• મોટાભાગના ટૂરિસ્ટ્સ એમ માનતા હોય છે કે તેમણે અમુક પૈસા ખર્ચી નાંખ્યા એટલે હવે તેઓ રાજા!

હમણાં એક સમાચાર વાંચવા મળ્યા કે બાર્સેલોનામાં લોકો ઓવર ટૂરિઝમને લઈને પ્રદર્શન કરી રહ્યાં છે. તેમનું કહેવું છે કે વધુ પડતા પ્રવાસનને કારણે સ્થાનિક લોકોને અત્યંત તકલીફો પડી રહી છે.

 ત્યાં સુધી કે લોકોના વધુ પડતા ભરાવા અને ટ્રાફિકથી તેઓ શાંતિથી ઊંઘી પણ નથી શકતા! આવું જ કંઈક પેરીસ, રોમ અને એમસ્ટર્ડમ જેવાં શહેરોમાં પણ થઈ રહ્યું છે, જ્યાં સ્થાનિક લોકો પ્રવાસીઓ દ્વારા ફેલાતી ગંદકી અને કચરાથી પ્રભાવિત છે અને સમયાંતરે ટૂરિઝમમાંથી કમાઈ લેવાની દાનત રાખતી સરકાર સામે દેખાવો કરતા રહે છે. બીજી તરફ માઉન્ટ એવરેસ્ટ જેવી સંવેદનશીલ જગ્યાએ પણ ઓક્સિજનના ખાલી ઢગલા, પ્લાસ્ટિક, ત્યજી દેવાયેલો ખોરાક કે માનવદેહના કચરાના ઢગલા છે.

જોકે એ ઓવર ટૂરિઝમનો ત્રાસ વિદેશમાં જ છે એવું નથી. ભારતમાં પણ આજકાલ હિમાલયન વિસ્તારોમાં ભયંકર સ્તરે પ્રવાસન થઈ રહ્યું છે. જેને કારણે કચરો તો થઈ જ રહ્યો છે, પરંતુ વાહનોના કાર્બન અને પ્રવાસીઓના ખોરાક અને રહેવાની વ્યવસ્થાથી ઉત્પન્ન થતાં કાર્બનથી હિમાલયને અને પર્યાવરણને પણ અત્યંત નુકસાન થઈ રહ્યું છે. આ કારણે હિમાલયન વિસ્તારોમાં તો અત્યારથી જ છાસવારે કોઈ ને કોઈ પર્યાવરણીય પ્રત્યુત્તરો મળી રહ્યા છે, પરંતુ ઓવર ટૂરિઝમથી થતાં પર્યાવરણીય નુકસાનો એ સાવ જુદી ચર્ચાનો વિષય છે. અહીં વાત કરવી છે ટ્રાવેલિંગ એટિકેટ્સની, જે વિશે લગભગ લોકોને કોઈ પરવા નથી. એટલે જ પ્રવાસન સ્થળો પર હંમેશાં અરાજકતા ફેલાયેલી રહે છે અને એ અરાજકતા પરથી એક વાત અત્યંત સારી રીતે સ્પષ્ટ થાય છે કે આપણને સૌને ફરવા-રખડવાનો શોખ તો છે, પરંતુ કઈ રીતે ફરવું-રખડવું એની આપણને આવડત નથી. અથવા તો આપણને ભાન જ નથી કે ઘરેથી નીકળીએ ત્યારે આપણે ફરવા નીકળીએ છીએ, બીજા બધાને તો તેમનું રોજિંદું જીવન જ ચાલતું હોય છે!

હાલની જ વાત કરીએ તો ચોમાસામાં મહારાષ્ટ્ર તેમજ ગુજરાતના પૂર્વીય આદિવાસી વિસ્તારોમાં ટૂરિઝમ અત્યંત વધી ગયું હશે. આ ટૂરિઝમથી સ્થાનિક લોકોને આર્થિક રીતે ઘણો ફાયદો થશે. વળી ચોમાસામાં પ્રકૃતિનો આનંદ લેવો પણ જોઈએ, પરંતુ મુદ્દો એ છે કે શું આપણે ચોમાસું માણવું છે એટલે આપણા ગુજરાતનાં ફેફસાં કહી શકાય એવા પૂર્વીય વિસ્તારોની ઘોર ખોદી દેવાની? આપણા માટે એ માત્ર ભૌગોલિક વિસ્તાર હશે. એ પણ ઈન્સ્ટાગ્રામમાં સરસ મજાની રીલમાં ખપમાં આવી શકે એવા, પરંતુ દાહોદ- છોટાઉદેપુર- નર્મદા- તાપી- ડાંગ- ધરમપુર કે કપરાડા કે બીજા અનેક વિસ્તારો આપણી પ્રાકૃતિક સંપદાને પણ સાચવીને બેઠા છે. જ્યાં વનસ્પતિ અને વન્યજીવો બંને પોષિત છે. એવા સમયે આપણે ટનબદ્ધ પ્લાસ્ટિક કે ફાલતું જંકફૂડ ત્યાં ફેંકીને આવીએ એ ચાલે? અથવા તો દારૂની બોટલો, બિયર કે સોફ્ટ ડ્રિંક્સનાં ટીન ફેંકી આવીએ તો ચાલે?

