ભારતનાં ઠંડા વિસ્તારમાં ઘણી એવી જગ્યાઓ છે જેને ધીરે ધીરે લોકો એક્સપ્લોર કરી રહ્યાં છે અને આ જગ્યાઓ ધીરે ધીરે પર્યટકોમાં ફેવરિટ પણ બની રહી છે. ભારતનાં ઠંડા પ્રદેશની એવી જગ્યાઓ પણ ઘણી છે જેને આપણે મિની સ્વિટ્ઝર્લેન્ડ તરીકે ઓળખીએ છીએ. અહીંની આબોહવાથી માંડીને સુંદરતા બધું જ આપણને વિદેશમાં હોવાની અનુભૂતી કરાવે એવું હોય, એટલે જ આવી જગ્યાઓ પર્યટકોને વધારે પસંદ આવતી હોય છે. આમ પણ ગુજરાત અને રાજસ્થાન, દિલ્હી જેવી જગ્યાએ આ સમયગાળામાં કાળજાળ ગરમી હોય એટલે અહીંના લોકો ઉનાળામાં ફરવા માટે મોટેભાગે ઠંડી જગ્યાની જ પસંદગી કરતાં હોય છે. ખેર, ઉત્તરાખંડમાં ભારતના મિની સ્વિટ્ઝર્લેન્ડ તરીકે ઓળખાતી જગ્યા એટલે ચોપતા. ચોપતાનાં સુંદર જંગલ, ઘાંસના મેદાન, બરફાચ્છાદિત પહાડો, નાના મોટા ઝરણાં તમને કુદરતી સૌંદર્યની સંપૂર્ણ ઝાંખી કરાવે છે. અહીં આવનાર પર્યટકો જો એડવેન્ચરના શોખીન હોય તો એ કરી શકે છે અને શાંતિથી માત્ર આસપાસની સુંદરતા જોઇને ખુશ રહેતાં, તેમજ કુદરતના સાનિધ્યમાં આધ્યાત્મનો અનુભવ કરવો હોય એ લોકો માટે પણ બેસ્ટ પ્લેસ બની રહેશે ચોપતા. આ ગામ નાનુ છે પણ એની સુંદરતા લાજવાબ છે. ચોપતા ફરવાનો પ્લાન કરો તો ત્યાં કઇ કઇ જગ્યાએ જવું એ વિશે વાત કરી લઇએ.


 ઉખીમઠ

 જ્યારે કેદારનાથ ઠંડીની સીઝનમાં બંધ હોય છે, જ્યારે ત્યાં બરફ ચારેકોર ફેલાઇ જાય છે ત્યારે કેદારનાથના મંદિરમાં બીરાજમાન ભગવાન શિવને ઉખીમઠમાં લઇ આવવામાં આવે છે. ઉખીમઠને ત્યાનાં લોકો ઓખીમઠ તરીકે પણ ઓળખે છે. ઠંડીની સીઝન શરુ થવાની હોય અને કેદારનાથના દર્શન બંધ થવાના હોય એ સમયે શિવજીને પાલખીમાં બેસાડીને ઉખીમઠમાં લઇ આવવામાં આવે છે. અહીં છ મહિના સુધી ભોળાનાથની પૂજા કરવામાં આવે છે. છ મહિના બાદ કેદારનાથમાં બરફ ઓછો થાય એટલે ફરી પાલખીમાં બેસાડીને વાજતે ગાજતે ભોળેનાથને એમના યથાસ્થાને લઇ જવામાં આવે છે. ચોપતાની આ જગ્યાએથી બરફથી ઢંકાયેલાં સુંદર હિમાલયના દર્શન કરી શકાય છે. ઉખીમઠ 1300 મીટર ઉંચાઇએ આવેલો છે.

 ચંદ્રશિલા

સમુદ્રથી 4000 મીટર ઉંચાઇએ સ્થિત ચંદ્રશિલા એ પર્વતની ટોચ છે. આ જગ્યા તુંગનાથ મંદિરની નજીક છે. આ જગ્યાની ખાસિયત એ છે કે અહીંથી તમને અનેક પર્વતની ટોચનો 360 ડિગ્રી વ્યુ જોવા મળી શકે છે. એવું માનવામાં આવે છે કે આ એ સ્થાન છે જ્યાં ભગવાન રામે રાવણને હરાવીને ધ્યાન કર્યું હતું. જો કે આવી માન્યતા જ છે, આ બાબતે મતમતાંતર ચાલી રહ્યાં છે. ચંદ્રશિલાનો ટ્રેક પાંચ કિલોમીટરનો છે જે ચોપતાથી શરૂ થાય છે.

સારી ગામ

સારી ગામ ઓક અને રોડોડેન્ડ્રોન વૃક્ષોથી ઘેરાયેલું ગામ છે. અહીંથી દેવરિયલ તાલ અને તુંગનાથ મંદિરનો ટ્રેક શરૂ થાય છે. 2006માં ઉત્તરાખંડ સરકાર દ્વારા સારી ગામને ઇકો ટૂરિસ્ટ ગામ જાહેર કરવામાં આવ્યું હતું. આ ગામમાં આવીને તમે ગઢવાલી સંસ્કૃતિ વિશે જાણી શકો છો, અહીં વર્ડ વોચિંગની મજા પણ માણી શકાય છે.

દેવરિયા તાલ

સમુદ્ર તટથી 2438 મીટર ઉંચાઇએ સ્થિત દેવરિયાતાલ પર્યટકોને ચોખંબાના ક્રિસ્ટલ ક્લીયર પાણી તરફ આસાનીથી ખેંચી જાય છે. આ ટ્રેકિંગ દરેક વ્યક્તિ માટે છે. જે લોકોએ પહેલાં ટ્રેકિંગ ન કર્યું હોય એ લોકો પણ અહીં સરળતાથી જઇ શકે છે. આ જગ્યા કેદારનાથના કસ્તુરી હરણ અભયારણનો હિસ્સો પણ છે એટલે તળાવ આગળ તમને અનેક કસ્તુરી હરણો પાણી પીતા સરળતાથી જોવા મળશે.

કેવી રીતે જશો?

દહેરાદૂનનું જૉલી ગ્રાન્ટ એરપોર્ટ ચોપતાથી 221 કિમી દૂર છે. જો તમે બાય પ્લેન જવા માગતા હોવ તો દહેરાદૂન સુધી પહોંચી જવું. ત્યાંથી પ્રાઇવેટ વાહન કે બસ દ્વારા ચોપતા જઇ શકાય. ટ્રેઇનથી જવા માંગતા હોવ તો ઋષિકેશ રેલવે સ્ટેશન ચોપતાથી 160 કિમી દૂર છે. જે લોકો દિલ્હીથી પોતાના વાહન દ્વારા અહીં આવવા માગતા હોય એમને NH58 હાઇવે ઉપરથી ચોપતા આવવું જોઇએ

  • Follow us on: