• શ્રાદ્ધસંહિતામાં પૂર્વજોનું સ્મરણ શ્રાદ્ધ પક્ષમાં કરી તેમના પ્રતિ અસીમ શ્રદ્ધા સાથે તર્પણ-પિંડદાન-યજ્ઞ તેમજ ભોજનની વ્યવસ્થા કરી તેમના આશીર્વાદ મેળવવા જણાવ્યું છે

“આયુ: પુત્રાન યશ: સ્વર્ગ કીર્તિ પુષ્ટિ બલમ શ્રિયમ |

પશૂન સાંખ્યમ ધનં-ધાન્યમ પ્રાપ્નુયાત પિતૃ પૂજનાત ||”

અર્થાત,

પિતૃઓનું પિંડદાન કરવાવાળો ગૃહસ્થ દીર્ઘાયુ, પુત્રપૌત્રાદિવાળો, યશ, બળ, ધન, ધાન્ય અને સમગ્ર સુખ પ્રાપ્ત કરનારો બને છે.

ભારતીય સંસ્કૃતિ અને શાસ્ત્રોમાં-વેદો-ઉપનિષદો-પુરાણો અને દર્શનશાસ્ત્ર-જ્યોતિષશાસ્ત્રમાં આપણા પૂર્વાચાર્યોએ પિતૃદોષ વિશે વિસ્તૃત માહિતી આપી છે. શ્રાદ્ધસંહિતામાં મુનિ માર્કંડેય પિતૃઓની નારાજગીને પિતૃદોષ તરીકે વર્ણવે છે. શ્રાદ્ધસંહિતામાં પૂર્વજો અને દિવંગત માતપિતાનું સ્મરણ શ્રાદ્ધ પક્ષમાં કરી તેમના પ્રતિ અસીમ શ્રદ્ધા સાથે તર્પણ-પિંડદાન-યજ્ઞ તેમજ ભોજનની વ્યવસ્થા કરી તેમના આશીર્વાદ મેળવવા પર ભાર મૂકવામાં આવ્યો છે, પરંતુ દરેક વ્યક્તિ પિતૃદોષથી પીડાતી હોય એ જરૂરી નથી. તમે પિતૃદોષના શાપથી પીડિત છો કે નહીં તે તમારી જન્મકુંડળી પરથી જાણી શકાય છે.

સૂર્ય આત્મા અને પિતાનો કારક ગ્રહ છે. પિતાનો વિચાર સૂર્ય ગ્રહ પરથી નક્કી થાય છે. જન્મકુંડળીમાં સૂર્ય જો રાહુની યુતિમાં હોય તો ગ્રહણયોગનું નિર્માણ થાય છે. સૂર્યનું ગ્રહણ અર્થાત્ આત્મા અને પિતાનું ગ્રહણ થયું એમ કહેવાય. જન્મકુંડળીમાં જો સૂર્ય-રાહુની યુતિ થાય તો આવા યોગ પિતૃદોષનું સર્જન કરે છે. એક અન્ય યોગ મુજબ જો જન્મકુંડળીમાં સૂર્ય-શનિની યુતિ અગર પ્રતિયુતિ હોય તો પણ પિતૃદોષનો શાપ લાગે છે. બૃહદ્ પારાશરના હોરાશાસ્ત્રના 27મા શ્લોકમાં પિતૃદોષ માટે નીચે પ્રમાણે કહે છે :

“લગ્ન પંચમભાવવસ્થા ભાનુભૌમશનૈશ્ચરા:

રાંધરે રિ: કે રહું જીવૌ પિતૃશાપાત સુતક્ષય: ||”

અર્થાત્ જન્મકુંડળીના પ્રથમ અગર પાંચમા ભાવમાં જો સૂર્ય શનિ સાથે મંગળ સ્થિત હોય અથવા આઠમા-બારમા સ્થાનમાં જો ગુરુ સાથે રાહુ હોય તો જાતકના જીવનમાં પિતૃદોષ આવે છે.

પિતૃદોષના કારણે જાતક આખી જિંદગી આધિ-વ્યાધિ અને ઉપાધિથી પીડાય છે. આવા જાતકના જીવનમાં અડચણ અને મુશ્કેલીઓ આવે છે. અહીં બાજુમાં એક કુંડળી આપી છે તેનું ધ્યાનથી નિરીક્ષણ કરો... કર્ક લગ્નમાં જન્મેલા આ જાતકની કુંડળીમાં કર્કનો ચંદ્ર – કન્યાનો ગુરુ- તુલાનો શુક્ર અને પાંચમે સૂર્ય-રાહુ, શનિ અને બુધ બિરાજેલા છે. ભાગ્યસ્થાને મંગળ છે અને લાભસ્થાને કેતુ છે.

