પાકિસ્તાનનો ખુડદો બોલાવવાનું કામ ભારતીય સૈન્યએ બખૂબી કર્યું છે, ત્યારે 54 વર્ષ પહેલાં થયેલા એવા જ એક યુદ્ધ દરમિયાન પોતાના વ્યક્તિગત જીવનનો ભોગ આપીને એક કાશ્મીરી મહિલા જાસૂસે ભારતીય સેનાને એવી માહિતી મોકલી કે યુદ્ધમાં પાકિસ્તાનના યુદ્ધજહાજ ગાઝીનો નાશ કરવામાં સફળતા મળી. એ મહિલા જાસૂસ એટલે સહમત.

ભારતીય સૈન્ય યુદ્ધમાં ક્યારેય પાછું પડ્યું નથી. ફક્ત ચીન સામેના પરાજયમાં પણ સૈન્યના કૌવતને બદલે રાજકીય ઈચ્છાશક્તિનો અભાવ જવાબદાર હતો. વેલ, એ સિવાય પાકિસ્તાન સામેના અત્યાર સુધીના ચારે યુદ્ધોમાં ભારતનો વિજય થયો છે. એ ખરું કે યુદ્ધ સૈન્યના જવાનો જ લડતા હોય છે, તેમનું શૌર્ય જ દેશને જિતાડતું હોય છે. એ શૌર્યની સાથે સાથે પડદા પાછળ રહીને જાસૂસી કરનારાઓનો પણ ફાળો મોટો હોય છે. સહમત એવી જ એક જાસૂસ હતી. વાસ્તવમાં તેના પિતા રો માટે કામ કરતા હતા અને સહમત તો દિલ્હી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી હતી. અભ્યાસ દરમિયાન જ તેના પિતાએ તેને અચાનક કાશ્મીર ઘરે બોલાવી. પિતા નાદુરસ્ત રહેતા હતા, તેથી તેઓ ઈચ્છતા હતા કે તેમનું અધૂરું કામ દીકરી પૂરું કરે. કોઈ પણ પિતા દીકરીને જોખમમાં મૂકવા માંગતા ન હોય, પણ આ પરિવાર સાવ અલગ જ હતો. પિતાના પાકિસ્તાનમાં સંપર્ક હતા અને તેથી રોને તેઓ મૂલ્યવાન માહિતીઓ પહોંચાડતા હતા. એ સંપર્ક બીજાને વિકસાવવામાં વર્ષો નીકળી જાય, પરંતુ કોઈ પણ સંપર્કો બીજાને મદદ કરે એવું જરૂરી નથી હોતું, તેથી પોતાના મૃત્યુ બાદ એ સંપર્કો ભારતની સેવામાં કામ ન આવી શકે એવું વિચારીને તેમણે દીકરીને જ જાસૂસી માટે તૈયાર કરી, જેથી પિતા-પુત્રી હોવાના નાતે પિતાના સંપર્કો દીકરીને મદદ કરે અને એ રીતે ભારતની સેવા કરતા રહેવાય.

દેશસેવા કરવી હોય અને એમાંય જાસૂસી કરીને સેવા કરવી હોય તો વ્યક્તિગત જીવનનો ભોગ આપવા માટે તૈયાર રહેવું પડે, એ પિતા તો જાણતા જ હતા. તેમણે દીકરીને પણ એ જ રીતે તૈયાર કરી. જાસૂસી માટે ઘણો ભોગ આપવો પડે. તે કોલેજમાં અભ્યાસની સાથે સાથે શાસ્ત્રીય નૃત્ય તથા વાયોલિન વગાડતાં શીખી રહી હતી. એ બધું જ તેણે છોડવું પડ્યું.

દરમિયાન પાકિસ્તાની સૈન્યના ઉચ્ચ અધિકારીઓ ભારત વિરોધી કશુંક રાંધી રહ્યા હતા. તેઓ શું વિચારે છે, એ જાણવાનું કામ સહમતે કરવાનું હતું. તેને પાકિસ્તાન મિશન પર મોકલાઈ. સ્વાભાવિક રીતે જ સૈન્યના ટોચના કેન્દ્રમાં પહોંચીને માહિતી મેળવવી એમ ને એમ શક્ય નથી. આ મિશન માટે સહમતને પાકિસ્તાની આર્મી ઓફિસર ઇકબાલ સૈયદ સાથે લગ્ન કરવાં પડ્યાં. ઇકબાલના પિતા બ્રિગેડિયર પરવેઝ સૈયદ પણ સેનામાં એક વરિષ્ઠ અધિકારી હતા. સહમતને કહેવામાં આવ્યું કે તેણે લશ્કરી અધિકારીઓની વાત સાંભળવી પડશે. તેને મોર્સ કોડ દ્વારા કટોકટી સંદેશા મોકલવા અને પ્રાપ્ત કરવા માટે મૂળભૂત તાલીમ પણ આપવામાં આવી હતી.

સહમતે આર્મી સ્કૂલમાં ભણતાં બાળકોને સંગીત અને નૃત્યની તાલીમ આપવાનું શરૂ કરીને માત્ર સાસરિયાંઓનો જ નહીં, પરંતુ આર્મી ક્વાર્ટર્સમાં રહેતા અન્ય પરિવારોનો પણ વિશ્વાસ જીતી લીધો. જનરલ યાહ્યા ખાનના પૌત્રો તથા પાકિસ્તાની સેનાના ઉચ્ચ અધિકારીઓનાં બાળકો પણ આ શાળામાં અભ્યાસ કરતાં હતાં. એ શાળાની શિક્ષિકા હોવાના નાતે સહમતે ધીમે ધીમે પાકિસ્તાની સંરક્ષણ ક્ષેત્ર અને ગુપ્તચર વર્તુળોમાં પ્રવેશ મેળવી લીધો. તેના કારણે સહમતના સસરા બ્રિગેડિયર પરવેઝ સૈયદને પણ પ્રમોશનનો લાભ મળ્યો.

આ દરમિયાન 1971 માં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ લગભગ નિશ્ચિત હતું. પાકિસ્તાન પહેલો હુમલો કરીને ભારતના વિમાનવાહક જહાજ આઇએનએસ વિક્રાંતનો ખાત્મો બોલાવી ભારતની તાકાત નબળી પાડવા માંગતું હતું. પાકિસ્તાને તેની મિસાઇલથી સજ્જ સબમરીન પીએનએસ ગાઝીને ભારતીય યુદ્ધ જહાજનો નાશ કરવાનું મિશન સોંપ્યું. સહમતને આ વાતની ખબર પડી. તેમણે પીએનએસ ગાઝીની સ્થિતિ અંગેની માહિતી ભારતને મોકલી અને ભારતીય નૌકાદળે તાત્કાલિક કાર્યવાહી કરી અને વિશાખાપટ્ટનમ બંદર નજીક પાકિસ્તાની સબમરીન ગાઝીનો નાશ કરી દીધો.

એ યુદ્ધમાં નૌકાદળનું એ મિશન ભારતના વિજયમાં મહત્ત્વની ભૂમિકા ભજવી ગયું હતું.

જોકે, જાસૂસો ઉપર ક્યારેક તો શંકા જતી હોય છે. સૈયદ પરિવારના નજીકના સાથી અબ્દુલને સહમત પર શંકા ગઈ. જોકે, સહમતને તેની ગંધ આવી જતાં તેણે અબ્દુલને ટ્રકથી કચડી માર્યો. જોકે, એ ઘટના પછી પતિ ઇકબાલને પણ પત્ની સહમતનું સાચું રૂપ જણાઈ ગયું અને તેથી જ સહમતના હેન્ડલરોએ તેને પણ મારી નાખ્યો. જોકે, એ સમયે સહમત ગર્ભવતી હતી અને પછી સુરક્ષિત રીતે ભારત પાછી આવી. તેણે બાકીનું જીવન પંજાબના માલેરકોટલામાં વિતાવવાનું નક્કી કર્યું. દિલ્હી યુનિવર્સિટીમાં સહમતને પ્રેમ કરનારો યુવાન હજુ તેની રાહ જોતો હતો, પરંતુ સહમતે બીજાની હત્યા કરી એનો બોજો દિલમાં હતો, તેથી તેણે લગ્ન ન કર્યાં, પણ સહમતના દીકરાને તેણે ઉછેર્યો. એ દીકરો પાછળથી સૈન્ય અફસર બન્યો.

જોકે, સહમતનું ખરું નામ શું હતું, એ તો આજે પણ રહસ્ય છે. સ્વાભાવિક રીતે જ તેના દીકરાના માથે જોખમ પેદા ન થાય એ માટે ઓળખ ગુપ્ત રખાઈ હતી. દેશ માટે વ્યક્તિગત જીવનનો ભોગ આપનારી સહમત 2018માં આ દેશને અલવિદા કરી ગઈ અને તેના જીવન પરથી કોલિંગ સહમત નામની નવલકથા લખાઈ હતી.