વળી ત્યાં જે ઘોંઘાટ હોય એનું શું? અમુક નબીરાઓને તો જાણે એમના બાપદાદા વારસામાં જંગલો મળ્યાં હોય એમ મોટાં સ્પીકર્સ સાથે લઈને જાય અને જોરજોરથી હની સિંગના ગોત્રનાં ઘોંઘાટિયાં ગીતો કલાકો સુધી વગાડીને છાકટા થઈને નાચે. અને નાચીને પાછા ઘરે જાય ત્યારે સાંકડા રસ્તાઓ પર ટ્રાફિક કરે અને ત્યારેય પાછા ઘરે પહોંચવાની ઉતાવળમાં હોર્ન પર હોર્ન મારે. માથેરાન, લોનાવાલા, સાપુતારા કે મહારાષ્ટ્રના પાલઘરમાં તો એવી સ્થિતિ હોય કે ટૂરિસ્ટ સ્પોટ પર જાણે સાંજે સાત વાગ્યાની ચર્ચગેટ લોકલ હોય એટલું માણસ ખચોખચ ભરેલું હોય છે. જે ભીડ જ પછી નાસભાગનો કે પૂલ તૂટી પડવાની કે તણાઈ જવા જેવી હોનારતનો ભોગ બનતી હોય છે.

આ તો માત્ર જંગલોની વાત થઈ. ઐતિહાસિક કે ધાર્મિક મહત્ત્વ ધરાવતાં શહેરોમાં પણ ઓવર ટૂરિઝમ અને ટૂરિસ્ટ એટિકેટ્સના અભાવનો સ્થાનિક લોકો અને સ્થાનિક સંસ્કૃતિનો ભોગ બનતા હોય છે. કચરો કે ઘોંઘાટ કે ટ્રાફિક તો અહીં પણ સામાન્ય સમસ્યા છે, પરંતુ ફરવા નીકળતી પાપાની પરીઓ અને મમ્માના રાજા બેટાઓ જાહેર સ્થળોએ જે રીતે વર્તન કરે, ગાળાગાળી કરે અથવા ધમાલ કરે એ સ્થાનિક લોકો માટે અસહ્ય થઈ પડે છે. આવાં શહેરોની પણ પોતાની સંસ્કૃતિ અને રીતભાત હોય છે. જેનો ટૂરિસ્ટ્સે આદર કરવાનો થતો હોય છે, પરંતુ મોટાભાગના ટૂરિસ્ટ્સ એમ માનતા હોય છે કે તેમણે અમુક પૈસા ખર્ચી નાંખ્યા એટલે હવે તેઓ રાજા! આપણે એ પણ શીખવું રહ્યું કે પ્રવાસમાં હોઈએ ત્યારે મહેમાન આપણે હોઈએ છીએ. તો આપણે મહેમાનની જેમ રહીને તેમની સંસ્કૃતિને, તેમના ખોરાકને કે તેમના પ્રદેશની ભૌગોલિકતાને આપણે આદર આપવાનો હોય. આખરે આપણે એ જોવા- જાણવા- માણવા જ ત્યાં જતાં હોઈએ છીએ, પરંતુ હવે પ્રવાસનો હેતુ જ દેખાડો બની ગયો છે. એવા સમયે ટૂરિસ્ટ્સ તરીકે આપણે એમ માનતા થઈ ગયા છીએ કે આપણે ખર્ચ કરીએ છીએ એટલે પ્રવાસન સ્થળ કે પ્રવાસન સ્થળના લોકો આપણી માલિકીના છે!

પરંતુ પ્રવાસ બાબતે હવે અમુક ચોક્કસ એટિકેટ્સનું પાલન કરવાનો સમય આવી ગયો છે. નહીંતર આપણી ઘેલછા એ કોઈના માટે નિકંદનનું કારણ બની જશે. આમેય અત્યાર સુધીમાં આપણે પ્રવાસનના નામે હિમાલય તેમજ અન્ય પ્રાકૃતિક સંપદાને તો વ્યાપક માત્રામાં નુકસાન પહોંચાડ્યું જ છે, પરંતુ હજુય મોડું નથી થયું. હજુય આપણો અભિગમ બદલીને જંગલોને કે હિમાલયને કચરા અને કાર્બનથી બચાવી શકીએ છીએ.


  • Follow us on: