• સ્વપ્નમાં રમકડાં જોવાં એ શુભ સ્વપ્ન છે. જેમને કોઈ સંતાન ન હોય તેમને બહુ જલદી સંતાન પ્રાપ્ત થશે. જેમના વિવાહ નથી થયા તેમના શીઘ્ર વિવાહ થશે

દરેક મનુષ્ય કોઈને કોઈ પ્રકારનું સ્વપ્ન જરૂર જુએ છે. કોઈ ખૂલી આંખે સ્વપ્ન જુએ છે, તો કોઈ નિદ્રામાં, જોકે, વૈજ્ઞાનિક આધારે જોઈએ તો આપણે દિવસ દરમિયાન જે વિચાર કરીએ છીએ, તે વિચાર આપણે નિદ્રામાં પ્રત્યક્ષ રૂપે જોઈએ છીએ, પરંતુ શાસ્ત્રોમાં વર્ણન છે કે સ્વપ્નો શુભ અથવા અશુભ ફળ આપે છે. જેમ કે રામાયણમાં લખ્યું છે કે જ્યારે ભગવાન રામનું રાજતિલક થવાનું હતું અને ભરત જ્યારે પોતાના નાનાજીના ઘરે હતા ત્યારે તેમણે બહુ જ ડરામણું સ્વપ્ન જોયું હતું. તેમણે સ્વપ્નમાં જોયું હતું કે તેમના પિતાનું મૃત્યુ થઈ ગયું છે અને તેમને અયોધ્યા રાજતિલક માટે બોલવવામાં આવ્યા છે. આટલું જોતાં તેમની ઊંઘ ઊડી ગઈ અને સવાર થતાં જ તેમનું સ્વપ્ન સાચું પડ્યું. તેમને અયોધ્યા બોલાવવામાં આવ્યા અને તેમણે જે ક્રમમાં ઘટનાઓ જોઈ હતી તે જ ક્રમમાં ઘટનાઓ ઘટી હતી.

આ જ રીતે રામચરિત માનસના સુંદરકાંડમાં લખ્યું છે કે ત્રિજટાએ લંકાદહન, રાવણનું મૃત્યુ તથા વિભીષણને લંકના રાજા બનતા હોવાનું સ્વપ્ન જોયું હતું. તેની ચોપાઈ નીચે પ્રમાણે છે.

ત્રિજટા નામ રાક્ષસી એક રામચરન નિપુન વિવેકા।

સબ ન હૌ બોલી સુનાઈ સી

અપના સીતહિ સે કરહુ હેત અપના॥

ખર આરુઢ નગ્ન દશશીશા

મંડિત સિર ખંડિત ભુજ વીસા।

યહી વિધિ સોહ દક્ષિણ

દિશિ જોઈ લંકા મન હુ વિભિષણ પાઈ॥

શાસ્ત્રોમાં વર્ણિત આ પ્રમાણોથી સિદ્ધ થાય છે કે સ્વપ્નનાં પોતાનાં શુભ તથા અશુભ ફળ પ્રાપ્ત થાય છે. જેમ કે-

ઉંદર જોવો

જો તમારાં લગ્ન થવાનાં હોય તો તમારી થનારી પત્ની સાથે મનમુટાવ રહેશે. પત્ની પોતાની મરજી પ્રમાણે કાર્ય કરશે, જેનાથી ગૃહસ્થ જીવનમાં અશાંતિ રહેશે.

ઉંદરને કંઈ ખાતા જોવો

જે વ્યક્તિની વસ્તુ ઉંદર ખાઈ રહ્યો હોય તેને તેના વેપાર અથવા કાર્યક્ષેત્રમાં નુકસાન થવાનું છે તથા સ્વાસ્થ્ય સંબંધી તકલીફ પણ થઈ શકે છે.

નોળિયો જોવો

જો કોઈ વ્યક્તિને સવારે સ્વપ્નમાં નોળિયો જોવા મળે તો તેણે સમજી લેવું કે તે નજીકના ભવિષ્યમાં જ ધનવાન બનશે. નોળિયાનો સીધો સંબંધ જમીનમાં છુપાયેલા ખજાના સાથે માનવામાં આવે છે, તેથી વહેલી સવારે સ્વપ્નમાં નોળિયો જોવા મળે તો તે વ્યક્તિને ગુપ્ત ધનપ્રાપ્તિના યોગ બને છે. બપોરે સૂતી વખતે સ્વપ્નમાં નોળિયો જોવા મળે તો તે બહુ ખરાબ સંકેત છે, કારણ કે જ્યોતિષમાં તેને અશુભ માનવામાં આવે છે. બપોરના સમયે સ્વપ્નમાં જોવા મળતો નોળિયો આર્થિક નુકસાન અને મુશ્કેલીઓ લાવે છે.

રમકડાં જોવાં

આ બહુ જ શુભ સ્વપ્ન છે. જેમને કોઈ સંતાન ન હોય તેમને બહુ જલદી સંતાન પ્રાપ્ત થશે અને જેમના વિવાહ નથી થયા તેમના શીઘ્ર વિવાહ થશે.

હૃદય બળતું જોવું

બહુ જ શુભ સ્વપ્ન છે, બહુ જલદી ઘરમાં શુભ કાર્ય થશે. જો સ્વપ્ન જોનાર ગરીબ હશે તો તેને ધનપ્રાપ્તિ થશે. બેરોજગારને નોકરી મળશે તથા નિ:સંતાને બહુ જલદી ઉત્તમ સંતાન પ્રાપ્ત થશે.

પોતાના કાનની સફાઈ કરતા જોવું

આવું સ્વપ્ન જોનાર જો વિદ્યાર્થી હશે તો તેને પરીક્ષામાં સફળતા મળશે અને યુવાન હશે તો તેને પોતાના કાર્યક્ષેત્રનું જ્ઞાન વધશે, જેનાથી તેને સમાજમાં માન-સન્માન, પદ, પ્રતિષ્ઠા મળશે.

પત્ર, (મેસેજ, ઈ-મેઈલ) વાંચતા જોવું

કોઈને કોઈ શુભ સમાચાર મળવાના છે. તમને કોઈ મોટી જવાબદારીવાળું કામ સોંપવામાં આવે.

જ્યૂસ પીતાં જોવું

આ પણ બહુ શુભ સ્વપ્ન છે. જો તમે કોઈને ધન (નાણાં) ઉધાર આપ્યાં હશે તો શીઘ્ર ધનલાભ થશે એટલે કે ઉધાર આપેલું ધન પાછું મળશે. રોગીને રોગમાંથી મુક્તિ મળશે તથા સમાજમાં માન-સન્માન, પદ, પ્રતિષ્ઠા મળશે.


  • Follow us on: