- આ સ્થળ પર ગણેશના નરમુખી મંદિરની સાથે મહાદેવનું પણ એક મંદિર છે. આદિ વિનાયક મંદિર સરસ્વતી મંદિર માટે પણ પ્રખ્યાત છે
થોડા સમય પહેલાં જ શ્રાદ્ધપક્ષ દરમિયાન આપણે સૌએ પિતૃની શાંતિ માટે પૂજા-અર્ચના કરી. બિહારના ગયામાં પિતૃતર્પણનું વિશેષ મહત્ત્વ છે. જીવતેજીવત કેટલાક સંન્યાસીઓ પણ ગયા ખાતે પોતાનું શ્રાદ્ધ કરે છે, જેથી આ ભવનાં બંધનોમાંથી એમને મુક્તિ મળી શકે, પરંતુ ભારતમાં આ સિવાય પણ એક સ્થળ એવું છે જ્યાં લોકો પોતાના પિતૃની શાંતિ માટે જઈને પ્રાર્થના કરે છે. રસપ્રદ વાત એ છે કે આ ધર્મસ્થળના દેવતા ગણેશ છે!
શ્રી ગણેશના જન્મ પાછળની ગાથા જેટલી રોચક છે, એનાથી પણ વધુ રસપ્રદ કથા એમના શિરછેદનની છે! સ્નાન કરતી વેળાએ મા પાર્વતીએ પોતાના શરીરના મેલમાંથી ગણેશની પ્રતિમા બનાવીને એમાં પ્રાણ ફૂંક્યા એ સમયે એમનું માથું એક સામાન્ય મનુષ્યની માફક જ હતું. બે આંખ, કાન, હોઠ, નાક, ગાલ , જડબું અને તેજસ્વી કપાળ! સ્નાન સમયે બહારથી આવેલા કોઇ આગંતુક સ્નાનાગારમાં પ્રવેશી ન શકે એ હેતુસર માતાએ ગણેશને દરવાજે ચોકીપહેરો ભરવા જણાવ્યું. પૃથ્વીના ભ્રમણ પર ગયેલા ભગવાન શિવના આગમનનો સમય થઈ ચૂક્યો હતો. મા પાર્વતી ગણેશને એ સૂચન કરવાનું ભૂલી ગયાં કે એમનાં ભગવાન શિવને પ્રવેશ મેળવવા માટે કોઇ મંજૂરીની આવશ્યક્તા નથી.
ગણેશે પોતાની માતાની આજ્ઞાને માથે ચડાવી દરવાજે ચોકીપહેરો ભરવાનું શરૂ કર્યું. થોડા જ સમયની અંદર મહાદેવ પોતાના સ્થાનક પર પાછા પહોંચ્યા. એમનું ધ્યાન ગણેશ પર ગયું. સ્વાભાવિક રીતે ગણેશે એમને પણ અંદર પ્રવેશવાની અનુમતિ ન આપી. જેથી મહાદેવનો ક્રોધ ચરમસીમા પર પહોંચી ગયો. ગણેશને તુંડમિજાજી સમજીને તેમણે આક્રોશમાં આવી પોતાનું ત્રિશૂલ ઉગામ્યું. ઘડીના છઠ્ઠા ભાગની અંદર ગણેશનું માથું તેના ધડથી અલગ થઈને જમીન પર પડી ગયું. માતા પાર્વતીને આ વાતની ખબર પડતાંવેંત તેઓ વ્યથિત થઈ ગયાં. એમનું આક્રંદ જોઇને ભગવાન શિવને પણ પોતાની ભૂલનો અહેસાસ થયો. પોતાનું જ બાળક, જેણે માતાની આજ્ઞાનું નિષ્ઠાપૂર્વક માન રાખ્યું એનો પોતે આ રીતે વધ કરશે એ વાત મહાદેવને અત્યંત અયોગ્ય લાગી.
પોતે કરેલા કાર્યના પશ્ચાતાપ રૂપે એમણે ગણેશને સજીવન કરવાનો નિર્ણય લીધો. હાથીના માથાને ગણેશના ધડની ઉપર બેસાડવામાં આવ્યું. પ્રથમપૂજ્ય ગજાનન ગણપતિને ત્યારથી લઈને આજસુધી સદીઓથી લોકો મૂર્તિ સ્વરૂપે પૂજતાં આવ્યા છે, પરંતુ ક્યારેય માનવ સ્વરૂપની પૂજા-આરતી થતી હોવાનું ધ્યાનમાં નથી આવ્યું. મોટાભાગનાં મંદિરોમાં ગણેશનાં ગજમુખ સ્વરૂપની પ્રતિમા સ્થાપિત કરવામાં આવે છે, પરંતુ દક્ષિણ ભારતનું એક મંદિર આમાં અપવાદ છે. તામિલનાડુમાં આવેલા આદિ વિનાયક મંદિરમાં આજે પણ શ્રી ગણેશની પ્રતિમાનું મુખ સામાન્ય માણસ જેવું છે. દુનિયાનું એકમાત્ર ધર્મસ્થાન, જ્યાં ગણેશનાં ગજમુખ અવતારની નહીં, પરંતુ માનવ-અવતારની પૂજા કરવામાં આવે છે.
તદુપરાંત, ગણેશનું આ એકમાત્ર એવું મંદિર છે જ્યાં શ્રદ્ધાળુઓ પિતૃ-શાંતિની પૂજા કરવા માટે અહીં આવે છે. માન્યતા છે કે ભગવાન શ્રી રામે પોતાના પિતૃઓની શાંતિ માટે આદિ વિનાયક મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી! એ જ પરંપરાને આગળ ધપાવતાં અહીંના ભક્તો પણ પોતાના પૂર્વજોને મોક્ષ પ્રાપ્ત થાય એ માટે અહીં પૂજા કરવા માટે આવે છે. એકદમ ભપકાદાર ન હોવા છતાં આદિ વિનાયક મંદિરની ખૂબીઓને લીધે તેની ચર્ચા દેશ-વિદેશમાં છે. સામાન્યતઃ પિતૃદોષ નિવારણની પૂજા નદીઓના કિનારે જ કરાય એવી આપણે ત્યાં રૂઢિ ચાલી આવે છે, પરંતુ આ મંદિરની વિશેષતાઓને કારણે જગ્યાનું નામ `તિલતર્પણપુરી' રાખી દેવાયું છે! તામિલનાડુના કુટનૂરથી લગભગ બે કિલોમીટરના અંતરે આવેલા આદિવિનાયક મંદિર આવેલ આ જગ્યા, અનેક ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. તિલતર્પણપુરીમાં અાદિ વિનાયક સહિત બીજાં પુષ્કળ મંદિરો આવેલાં છે. જેમને તિલતર્પણપુરીનો અર્થ ન ખબર હોય એમને સમજાવી દઈએ કે, આ શબ્દ `તિલતર્પણ' અને `પુરી'નો સંધિશબ્દ છે. તિલતર્પણનો અર્થ છે : પૂર્વજોને સમર્પિત અને પુરીનો અર્થ છે : શહેર! પૂર્વજોને સમર્પિત એવું શહેર એટલે તિલતર્પણપુરી.
આ સ્થળ પર ભગવાન ગણેશના નરમુખી મંદિરની સાથોસાથ મહાદેવનું પણ એક અલગ મંદિર છે. મંદિરની એકદમ વચ્ચોવચ ભગવાન શિવનું મંદિર અને ત્યાંથી બહાર નીકળતાંવેંત ભગવાન ગણેશની નરમુખી પ્રતિમાનાં દર્શન થઈ શકે છે. ફક્ત આટલું જ નહીં, આદિ વિનાયક મંદિર સરસ્વતી મંદિર માટે પણ પ્રખ્યાત હોવાની માન્યતા છે. નરમુખી ગજાનન ગણપતિનાં દર્શનની સાથોસાથ અહીં આવનાર પ્રત્યેક શ્રદ્ધાળુ સરસ્વતી માતાના મંદિરની મુલાકાત અચૂક લે છે. કવિ ઓટ્ટકુઠારે સરસ્વતી મંદિરનું નિર્માણ કરાવ્યું હતું.