પ્રકૃતિની આ ધરતીને અદ્ભુત ભેટ એટલે મેઘાલય. જેને આપણે વરસાદનું ઘર કહીએ છીએ, કેમ કે એના નામનો અર્થ જ એ થાય છે. આપણું મેઘાલય પોતાની કુદરતી સુંદરતા માટે વિશ્વભરમાં જાણીતું છે. અહીં અનેક એવાં સ્થળો આવેલાં છે, જે પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી દે છે. અહીં આવેલું આવું જ એક અદ્ભુત સ્થળ એટલે લૈતલુમ કેન્યોન (Laitlum Canyon).

 શિલોંગથી લગભગ 25 કિલોમીટર દૂર આવેલું આ કેન્યોન ખરેખર એક જોવા જેવું સ્થળ છે. લૈતલુમનો અર્થ થાય છે `પહાડોનો અંત'. આ નામ તેની ભૌગોલિક સ્થિતિને એકદમ સાર્થક કરે છે. અહીં ઊભા રહીને ચારે તરફ નજર ફેરવતાં વિશાળ ખીણો અને વાદળોનું મનમોહક દૃશ્ય જોવા મળે છે. અહીં ઊભા રહીને તમને ખ્યાલ આવશે કે ચારે બાજુ બસ ખીણ જ છે, પહાડોનો બસ આ જગ્યાએ અંત થઇ જાય છે. જાણે કુદરતે પોતાના હાથે એક સુંદર ચિત્ર બનાવ્યું હોય એવી આ જગ્યા લાગે છે. લૈતલુમ કેન્યોનનું મુખ્ય આકર્ષણ અહીંનો વ્યૂ પોઇન્ટ છે. આ પોઇન્ટ પર ઊભા રહીને તમે દૂર સુધી ફેલાયેલી ખીણ અને તેની આસપાસના પહાડોને જોઈ શકો છો. ખાસ કરીને ચોમાસાની ઋતુમાં જ્યારે વાદળો નીચે આવતાં હોય છે અને આજુબાજુની હરિયાળી ખીલી ઊઠે છે, ત્યારે આ દૃશ્ય અવિસ્મરણીય બની જાય છે. ઘણા લોકો આ સ્થળને `સ્કોટલેન્ડ ઓફ ધ ઇસ્ટ' પણ કહે છે, જે તેની સુંદરતાની સાક્ષી પૂરે છે. વ્યૂ પોઇન્ટની નજીક એક સાંકડી અને સીધી પગથિયાંવાળી સીડી નીચે તરફ ઊતરે છે. આ સીડી ખીણના તળિયે આવેલા નાનકડા ગામ સુધી જાય છે. જો તમને ટ્રેકિંગનો શોખ હોય તો આ સીડીથી નીચે ઊતરવું એક રોમાંચક અનુભવ બની શકે છે.

 નીચે ગામમાં પહોંચીને તમે સ્થાનિક લોકોની જીવનશૈલીને નજીકથી જોઈ શકો છો અને પ્રકૃતિની શાંતિનો અનુભવ કરી શકો છો. જોકે, આ સીડી ઘણી ઢાળવાળી હોવાથી ઊતરતી વખતે અને ચઢતી વખતે સાવધાની રાખવી જરૂરી છે. ઉંમરલાયક લોકો અને બાળકોએ એ રિસ્ક ન લેવું જોઇએ. લૈતલુમ કેન્યોનની આસપાસનાં પહાડો અને જંગલો પણ ખૂબ જ સુંદર છે. અહીં વિવિધ પ્રકારની વનસ્પતિ અને જીવજંતુઓ જોવા મળે છે. શાંત અને સ્વચ્છ વાતાવરણમાં થોડો સમય પસાર કરવો એ એક તાજગીભર્યો અનુભવ બની રહેશે. મતલબ કે જો તમે ફ્રેશ ઓક્સિજનને મન ભરીને તમારા શરીરમાં લેવા માંગતા હોવ તો અહીં પહોંચી જવું જોઇએ. ઘણા પ્રવાસીઓ અહીં ફક્ત કુદરતી સૌંદર્યનો આનંદ માણવા અને ફોટોગ્રાફી કરવા માટે આવે છે.

 આ ઉપરાંત લૈતલુમ કેન્યોન એક શાંત અને એકાંત સ્થળ છે. શહેરી જીવનની દોડધામથી દૂર, અહીં તમે પ્રકૃતિના ખોળામાં શાંતિનો અનુભવ કરી શકો છો. સવારના સમયે અથવા સૂર્યાસ્ત સમયે અહીંનું દૃશ્ય ખાસ કરીને આકર્ષક હોય છે. જ્યારે સૂર્યનાં કિરણો ખીણ અને પહાડો પર પડે છે, ત્યારે આખું વાતાવરણ સોનેરી રંગમાં રંગાઈ જાય છે. જો તમે મેઘાલયની મુલાકાતે ગયા હોવ તો લૈતલુમ કેન્યોનની મુલાકાત લેવાનું ચૂકશો નહીં. આ સ્થળ તમને કુદરતની અદ્ભુત શક્તિ અને સુંદરતાનો પરિચય કરાવશે. અહીંની શાંતિ અને રમણીય દૃશ્યો તમારા મનને શાંતિ અને આનંદથી ભરી દેશે. લૈતલુમ કેન્યોન ખરેખર મેઘાલયનાં છુપાયેલાં રત્નોમાંથી એક છે, જેની મુલાકાત લેવી એક યાદગાર અનુભવ

સાબિત થશે.

મુલાકાત માટે શ્રેષ્ઠ સમય: લૈતલુમની મુલાકાત લેવા માટે સપ્ટેમ્બરથી મે સુધીનો સમય શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ સમય દરમિયાન હવામાન સુખદ હોય છે અને કુદરતી સૌંદર્ય પણ ખીલેલું હોય છે. ચોમાસામાં અહીં ખૂબ જ વરસાદ પડે છે, જેના કારણે રસ્તાઓ લપસણા બની શકે છે. તમે શાંતિ અને કુદરતી સૌંદર્યના ચાહક હોવ તો આ મુલાકાત અવિસ્મરણીય બની રહેશે.