ટ્રેકિંગ અને સાઇકલિંગ માટે પણ એક ઉત્તમ સ્થળ છે, જે પર્યટકો ટ્રેકિંગ અને સાઇકલિંગના શોખીન હોય એના માટે આ જગ્યા પરફેક્ટ છે.
સમર પેલેસ
ટીપુ સુલતાનનો સમર પેલેસ પણ નંદી હિલ્સ નજીક આવેલો છે, જે ઇતિહાસપ્રેમીઓ માટે એક વિશેષ આકર્ષણ છે. અહીંનું ઠંડું અને તાજગીભર્યું વાતાવરણ શહેરી જીવનની ભાગદોડથી દૂર એક શાંતિનો અનુભવ કરાવે છે. સમર પેલેસને ટીપુ સુલતાનનું ઉનાળાનું નિવાસસ્થાન હતું. આ મહેલ ટીપુ સુલતાનના પિતા હૈદર અલી દ્વારા 1781માં બનાવડાવવાની શરૂઆત કરી હતી. મહેલને પૂરો પુત્ર ટીપુએ કર્યો હતો. ઉનાળામાં ઠંડી જગ્યાએ આરામથી રહેવા જઇ શકાય એ ઉદ્દેશથી જ આ મહેલ બનાવડાવવાની શરૂઆત થઇ હતી. ટીપુએ આ મહેલનું નામ રસ કી જન્નત રાખ્યું હતું, જે પાછળથી સમર પેલેસમાં ફેરવાયું હતું. મહેલની આસપાસના બગીચાઓ મુગલ શૈલીથી બનાવવામાં આવ્યા છે, જે આકર્ષણનું કેન્દ્ર છે. મહેલમાં જવાનો સમય સવારે દસથી સાંજે 6 વાગ્યા સુધીનો છે. અહીં એન્ટ્રી ફીઝ નથી.
સ્કંદગિરિ (Skandagiri)
સ્કંદગિરિ, જેને કલવાર બેટ્ટા તરીકે પણ ઓળખવામાં આવે છે. બેંગ્લોરની નજીક લગભગ 62 કિલોમીટર દૂર આવેલો આ એક ઐતિહાસિક પહાડી કિલ્લો છે. આ સ્થળ ટ્રેકિંગ માટે ખૂબ જ પ્રખ્યાત છે. ખાસ કરીને રાત્રિના ટ્રેકિંગ માટે, જ્યાંથી સૂર્યોદયનો અદ્ભુત નજારો જોવા મળે છે. ગાઢ જંગલો અને ખડકાળ રસ્તાઓ ટ્રેકિંગને વધુ રોમાંચક બનાવે છે. ટોચ પર પહોંચ્યા પછી આસપાસનાં કુદરતી સૌંદર્યને જોવું એ એક અવિસ્મરણીય અનુભવ છે. અહીં આવેલો જૂનો કિલ્લો ને મંદિરો આ સ્થળના ઐતિહાસિક મહત્ત્વને દર્શાવે છે.
અંતરગંગે (Anthargange)
અંતરગંગે બેંગ્લોરથી લગભગ 70 કિલોમીટરના અંતરે આવેલું એક અનોખું સ્થળ છે, જે તેની ગુફાઓ અને જ્વાળામુખી ખડકો માટે જાણીતું છે. અહીં પર્વતોમાં આવેલી અનેક કુદરતી ગુફાઓ છે, જેમાં ટ્રેકિંગ કરવું એક સાહસિક અનુભવ છે. આ સ્થળ રોક ક્લાઇમ્બિંગ અને કેવિંગ જેવી પ્રવૃત્તિઓ માટે પણ લોકપ્રિય છે. અંતરગંગેનું કુદરતી સૌંદર્ય શાંત અને આકર્ષક છે. અહીં આવેલું ગંગેશ્વર મંદિર પણ ઘણા શ્રદ્ધાળુઓને આકર્ષે છે. ખડકાળ ભૂપ્રદેશ અને લીલીછમ વનસ્પતિનું મિશ્રણ આ સ્થળને એક ખાસ ઓળખ આપે છે.
ભીમેશ્વરી (Bheemeshwari)
ભીમેશ્વરી બેંગ્લોરથી લગભગ 100 કિલોમીટર દૂર આવેલું એક સુંદર કુદરતી સ્થળ છે, જે કાવેરી નદીના કિનારે આવેલું છે. આ સ્થળ તેનાં ગાઢ જંગલો, વિવિધ પ્રકારના વન્યજીવો અને શાંત વાતાવરણ માટે જાણીતું છે. ભીમેશ્વરી એંગલિંગ અને નેચર કેમ્પિંગ માટે એક આદર્શ સ્થળ છે. અહીં તમે પક્ષીઓને નિહાળી શકો છો અને કુદરતના ખોળે શાંતિનો અનુભવ કરી શકો છો. કાવેરી નદીની આસપાસની લીલોતરી અને કુદરતી દૃશ્યો મનને શાંતિ અને તાજગી આપે છે. આ સ્થળો બેંગ્લોરની નજીક આવેલા કુદરતી સૌંદર્યથી ભરપૂર સ્થળો છે, જ્યાં તમે શહેરના કોલાહલથી દૂર શાંતિ અને પ્રકૃતિનો આનંદ માણી શકો છો. દરેક સ્થળની પોતાની આગવી વિશેષતા છે, જે તેને અન્ય સ્થળોથી અલગ પાડે છે. જો તમને કુદરત અને શાંતિ ગમતી હોય, તો આ સ્થળોની મુલાકાત લેવી તમારા માટે એક સારો અનુભવ સાબિત થશે.