કોંક્રીટનાં જંગલોમાં વસતા આપણે લોકો ફરવા માટે જવાનું નક્કી કરીએ ત્યારે મોટાભાગે કુદરતી સૌંદર્ય જ્યાં ભગવાને લખલૂટ વેર્યું હોય ત્યાં જ જઇએ છીએ, કેમ કે આપણી આસપાસ લીલોતરીની અછત અઢળક પ્રમાણમાં સર્જાઇ છે. વિકાસના નામે આપણે મોટી મોટી બિલ્ડિંગ્સ, બ્રિજ વગેરે બનાવી નાખીએ છીએ, પણ એ કારણે આંખોને જે જોઇને ઠંડક મળે, મનને શાંતિ મળે એવાં વૃક્ષોને કાપવાં પડે છે. મોટાં મોટાં શહેરોનો વિસ્તાર વધતો જાય છે અને ખેતરોનો વિસ્તાર સમયાંતરે ઘટતો જાય છે.

આ કારણે જ આપણે લીલોતરી જોવા તરસી જઇએ છીએ અને એવી જ જગ્યાએ જવાનું પસંદ કરીએ છીએ જ્યાં હજી મનુષ્યોએ લીલોતરી રહેવા દીધી છે. વેલ, ઠંડીની સીઝનમાં બરફ જોવાની ઇચ્છાને પણ આપણે રોકી નથી શકતા, પણ કાશ્મીર હોય કે હિમાચલ આ દરેક જગ્યાએ ઠંડી સિવાય જઇએ તો પણ ગ્રીનરી તો જોવા મળે જ છે. ખેર, આજે આપણે ભારતના સ્કોટલેન્ડ તરીકે ઓળખાતા ગામ વિશે વાત કરવાની છે જ્યાં લીલોતરી અઢળક છે. કર્ણાટકમાં લોકો કુર્ગને કોડાગુ તરીકે પણ ઓળખે છે. તે ત્યાંના લોકપ્રિય પર્યટન શહેરોમાંનું એક છે. કુર્ગને ભારતનું સ્કોટલેન્ડ અને કર્ણાટકનું કાશ્મીર કહેવામાં આવે છે. અહીં મોટા મોટા લીલાછમ ચા-કોફીના બગીચા, સંતરાંના બગીચા, નાના-મોટા ઘાસની ચાદર ઓઢેલા પહાડો, ખીણો અને ખળખળ વહેતી નદીઓ પર્યટકોનું દિલ જીતી લે છે.

કુર્ગ અને તેની આસપાસનાં ફરવાલાયક સ્થળો

 કુર્ગમાં પર્યટકો માટે ઘણું આકર્ષણ છે. અહીં પુરાતત્ત્વ મંદિરો, ઈકો પાર્ક, અનેક ઝરણાં વગેરે તમારું મન મોહી લે તેમાં ના નથી. કુર્ગમાં આવો એટલે અબ્બે ફોલ્સ, ઇરપુ ફોલ્સ, મદીકેરી કિલ્લો, રાજા સીટ, નાલખંદ પેલેસ અને રાજાનો ગુંબજ ચોક્કસ જોવા જવું. અહીં ભાગમંડલા, તિબ્બતી, ગોલ્ડન મંદિર, ઓમકારેશ્વર મંદિર અને તાલાકાવેરી જેવાં મુખ્ય ધાર્મિક સ્થળો પણ છે. અહીંની પ્રકૃતિનાં સુંદરતાથી ભરપૂર સ્થળો જેવાં કે ચિલાવારા ફોલ્સ, ઘરંગી બાંધ, કાવેરી નીસારગદામા, દુબારે એલિફન્ટ કેમ્પ, હોનામાના કેરે અને મંડપટ્ટી વગેરે સ્થળોનો સમાવેશ થાય છે. કુર્ગમાં ટ્રેકિંગ, ગોલ્ફ, ઇંગલિંગ અને રિવર રાફ્ટિંગ વગેરેની મજા પણ માણી શકાય છે. કુર્ગના મોટાભાગના ટ્રેકિંગ ટ્રેલ્સ પશ્ચિમ ઘાટના બ્રહ્માગિરિ પહાડો ઉપર આવેલા છે, તેથી જો તમે ટ્રેકિંગ કરવાના આશયથી જ ત્યાં જતા હોવ તો તે તરફની હોટલ કે રિસોર્ટમાં રહેવાનું વધારે યોગ્ય રહેશે. અહીં પુષ્પાગિરિ હિલ્સ, કોટેબેટ્ટા, ઇગ્ગુથાપ્પા, નિધની મોટ્ટે અને તાડિનાડામોલ વગેરે પણ ટ્રેકિંગ માટે પ્રખ્યાત પહાડો છે.

કુર્ગમાં વખણાતા ભોજનની વાત કરીએ તો અહીં નોનવેજ અને સાઉથ ઇન્ડિયન વધારે વખણાય છે. અલબત્ત, હવે ત્યાંના રહેવાસીઓ ટૂરિસ્ટ માટે અલગ અલગ વેરાઇટીવાળાં ભોજન પણ હોટલમાં બનાવે છે, જેથી ટૂરિસ્ટને ભોજનમાં અગવડ ન પડે, પણ જો તમે ત્યાંના પરંપરાગત ભોજનનો લહાવો લઇ શકાય. કુર્ગના ઢોંસા અહીં આવતા પ્રવાસીઓના ફેવરિટ બની જાય છે.

કુર્ગનું વાતાવરણ

આમ તો આખા વર્ષ દરમિયાન કુર્ગનું વાતાવરણ ખૂબ જ સારું રહે છે. તેમ છતાં તમે ફરવા જવાનું વિચારતા હોવ તો એપ્રિલથી ઓગસ્ટ સુધી અને નવેમ્બરથી જાન્યુઆરી સુધીનો સમયગાળો ત્યાં જવા માટે ઉત્તમ માનવામાં આવે છે. ઉનાળામાં ગુજરાતની ગરમીથી કંટાળ્યા હોવ અને ચોમાસામાં વરસાદની મજા માણવા માંગતા હોવ તો એપ્રિલથી ઓગસ્ટના સમયગાળામાં ત્યાં ફરવા જવું.