- લેગ તથા ઓફ સ્પિનરની તુલનામાં ચાઇનામેન સ્પિનરને રમવો વધારે મુશ્કેલ હોય છે
લગભગ બે વર્ષ પહેલાં ચાઇનામેન સ્પિનર કુલદીપ યાદવની ઇન્ટરનેશનલ કારકિર્દી ખતમ થઈ રહી હોય તેવું લાગતું હતું અને આઈપીએલની પૂરી સિઝનમાં કોલકાતા નાઇટ રાઇડર્સે તેને તક આપી નહોતી પરંતુ રમત પ્રત્યેની પ્રતિબદ્ધતા, આકરી મહેનત તથા બોલિંગમાં કરેલા કેટલાક ફેરફારના કારણે કુલદીપ ભારતની યજમાનીમાં રમાનારા આઇસીસી વન-ડે વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમનો સભ્ય બની ગયો છે. એક સમય એવો હતો કે આઈપીએલમાં હરીફ બેટ્સમેનો ઉપરાછાપરી છગ્ગા મારતા હતા ત્યારે કુલદીપ ભાવુક બનીને રડી પડયો હતો તેવું પણ જોવા મળ્યું હતું. આજે આ સ્પિનર ભારતીય ટીમનો મુખ્ય સ્પિનર બની ગયો છે. પાકિસ્તાન સામે પાંચ વિકેટ ઝડપીને તેણે પોતાની ઉપયોગિતા સાબિત કરી દીધી છે. અજિત અગરકરની પસંદગી સમિતિએ અનુભવી લેગ સ્પિનર યુજવેન્દ્ર ચહલ તથા બેટિંગમાં પણ ઉપયોગી બને તેવા સિનિયર ઓફ સ્પિનર આર. અશ્વિન કરતાં કુલદીપને વધારે પ્રાધાન્ય આપ્યું છે જેણે પસંદગીકારોનો વિશ્વાસ યથાર્થ સાબિત કરી દીધો છે. ખરાબ સમયમાં હતાશ થવાના બદલે કુલદીપે નેશનલ ક્રિકેટ એકેડેમીના નિષ્ણાતો સાથે વાતચીત કરીને તેની બોલિંગ ટેક્નિક ઉપર કાર્ય કર્યું હતું જેના કારણે આજે તે થોડીક ઝડપથી બોલ ફેંકી શકે છે જેના કારણે બેટ્સમેનો દ્વિધામાં મુકાઈ જાય છે. એક ખરાબ આઈપીએલના કારણે કુલદીપ પોતાના લક્ષ્યાંકથી દૂર થઈ ગયો હતો પરંતુ હવે તે ધીમે ધીમે પોતાના ટાર્ગેટની નજીક પહોંચી ગયો છે.
વર્લ્ડ કપની ટીમ જેવી જાહેર થઈ એટલે તરત જ ભૂતપૂર્વ ક્રિકેટર્સ અને નિષ્ણાતો વચ્ચે કુલદીપ અને ચહલમાંથી બેસ્ટ કોણ તેવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. ઘણાનું કહેવું છે કે ચહલ સાથે પસંદગી સમિતિએ અન્યાય કર્યો છે. હરભજને પણ સ્ટેટમેન્ટ કર્યું હતું કે ચહલ વર્તમાન સમયમાં ભારતનો બેસ્ટ સ્પિનર હોવા છતાં તેની ટીમમાં સ્થાન નહીં આપીને સિલેક્ટર્સે વર્લ્ડ કપ પહેલાં જ મોટી ભૂલ કરી છે કારણ કે ભારતની પિચ ઉપર કુલદીપ કરતાં ચહલ વધારે સફળ રહેશે. ભારત પાસે અત્યારે છ એક્ટિવ સ્પિનર્સ છે અને વન-ડેમાં તેમના આંકડા ઉપર નજર નાખીએ તો ડાબોડી સ્પિનર રવીન્દ્ર જાડેજા ટોચના ક્રમે છે. એક બાબત એ પણ ધ્યાનમાં રાખવા જેવી છે કે જાડેજા ટીમમાં સ્પિનર તરીકે નહીં પરંતુ ઓલરાઉન્ડર તરીકે રમે છે અને તેના વિના ટીમની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. ટીમમાં જ્યારે સ્પિનરને પસંદ કરવાની વાત આવે છે ત્યારે જાડેજા આ યાદીમાં હોતો નથી. વન-ડેમાં જાડેજા 181 વન-ડેમાં 199 વિકેટ હાંસલ કરી ચૂક્યો છે. કુલદીપ 88 વન-ડેમાં 25 રનમાં છ વિકેટના બેસ્ટ પ્રદર્શનથી અને 5.11ની એવરેજથી 150 વિકેટ ઝડપી ચૂક્યો છે.










