કામ કરતી વખતે જે કલાકો ગણે છે તે વ્યક્તિ જિંદગીમાં ક્યારેય ઊંચી નહીં આવે. કામ કરતી વખતે તમને જો એમ લાગતું હોય કે આ જગ્યાએ તો મારું શોષણ થઈ રહ્યું છે તો તમારે બીજી નોકરી શોધી લેવી જોઈએ. કોઈ કહેશે કે આજકાલ નોકરીઓ મળે છે જ ક્યાં? તો એમને કહેવાનું કે ભગવાનનો આભાર માનો કે તમને આ નોકરી મળી છે. હવે કોઈ ફરિયાદ કે કચકચ કર્યા વિના કામ કરો.
હસવું અને લોટ ફાકવો એ બંને વાત કંઈ સાથે ના બને. નોકરી પણ કરવી છે અને એ નોકરીને ગાળો પણ આપવી છે એવી માનસિકતા કોઈને ક્યારેય જિંદગીમાં ઉપર નહીં આવવા દે. કામ ન ગમતું હોય, ઓછા પગારે વધારે કામ કરવું પડે છે એવું લાગતું હોય કે પછી અન્ય કોઈ ફરિયાદ હોય તો તમારી પાસે એ કામ, એ નોકરી છોડી દઈને તમારું મનગમતું કામ કે વધારે પગાર આપતી નોકરી શોધવાનો વિકલ્પ છે જ અને જો મજબૂરીથી કામ કરવું પડતું હોય તો સ્વીકારી લેવાનું કે આ મજબૂરી છે, આ નોકરી કર્યા વિના છૂટકો નથી.
શું કામ છૂટકો નથી? કારણ કે અહીંથી તમને મહિનો પૂરો થયે પગાર મળે છે. એ પગારમાંથી તમે તમારા માટે અને તમારા પરિવાર માટે રોટી, કપડાં અને મકાનની જરૂરિયાતો પૂરી કરી શકો છો. તમારાં સંતાનોને ભણાવી શકો છો, મા-બાપના સ્વાસ્થ્ય માટે ખર્ચો કરી શકો છો અને તમારાં સપનાં સાકાર કરવા માટે બચત કરી શકો છો, વરસને વચલે દહાડે મોજશોખ પણ કરી શકો છો. જે કામ માટે તમને ફરિયાદ છે એ કામ કરીને મળતા પગારમાંથી તમે આ બધું કરી શકો છો અને જો ન કરી શકતા હોવ તો આગળ કહ્યું એમ, વધારે કમાણી કરવા માટે બીજું કોઈ કામ શોધી લો.
વધારે કમાણી કરવી હશે તો કામના કલાકો વધારીને નવી નવી જવાબદારીઓ લેતાં શીખવું પડે. નવી નવી સ્કિલ મેળવવા તાલીમ લેવી પડે. ઑફિસમાં પેલો કંઈ કામ કરતો નથી અને પેલી તો આખો દિવસ મોબાઈલ મચેડ્યા કરે છે એવું વિચારીને તમે પણ તમારા કામ પ્રત્યે બેદરકાર બની જાઓ છો ત્યારે તમે કામમાં વેઠ ઉતારતા હો એવી માનસિકતા તરફ ઘસડાતા જાઓ છો.
કામના કલાકો વધાર્યા પછી પણ કુટુંબમિત્રો સાથે નિરાંતે ગપ્પાં લડાવવાનો સમય મળી જ જતો હોય છે, સામાજિક જવાબદારીઓ નિભાવવાનો સમય પણ મળી જતો હોય છે. મા-બાપ કે બાળકો માટે સમય આપીએ છીએ એટલે કામના કલાકો લંબાવી નથી શકતા એવી દલીલ વાહિયાત છે. મન હશે તોમાળવે પહોંચાશે.
હકીકત એ છે કે મોટા ભાગના લોકોને કામ નહીં કરવાનું બહાનું જોઈતું હોય છે. આજે એક બહાનું તો કાલે બીજું અને જિંદગીમાં કઠણાઈઓ આવે છે ત્યારે દોષ પોતાનો નહીં, પણ પોતાને આજીવિકા આપનારનો દેખાય છે. આવા લોકો જીવનમાં હંમેશાં દુ:ખી જ રહેવાના. એમની આસપાસના લોકો આવા લોકોને ખાનગીમાં કકળાટિયા તરીકે ઓળખે છે. કામ કરવાનો દેખાડો કરવો એ જુદી વાત છે. ઑફિસમાં હાજરી પુરાવીને ટેબલ પર બેસીને ફાઈલો ફંફોસ્યા કરીશું તો જોનારને લાગશે કે હું કામ કરું છું એવી મેન્ટાલિટી ધરાવતા લોકો પણ હોય છે. કામ કરવાનો દેખાડો કરનારાઓની દાનતને બીજાઓ તરત પામી જતા હોય છે. તમારા કામની ગુણવત્તા કેવી છે એ વાત અતિ મહત્ત્વની છે, પણ તમે એવું કહીને છટકી જાઓ કે બીજા લોકો જે કામ કરતાં 8 કલાક લગાડે છે તે મેં 4 કલાકમાં કરી નાખ્યું એટલે મારી કદર થવી જોઈએ તો તમે અડધા જ સાચા છો. બાકી રહેલા 4 કલાકમાં જો તમે કંઈક એવું કર્યું જેને લીધે તમારામાં કંઈક ઉમેરાય, તમારી ક્ષમતામાં તેમજ તમે જે ક્ષેત્રમાં કામ કરો છો તેમાં ઉમેરો થાય અને સરવાળે તમને નોકરીએ રાખનાર કંપની કે સંસ્થાને ફાયદો થાય તો કંઈક વાત બને. કામની ગુણવત્તાની શ્રેષ્ઠતા કંઈ ઓછા કલાક કામ કરવાનું જસ્ટિફિકેશન ન હોઈ શકે. આઠ, બાર, સોળ કે અઢાર જેટલા કલાક કામ કરીએ તે પૂરેપૂરો સમય શ્રેષ્ઠ ગુણવત્તા સાથે જ કામ કરવાનું હોય.
ઘણી વખત બને છે એવું કે તમે દિલ નિચોવીને કામ કર્યું હોય, પણ એનું રિઝલ્ટ તમને જે જોઈતું હતું તેવું નથી મળતું. ક્યારેક તો નેગેટિવ પરિણામ પણ મળે. સચિન તેંડુલકર જીરોમાં આઉટ થઈ જાય કે આર. ડી. બર્મનનું કોઈ ગીત હિટ ન થાય એવું બને, પણ આવા વખતે જેઓ કામગરા છે તેઓ કામ કરવાનું છોડી દેતા નથી. કામ કરવા માટેની એમની નિષ્ઠામાં ઓટ નથી આવતી. જિંદગીના છેલ્લા શ્વાસ ચાલતા હશે ત્યારે શું યાદ આવવાનું છે તમને? તમે કઈ કઈ મોજ-મજાઓ કરી છે તે? કયા પ્રવાસો કર્યા, ક્યાં ખાધુંપીધું, કયાં નાટકસિનેમા જોયાં, કોને મળ્યા, કુટુંબ, પરિવાર, સમાજ માટે શું કર્યું કે કયાં પુસ્તકો વાંચ્યાં તે?
ના. આમાનું કશું યાદ નહીં આવે. જિંદગીમાં તમે કેવું અને કેટલું કામ કર્યું છે, આ કામને લીધે તમારું ઘડતર કેવું અને કેટલું થયું અને આ કામના લીધે દુનિયામાં શું ઉમેરી શક્યા એનો સરવાળો જ તમને મરણપથારીએ સંતોષ આપવાનો છે.
મેં મારા પરિવાર માટે, સંતાનો માટે, મા-બાપ માટે, સમાજ માટે આ કર્યું, તે કર્યુંની વાતો કરવી સારી છે અને એ બધું કરવું પણ જોઈએ, પરંતુ જો તમે એ બધું ન કર્યું હોત તો બીજા કોઈએ એ જવાબદારી ઉપાડી લીધી હોત અથવા તો એ લોકો પોતે પોતાની રીતે બીજી કોઈક રીતે આગળ વધી ગયા હોત. તમારા વિના એમનું કે બીજા કોઈનુંય કશું અટકી જતું નથી. માટે ઓછા કલાક કામ કરવાનાં બહાનાં શોધવાનું રહેવા દઈએ, કામમાં ગળાડૂબ ખૂંપી જઈએ.
આ લેખના શીર્ષકમાં આનંદ બક્ષીના ખૂબ જાણીતા ગીતના શબ્દો મૂક્યા છે, પણ ખરી મજા એ પછી તરત જ આવતી પંક્તિની છે. જો એ શબ્દોને તમે અક્ષરશઃ સ્વીકારવાને બદલે એનો ભાવાર્થ સમજીને જીવનમાં ઉતારો તો તમારે ઈન્ટેલિજન્ટ ક્વોશન્ટ (ઇ.ક્યુ.) વિશે કોઈને પૂછવું નહીં પડે.
સાયલન્સ પ્લીઝ!
આજે કામ કરવું, આવતી કાલે વધારે કામ કરવું, પરમ દિવસે એથીય વધારે કામ કરવું, સફળતા એમાં જ છે. - અજ્ઞાત