સ્વપ્ન સૂતા હોવ ત્યારે ગમે તે સમયે આવી શકે છે, વ્યક્તિને સ્વપ્નમાં નદી, પહાડ, ઝરણાં, પશુ-પક્ષી, પ્રાણી વગેરે જેવી અનેક જીવંત અને નિર્જીવ વસ્તુઓ તથા શક્ય ન હોય તેવી ઘણી બાબતો જોવા મળે છે. આ બધી જોવા મળતી વસ્તુઓમાંથી કેટલીક શુભ તો કેટલીક અશુભનો સંકેત આપે છે. શુભ અને અશુભ સ્વપ્ન કોને કહેવાં તથા તેનાં ફળ શું હોય છે તે જાણીએ.
શુભ સ્વપ્ન
જે વ્યક્તિ સ્વપ્નાવસ્થામાં ઘોડા, હાથી, સફેદ બળદ, પગરખાં કે રથમાં પોતાને સવાર થયેલો જુએ તો તેને ગામ, નગર, રાજ્ય કે દેશ દ્વારા સન્માનની પ્રાપ્તિ થાય છે.
મોટું જળાશય, સરોવર, નદી કે સાગરમાં પોતાને તરતો જોનારને સઘળાં પ્રકારનાં સંકટમાંથી મુક્તિ મળે છે.
સ્વપ્નમાં ઘુવડ જોવા મળે તો ભગવતી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. થોડાક જ દિવસોમાં ધનલાભ થાય છે.
જે વ્યક્તિ સ્વપ્નાવસ્થામાં તલ, ચોખા, ઘઉં, સરસવ, જવ, અન્નનો ઢગલો, પુષ્પ, છત્રી, ધ્વજ, દહીં, પાન, કમળ, કળશ, શંખ અને સોનાનાં ઘરેણાં જુએ છે તેને બધાં જ પ્રકારનાં સુખની પ્રાપ્તિ થાય છે.
સ્વપ્નમાં દેવી લક્ષ્મીની મૂર્તિ જોવા મળે તો અઢળક ધનની પ્રાપ્તિ થાય છે.
ગોરૈયા, નીલકંઠ, કબૂતર, સારસ, પોપટ અને તેતર પક્ષી જોવાથી ગૃહસ્થજીવન ખુશખુશાલ થાય છે.
સ્વપ્નમાં પોતાને કોઈ મહેલના ઊંચા બુરજ પર ઊભો રહેલું જોવું એ ભાવિ જીવનની ઉન્નતિનો એક સંકેત છે.
જો કોઈ રોગી સ્વપ્નમાં દવાની શીશી તૂટેલી જુએ તો શીઘ્ર રોગમુક્ત થઈ જાય છે.
સ્વપ્નમાં કેળાં, સફરજન, કેરી વગેરે ફળો જોવાં મળે તો ખૂબ જ શુભ ફળ પ્રાપ્ત થાય છે.
કોઈ પોતાને કોઈ ઊંચી ટેકરી કે પહાડ પર ચડતા જુએ તે ભવિષ્યમાં ઉન્નતિનો સંકેત છે.
જે સ્વપ્નમાં પોતાને નવાં કપડાં પહેરેલા જુએ તો તે કોઈ માંગલિક કાર્યના સંદેશ મેળવવાનો સંકેત આપે છે.
સ્વપ્નમાં કોઈ વૃદ્ધિ વ્યક્તિ અથવા સાધુ જોવા મળે તો મોટો ધનલાભ અથવા મોટું સન્માન મળવાનો એક શુભ સંકેત છે.
અશુભ સ્વપ્ન
બાળકનો જન્મ થતો જોવા મળે તો સાવધાન થવું જોઈએ, કારણ કે તે થનારી દુર્ઘટનાનો સંકેત છે.
સ્વપ્નમાં કોઈ બાળક રડતું જોવા મળે તો તે ભયંકર સંકટ આવવાનો સંકેત છે.
દક્ષિણ દિશામાં ઊભેલી વ્યક્તિને પિતા બોલાવતાં જુઓ તો તમારો અશુભ સમય શરૂ થઈ ગયો છે તેમ સમજવું.
સ્વપ્નમાં કોઈ ખંડેર, સૂમસામ જગ્યા જોવા મળે, તેમાં અટવાઈ પડાય અને તેમાંથી નીકળવાનો માર્ગ ન મળે તો તે હાનિકારક હોય છે.
કોઈનો કપાયેલો પગ જોવા મળે તો તેના જીવનમાં આર્થિક અને વ્યાવસાયિક બાધાઓ આવે છે.
સ્વપ્નમાં કોઈને પાણીમાં ડૂબતા જુઓ તો તે આવનારા સંકટનું સૂચક છે.
જો કોઈ વ્યક્તિ સ્વપ્નમાં પોતાને દોરડાથી બંધાયેલો જોવા મળે તો તેનાથી કોઈ કારણસર જેલવાસ ભોગવવાનો વારો આવી શકે છે.
સ્વપ્નમાં કોઈના વિવાદમાં સામેલ થવું તે અશુભતાનો સંકેત છે.
સ્વપ્નમાં જો કોઈ સોના-ચાંદી વગેરે ધાતુઓની ચોરી કરતાં જુએ તો તે અશુભ છે. તેનો પ્રભાવ વ્યવસાય પર પડે છે.
અનિષ્ટ ફળનાશક ઉપાય
સ્વપ્ન ભયાનક અને રાત્રિના 12થી 2 વાગ્યા દરમિયાન જોવા મળે તો તરત જ શિવજીના નામનું સ્મરણ કરવું. ૐ નમ: શિવાયનો જપ કરવો. બ્રહ્મમુહૂર્તમાં જાગી, સ્નાનાદિ કરી શિવમંદિરે જઈને જળ ચઢાવી પૂજા કરવી અને પૂજારીને કંઈક દાન કરવું. તેનાથી ખરાબ સંકટ નષ્ટ થઈ જાય છે.
જો સ્વપ્ન ચાર વાગ્યા પછી જોવા મળે તો આ સ્વપ્ન વધુ ખરાબ હોય છે. ત્યારે પ્રાત:ઊઠી કોઈની સાથે બોલ્યા સિવાય તુલસીના છોડને આવેલ સ્વપ્ન વર્ણવી દેવું. તેનાથી ખરાબ પરિણામ આવશે નહીં. અને સ્નાન કર્યા પછી ૐ નમ: શિવાય મંત્રનો 108 વખત જપ કરવો.
હનુમાનજી સર્વ પ્રકારનાં અનિષ્ટો દૂર કરે છે. ખરાબ સ્વપ્નનાં અનિષ્ટ ફળને દૂર કરવા સુંદરકાંડ, બજરંગબાણ, સંકટમોચન સ્તોત્ર અથવા હનુમાન ચાલીસાનો સાયંકાળે પાઠ કરવો.
ખરાબ સ્વપ્ન આવે ત્યારે ઘરમાં તુલસીનો છોડ ન હોય તો સવારે ઊઠીને સફેદ કાગળ પર આવેલું સ્વપ્ન લખી લઈને તે કાગળ સળગાવી દેવો. આ બળેલ કાગળની રાખ નદીમાં પધરાવી દેવી. પછી સ્નાન કરી ૐ નમ: શિવાય મંત્રનો જાપ કરવો. જેથી સ્વપ્નનો ખરાબ પ્રભાવ દૂર થઈ જશે.










