ભારત 2025માં જ જાપાનને પાછળ છોડીને વિશ્વનું ચોથા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર બની જશે, એમ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઇએમએફ)ના વર્લ્ડ ઇકોનોમિક આઉટલૂક એપ્રિલ 2025ની આવૃત્તિમાં જણાવાયું છે. ભારતનો નાણાકીય વર્ષ 2025-26 માટેનો જીડીપી 4,187.017 બિલિયન ડોલર રહેવાનો અંદાજ છે. આમ તે જાપાનના 4,186.432 બિલિયન ડોલરના જીડીપીને વટાવી જશે.
ભારત 2024 સુધી વિશ્વનું પાંચમાં નંબરનું સૌથી મોટું અર્થતંત્ર હતું, પરંતુ ચાલુ વર્ષે જ તે વિશ્વનું ચોથા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર બની જશે, એવી આગાહી આઈએમએફે કરી છે. આગામી વર્ષોમાં ભારત જર્મનીને વટાવી જઈને વિશ્વનું ત્રીજા નંબરનું મોટું અર્થતંત્ર બની જશે. તેના પછી ભારતથી આગળ ફક્ત ચીન અને અમેરિકા જ હશે. ભારતનો જીડીપી 2028 સુધીમાં 5,584.47 બિલિયન ડોલર થઈ જાય તેવો અંદાજ છે. આ જીડીપી જર્મનીના 5, 251.92 બિલિયન ડોલર કરતાં વધારે હશે. ભારત 2027માં જ પાંચ ટ્રિલિયન ડોલરનું ઈકોનોમી બની જશે. આ સમયે ભારતનો જીડીપી 5,069.47 બિલિયન ડોલર હશે.અમેરિકા અને ચીન 2025ના અંતે વિશ્વના ટોચના બે અર્થતંત્ર તરીકે જારી રહેશે. તેમનો 30,507.21 બિલિયન ડોલર અને 19,231.70 બિલિયન ડોલરનો જીડીપી જોતાં તેમને દોઢ દાયકા સુધી હલાવી શકે તેવી જરા પણ સંભાવના નથી. ભારત અને ચીન વચ્ચેનો જ હાલનો ગેપ ચાર ગણો છે. ચીનનું ઈકોનોમી ભારત કરતાં ચાર ગણું મોટું છે.
ભારત વિરુદ્ધ પાકિસ્તાનને સમર્થન દેવા બદલ તુર્કીયેને 40,000 કરોડનું નુકશાન
સોશિયલ મીડિયા પર #BoycottTurkey ટ્રેન્ડ કરી રહ્યું છે. ગોવા વિલા’સએ તુર્કીયેના નાગરિકોને ગોવામાં રહેવાની સુવિધા ન આપવાનો નિર્ણય લીધો છે. તેવી જ રીતે ઉદયપુરના આરસપહાણના વેપારીઓ કહે છે કે તેમણે તુર્કીયે સાથેનો વ્યવસાય સમાપ્ત કરી દીધો છે. ભારત સાથે છેડછાડ કરીને, તુર્કીને લગભગ 4.6 બિલિયન એટલે કે આશરે 40,000 કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે.છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત અને તુર્કીયે વચ્ચેનો વેપાર નોંધપાત્ર રીતે વધ્યો છે. 2022-23માં બંને દેશો વચ્ચેનો કુલ વેપાર 13.8 બિલિયન ડોલરને વટાવી ગયો હતો. જોકે, 2023-24માં તેમાં થોડો ઘટાડો થયો હતો અને વેપાર 1043 બિલિયન ડોલર રહ્યો હતો. આમાંથી, ભારતે તુર્કીયેને 665 બિલિયનનો માલ વેચ્યો અને તેમાંથી 3.78 બિલિયનનો માલ ખરીદ્યો હતો. ભારત મુખ્યત્વે વાહનો, રસાયણો અને ઈલેક્ટ્રોનિક વસ્તુઓ તુર્કીયેમાં નિકાસ કરે છે અને ત્યાંથી ઈંધણ, મશીનરી, સિમેન્ટ અને સૂકા ફળોની આયાત કરે છે. ગયા વર્ષે લગભગ 3.3 લાખ ભારતીય પ્રવાસીઓએ તુર્કીયેની મુલાકાત લીધી હતી. આ સમયગાળા દરમિયાન તેમનો સરેરાશ ખર્ચ 1.2 લાખ રૂપિયા હતો. તુર્કીયેના આતિથ્ય ઉદ્યોગ માટે ભારતીય પ્રવાસીઓ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તુર્કીયે ભારતીયોમાં લગ્ન માટે એક પ્રિય સ્થળ તરીકે પણ ઉભરી આવ્યું ભારતીય પ્રવાસીઓએ તુર્કીયેમાં લગભગ 400 મિલિયન ડોલર ખર્ચ્યા હતા. તાજેતરના દિવસોમાં મોટી સંખ્યામાં લોકોએ તુર્કીયે જવાનું બુકિંગ રદ કર્યું હતું.
ઇંગ્લેન્ડમાં પાકિસ્તાની મૂળના મહિલા મેયરને અંગ્રેજી બોલતાં જ આવડતું નથી
લ્યો કરી લો વાત.... રોધરહામના નવા મેયર રૂક્સાના ઇસ્માઇલ અંગ્રેજી જ બોલી શક્તાં નથી. જેના કારણે જનતામાં રોષ ફાટી નીકળ્યો છે. ઇંગ્લિશ ટાઉનમાં મેયર તરીકે સેવા આપનાર વ્યક્તિ માટે અંગ્રેજી બોલવું મહત્વની લાયકાત ગણાય છે.દેશની ભાષા ન બોલી શકનાર પાકિસ્તાની મૂળના રૂક્સાના ઇસ્માઇલે ભાષાંતરકારના માધ્યમથી જણાવ્યું હતું કે, હું ફક્ત પાકિસ્તાની સમુદાયનું નહીં પરંતુ સમાજના તમામ વર્ગનું પ્રતિનિધિત્વ કરી રહી છું.રૂકસાનાની મેયરપદે નિયુક્તિએ ઘણા વિવાદ સર્જ્યાં છે કારણ કે તેમને મતદારો તરફથી એકપણ મત હાંસલ થયો નથી. તેના સ્થાને તેમને કાઉન્સિલ વોટ દ્વારા મેયરપદે નિયુક્ત કરાયાં છે. જે યુકેની રાજનીતિમાં રહેલી ખામીઓ ઉજાગર કરે છે.
ભારતીય લેખિકા બાનું મુશ્તાકને ‘હાર્ટ લેમ્પ’ બૂક માટે આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઈઝ
ભારતીય લેખિકા, વકીલ અને કાર્યકર્તા બાનુ મુશ્તાકે લઘુકથા સંકલન, 'હાર્ટ લૅમ્પ' માટે આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર જીતીને ઇતિહાસ રચ્યો છે.કન્નડ ભાષામાં લખાયેલું આ પહેલું પુસ્તક છે કે જેને આ પ્રતિષ્ઠિત પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.હાર્ટ લૅમ્પની કહાનીઓનો અંગ્રેજી અનુવાદ દીપા ભાસ્તીએ કર્યો છે.1990થી 2023 વચ્ચે બાનુ મુશ્તાકે લખેલી 12 લઘુકથાઓના પુસ્તક 'હાર્ટ લૅમ્પ'માં દક્ષિણ ભારતની મુસ્લિમ મહિલાઓની મુશ્કેલીનું માર્મિક ચિત્રણ કરવામાં આવ્યું છે.
મુશ્તાકને મળેલો આ પુરસ્કાર મહત્ત્વપૂર્ણ છે કારણકે આ પુરસ્કાર માત્ર એમની કલમનો પરિચય નથી કરાવતો પણ ભારતની સમૃદ્ધ પ્રાંતિય સાહિત્યિક પરંપરાને પણ દર્શાવે છે.