કુંડળીમાં પાંચમા ભાવમાં શનિ-રાહુ અને સૂર્યની યુતિએ સ્પષ્ટપણે પિતૃદોષનું નિર્માણ કર્યું છે. આ જાતકને પિતૃદોષના પ્રકોપના કારણે સંતાનસુખ નથી વળી શેરબજારમાં ઊંચા પાયે નુકસાન કરી ભારે ખુવારી ભોગવી છે. ઉપરાંત તેમની પાચનશક્તિ પણ નબળી છે. સંતાન-શેરબજાર અને હોજરી આ ત્રણે બાબતો પાંચમા સ્થાનમાં આવતી બાબતો છે. આ જાતકને પાંચમે પિતૃદોષ શાપ હોઈ ઉપરોક્ત ત્રણે બાબતોમાં આ જાતકે તકલીફો વેઠી છે. આ જાતકને અમે પિતૃદોષના નિવારણ માટે `પિતૃ સ્તવન' અને `વિષ્ણુસહસ્ત્રનામ'ના પાઠ નિયમિત કરવા કહેલું. ઉપરાંત, `ૐ સર્વ પિતૃ મનોકામના સિદ્ધ કુરુ કુરુ સ્વાહા ૐ' મંત્રનો પાઠ નિયમિત કરતાં કરતાં તાંબાના લોટામાંથી પીપળાના વૃક્ષની આજુબાજુ જળ ચઢાવવા કહેલું. ત્યારબાદ પીપળાના વૃક્ષની નીચે દીવો કરવા કહેલું. તમને આશ્ચર્ય થશે કે આજે આ ભાઈ પ્રગતિના પંથે છે. આમ, પિતૃદોષને સમજી તેનું નિવારણ કરવું જરૂરી જ નહીં આવશ્યક પણ છે. પિતૃશાંતિ માટે `કર્મકાંડ માર્ગ પ્રદીપ' નામના ગ્રંથમાં દેવઋણ, ઋષિઋણ અને પિતૃઋણ નામનાં ત્રણ ઋણનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નીચે જણાવેલા શ્લોક દ્વારા પિતૃઋણનું મહત્ત્વ સમજી શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓને તર્પણ કરવું જરૂરી છે :

આયુ: પ્રજાં ધનં વિદ્યા સ્વર્ગ મોક્ષ સુખાની ચ |

પ્રયન્છન્તિ તથા રાજ્યમ પ્રીતા નૃણા પિતામહા: ||

અર્થાત્ વાસુદેવતા, રુદ્ર, આદિત્ય અને પિતા આ તમામ શ્રાદ્ધના દેવતા છે. શ્રાદ્ધ કરવાથી આ તમામ દેવ પ્રસન્ન થઇ દીર્ઘાયુ, સંતાન, ધન, વિદ્યા, મોક્ષ, સુખ અને રાજ્ય પ્રદાન કરવાના આશીર્વાદ આપે છે.

આ લેખમાં આપેલી માહિતી શાસ્ત્રોક્ત છે. સંતાનો પર પિતૃઓના અહર્નિશ આશીર્વાદ હોય છે. કુંડળીના અંતરંગ કહેવાતા પિતૃદોષ યોગોને જોઈ ડરવા કરતાં પિતૃઓ માટે અહોભાવ રાખવો એ જ પિતૃઓ માટેની સદ્ભાવના અને સાચો પ્રેમ છે.

પિતૃદોષ નિવારણ માટે નીચે પ્રમાણે શ્રાદ્ધ પક્ષમાં વિધિ-વિધાન કરવાં.

1. શ્રાદ્ધ પક્ષ દરમિયાન રોજ સંધ્યાકાળે પાણિયારે ઊભી અને આડી વાટનો દીવો કરવો.

2. પિતૃઓની તિથિ હોય તે દિવસે પીપળા નીચે ગાયના ઘીનો દીવો કરી રોટલી અને ખીર મૂકવા.

3. શ્રાદ્ધ પક્ષ દરમિયાન આદિત્ય સ્ત્રોતનો એક પાઠ નિયમિત કરવો.

4. શ્રાદ્ધ પક્ષ દરમિયાન નૈઋત્ય ખૂણામાં રોજ ચાંદીની થાળીમાં ભોજન મૂકવું અને એક કલાક પછી તે થાળીનું ભોજન ગાય કે શ્વાનને ખવરાવવું.

5. પિતૃઓની તિથિએ વૃદ્ધાશ્રમમાં જાતે જઈ ભોજન જમાડવું.

6. શિવમંદિરમાં શાંતિપાઠ કરવા.

7. પિતૃઓને પ્રસન્ન કરવા શ્રાદ્ધ પક્ષ સિવાય પણ રોજ સવારે સૂર્યને જળ અભિષેક કરતી વખતે `ઓમ પિતૃગણાય વિદ્મહે જગત ધારિણી ધિમહી તન્નો પિત્રો પ્રચોદયાત ' મંત્ર 11 વાર બોલવો.


  • Follow us on: