નેટફ્લિક્સ પર હમણાં એક જાપાનીઝ એક્શન થ્રિલર ફિલ્મ આવી છે; Bullet Train Explosion. તેમાં જાપાનની સૌથી ઝડપી બુલેટ ટ્રેન હાયાબુસા (એ જ ટેકનોલોજીવાળી ટ્રેન અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડવાની છે)માં આતંકવાદી બોમ્બ લગાવે છે અને ધમકી આપે છે કે ટ્રેન જો 100 કિલોમીટરની રફ્તારથી ઓછી દોડશે, તો બોમ્બ ફૂટી જશે.
શિન-ઓમોરી સ્ટેશનથી 700 કિલોમીટર દૂર ટોકિયો જઇ રહી છે. આ સમય દરમિયાન, જાપાનનું રેલવે તંત્ર, પોલીસ અને સરકારી તંત્ર ટ્રેનના કંડક્ટર સાથે મળીને ટ્રેનમાં સવાર પ્રવાસીઓને બચાવવા માટે જે તનતોડ મહેનત કરે છે તેની વાર્તા પર ફિલ્મ ચાલે છે.
આમ તો શુદ્ધ રીતે કલ્પના જ છે, પરંતુ આ ફિલ્મ જોયા પછી તમને એકવાર તો એવો વિચાર આવી જ જાય કે સુપરસ્પીડ ટ્રેનમાં બોમ્બ ગોઠવી દેવામાં આવે તો આપણી હાલત પણ આ ટ્રેનના મુસાફરો જેવી જ થાય.
1990ના દાયકા જેવી ‘ટ્રેન ડિઝાસ્ટર ફિલ્મો’ હવે બનતી નથી. જાપાનમાં 1975માં ‘ધ બુલેટ ટ્રેન’ નામની એક સફળ થ્રિલર બની હતી. તેના પરથી હોલિવૂડમાં કીયાના રિવ્જની ‘Speed’ ને પ્રેરણા આવી હતી. Bullet Train Explosion એ જ શ્રેણીની ફિલ્મ છે.
આપણે ત્યાં હિન્દીમાં નિર્માતા બી. આર. ચોપરાએ 1980માં ધ બર્નિંગ ટ્રેન નામની એક મલ્ટિસ્ટાર ફિલ્મ બનાવી હતી. તેની પ્રેરણા પણ જાપાની ફિલ્મ બુલેટ ટ્રેન અને હોલિવૂડની ફિલ્મ ધ ટાવરિંગ ઇન્ફર્નો હતી.
આ ફિલ્મમાં બહુ બધા સ્ટાર અને જાણીતા કલાકરો હતા. ધર્મેન્દ્ર, વિનોદ ખન્ના, જીતેન્દ્ર, હેમા માલિની, પરવીન બાબી, નીતુ સિંહ, વિનોદ મહેરા, ડેની ડેન્ઝોગ્પા, નવીન નિશ્ચલ, સિમી ગરેવાલ, આશા સચદેવ, મદન પુરી, ઈફ્તેખાર, ઉર્મિલા ભટ્ટ, જગદીશ રાજ, રણજિત, મેક મોહન, ઓમ શિવપુરી, અસરાની, યૂનુસ પરવેઝ, કેસ્ટો મુખર્જી વગેરે.
આજે વિચાર આવે કે આટલા બધા કલાકારો, જે તે સમયે ખૂબ વ્યસ્ત પણ હતા, તેમને કેવી રીતે ભેગા કર્યા હશે! ફિલ્મમાં વિનોદ (વિનોદ ખન્ના) નામનો રેલવે એન્જિનિયર મુંબઈ-દિલ્હી વચ્ચે દેશની સૌથી ઝડપી ટ્રેનનું નિર્માણ કરે છે, પરંતુ તેનો વિરોધી રણધીર (ડેની) ટ્રેનમાં ભાંગફોડ કરે છે. અડધે રસ્તે ગયા પછી ટ્રેનમાં વિસ્ફોટ થાય છે અને આગ લાગે છે. હવે ટ્રેન અને તેના મુસાફરોને કેવી રીતે બચાવવા? ફિલ્મ તેના પર આગળ ચાલે છે.
ભારતની આ પહેલી ડિઝાસ્ટર ફિલ્મ હતી. ચોપરાના દીકરા રવિ ચોપરાએ તેનું નિર્દેશન કર્યું હતું. તેમણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે 1978માં રોમ ગયા હતા અને ત્યાં તેમણે ધ ટાવરિંગ ઇન્ફર્નો ફિલ્મ જોઈ હતી.
આ ફિલ્મમાં નવી જ બંધાયેલી દુનિયાની સૌથી ઊંચી 138 માળ અને 1,688 ફૂટ ઊંચી ઈમારતમાં 81માં માળે આગ લાગે છે. આગ ધીમે ધીમે બીજા માળ પર ફેલાય છે અને પછી કેવી રીતે બચાવકાર્ય કરવામાં આવે છે તેની તેમાં દિલધડક વાર્તા હતી.
આ ફિલ્મ બહુ ભવ્ય રીતે બનાવવામાં આવી હતી. રવિ ચોપરા તે જોઇને દંગ રહી ગયા હતા. હોલિવૂડની એક્શન અને થ્રિલર ફિલ્મો ટેક્નિકલ દૃષ્ટિએ ઉત્કૃષ્ટ હોય છે, કારણ કે તેનું બજેટ પણ તોતિંગ હોય છે. રવિ ચોપરાને થયું કે ભારતમાં પણ આવી ફિલ્મ બનવી જોઈએ.
મુંબઈ આવીને તેમણે સિનિયર ચોપરાને વાત કરી. ચોપરા સાહેબે ના પાડી દીધી, કારણ કે તેઓ ‘પુકાર’ નામની ફિલ્મમાં વ્યસ્ત હતા. રવિ હોલિવૂડ જેવી ફિલ્મ બનાવવા માટે બહુ આતુર હતા. ચોપરા એક શરત પર સહમત થયા: ધ ટાવરિંગ ઇન્ફર્નોમાં જે ટેક્નિશિયન હતા, તે હિન્દી ફિલ્મની સ્પેશિયલ ઈફેક્ટનું કામ સંભાળે.
તેનું નામ પૌલ વુર્ત્ઝેલ હતું. તેને ખબર પડી કે ભારતમાં પહેલી ડિઝાસ્ટર ફિલ્મ બની રહી છે એટલે તેને પણ ઉત્સાહ આવ્યો. રવિએ નક્કી કર્યું હતું કે ફિલ્મ તેના એક્શનમાં જ નહીં, પાત્રોમાં પણ મોટી હશે અને એટલે તેમણે બને એટલા જાણીતા અભિનેતાઓને ફિલ્મમાં સમાવવાનું નક્કી કર્યું હતું.
ફિલ્મનું શૂટિંગ મુંબઈના ફિલ્મ સિટી સ્ટુડિયો, પનવેલ અને વડોદરા રેલવે સ્ટેશન અને રાજધાની ટ્રેનમાં કરવામાં આવ્યું હતું. ફિલ્મમાં 400 જેટલા જુનિયર કલાકારો હતા. સળંગ 130 દિવસના શૂટિંગ પછી ચાર કલાકની ફિલ્મ બની હતી, જે પછીથી એડિટ કરવામાં આવી હતી. પ્રિ પ્રોડક્શન અને પ્રો પ્રોડક્શન મળીને આખો પ્રોજેક્ટ પાંચ વર્ષનો હતો.
હિન્દી સિનેમાની પરંપરા પ્રમાણે ફિલ્મમાં રોમાન્સની કહાની પણ હતી, જેથી ગીતો માટે જગ્યા રહે. આ ફિલ્મને જો આજે બનાવવામાં આવે તો કદાચ એમાં ગીત-સંગીત મૂકવામાં ન આવે, પરંતુ તે વખતે એવી કોઈનામાં હિંમત નહોતી. બર્નિંગ ટ્રેનમાં આર. ડી. બર્મને સાહિર લુધિયાનવીનાં ગીતો પર શાનદાર સંગીત આપ્યું હતું. તેનું ‘પલ દો પલ કા સાથ હમારા’ અને ‘તેરી હૈ જમીં તેરા આસમાન’ ગીત આજે પણ લોકપ્રિય છે.
તેમાં બીજું એક રસપ્રદ ગીત હતું, મેરી નજર હૈ તુઝ પે, તેરી નજર હૈ મુઝ પે. ગીતને આશા ભોંસલેએ સ્વર આપ્યો હતો. મજાની વાત એ છે કે ગીતને હેમા માલિની અને પરવીન બાબી પર ફિલ્માવાયું હતું એટલું જ. હેમા માલિની ભારતીય શાસ્ત્રીય રાગમાં ગાય છે અને પરવીન પશ્ચિમની ઢબે ગાય છે.
આશા સામે પડકાર એ હતો કે તેમણે બંને હિરોઈનો સાથે મેચ થાય તે રીતે અલગ અલગ રીતે તે ગીત ગાવાનું હતું. એક જ ગાયક બે કલાકરો માટે કેવી રીતે ગાઈ શકે? આર. ડી. બર્મને ધાર્યું હોત તો બે ગાયિકાઓ પાસે ગીત ગવડાવ્યું હોત, પરંતુ તેમને આશા પર પ્રયોગ કરવો હતો. ઘણા દિવસોની મહેનત બાદ બર્મનને જેવું જોઈતું હતું તેવું આશા ગાઈ શક્યાં હતાં. સિનેમા સંગીતમાં આ પ્રકારનું આ એકમાત્ર ગીત છે. આશાએ તેને પૂરો ન્યાય આપ્યો હતો.
ચાલતી ટ્રેનમાં આગ લાગવાની એક્શન સિક્વન્સ સાચે જ આકર્ષક હતી. તમામ કલાકારોએ કામ પણ સરસ કર્યું હતું, પરંતુ કંઇક અંશે ફિલ્મની 3 કલાક ઉપરની લંબાઈ અને ફિલ્મનો ડિઝાસ્ટર પ્લોટ ભારતના દર્શકોને ગળે ઊતર્યો નહોતો. લોકો આવી ફિલ્મ જોવા ટેવાયેલા નહોતા એટલે રવિ
ડમાં બનેલી ફિલ્મને થિયેટરોમાં ઠંડો રિસ્પોન્સ મળ્યો હતો.
ફિલ્મ રજૂ થઈ ત્યારે જાહેરખબરોના દમ પર મોટા પ્રમાણમાં દર્શકો થિયેટરોમાં આવ્યા હતા, પરંતુ એક-બે દિવસમાં જ સંખ્યા ઘટવા લાગી હતી. જે લોકો જોઇને બહાર નીકળતા હતા તે એવું કહેતા હતા કે માથાનો દુખાવો છે. થોડા દિવસો પછી ફિલ્મને થિયેટરોમાંથી દૂર કરવાની ફરજ પડી હતી. જેટલી મોટી ફિલ્મ હતી, એટલી જ મોટી તે ફ્લોપ સાબિત થઇ હતી.
