• બે વખત આઇસીસી મહિલા ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ જીતનાર બીજી ક્રિકેટર સ્મૃતિ મંધાના છે. દમદાર બેટિંગ કરીને અનેક વખત ટીમને જીતાડી છે

વિસ્ફોટક બેટિંગ માટે સ્મૃતિ મંધાના આગવી ઓળખ ધરાવે છે. દમદાર બેટિંગ કરીને સ્મૃતિએ મહિલા ભારતીય ટીમને અનેક મેચ જિતાડી છે. અત્યારે તે જોરદાર ફોર્મમાં રમી રહી છે, તેને રમતી જોઇને તે ઇતિહાસ સર્જશે એ તો નક્કી જ છે. સ્મૃતિ મંધાનાએ થોડા સમય પહેલાં સાઉથ આફ્રિકા સામેની સીરિઝમાં સતત બે મેચોમાં સદી ફટકારી છે. આમ કરનાર એ પહેલી ભારતીય મહિલા પ્લેયર બની ગઇ છે. સાઉથ આફ્રિકા સામે બીજી વન-ડે મેચમાં ઉત્તમ બેટિંગ કરવા ઉપરાંત બોલિંગમાં પણ કમાલ કરી દીધી છે.

કોઇને આશા નહોતી કે કેપ્ટન હરમનપ્રીત કૌર સાઉથ આફ્રિકા સામે સ્મૃતિ મંધાનાને બોલિંગ આપશે. સ્મૃતિએ કરિયરમાં પહેલી વખત બોલિંગ કરી અને બીજા જ બોલમાં વિકેટ લીધી અેટલું જ નહીં આખી ઓવરમાં ફક્ત છ રન જ આપ્યા. ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં કરોડરજ્જુ સમાન બની ચૂકેલી સ્મૃતિ મંધાનાની દિગ્ગજ એવી મિતાલી રાજની ઉત્તરાધિકારી બનવા સુધીની યાત્રા આકર્ષક અને રસપદ રહી છે.

મહિલા ક્રિકેટમાં સર્વશ્રેષ્ઠ ક્રિકેટરની યાદીમાં સામેલ થનાર સ્મૃતિ મંધાનાએ અનેક રેકોર્ડ બનાવ્યા છે. સ્મૃતિ મંધાનાનો જન્મ 18 જુલાઈ, 1996માં મુંબઈમાં થયો હતો, પરંતુ જ્યારે તે બે વર્ષની હતી ત્યારે તેમનો પરિવાર મહારાષ્ટ્રમાં સાંગલીના માધવનગરમાં જઇને વસ્યો. જ્યાં શરૂઆતના દિવસો પસાર કર્યા હતા. તેથી સ્મૃતિએ સ્કૂલનો અભ્યાસ મહારાષ્ટ્રમાં થયો હતો. પિતા શ્રીનિવાસ મંધાના કેમિકલ ડિસ્ટ્રીબ્યુટર હતા જ્યારે માતા સ્મિતા ગૃહિણી છે. ક્રિકેટ મંધાના પરિવારનો ભાગ રહ્યો છે, કારણ કે પિતા જિલ્લા સ્તરે રમી ચૂક્યા છે. તેમના ભાઈ શ્રવણ પણ ક્રિકેટ રમી ચૂક્યા છે. શ્રવણ અત્યારે બેન્કર છે પરંતુ બેન્કર બન્યા પહેલાં મહારાષ્ટ્ર અંડર-19 ટીમનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યાં હતા. સંજોગવશાત્ ભાઈ શ્રવણ ક્રિકેટને કન્ટિન્યુ નહોતા કરી શક્યા, પરંતુ સ્મૃતિના જીવનમાં તેની ઉપસ્થિતિએ તેને ક્રિકેટર બનવા માટે પ્રભાવિત કરી હતી. એવું પણ કહી શકાય કે ક્રિકેટનો `કે' તે ભાઇ પાસેથી શીખી હતી. સ્મૃતિ કરતાં ચાર વર્ષ મોટા ભાઇ સાથે પ્રેક્ટિસ ગ્રાઉન્ડ પર જવાને કારણે યુવા સ્મૃતિમાં ક્રિકેટ પ્રત્યે રસ પેદા થયો અને એ ઝનૂનમાં પરિણમ્યો.

સ્મૃતિ કહે છે કે, હું સમજણી થઈ ત્યારે મારા ભાઇએ જુનિયર સ્તરે ઉત્તમ પ્રદર્શન કરવાનું શરૂ કરી દીધું હતું. તેનું નામ સ્થાનિક ન્યૂઝ પેપરમાં આવતું હતું. હું એ ન્યૂઝનાં કટિંગ કાપીને ભેગાં કરતી હતી અને મનોમન ભાઇની જેમ ક્રિકેટ રમીને રન બનાવવાનું નક્કી કરી લીધું હતું. ભાઇ જ્યારે નેટ સેશનમાં જતાં ત્યારે હું તેમની સાથે જતી અને તે બોલને મારી તરફ ફેંકતાં હતા. જેથી પ્રેક્ટિસ કરી શકું.

સ્મૃતિ મંધાનાએ સાંગલીમાં એક જુનિયર સ્ટેટ ટ્રેનર અનંત તાંબવેકર પાસે કોચિંગ લેવાનું શરૂ કર્યું. નવ વર્ષની નાની ઉંમરે સ્મૃતિ મંધાનાએ અંડર 15 મહારાષ્ટ્ર તરફથી રમવાનું શરૂ કર્યું હતું. ઉંમરમાં નાની હોવા છતાં તે એવું જોરદાર રમતી કે સિનિયર ખેલાડીઓ ઉપર હાવી થઇ જતી. પરિણામે 11 વર્ષની ઉંમરમાં તેને અંડર 19 સ્ટેટ ટીમમાં સામેલ કરવામાં આવી. 15 વર્ષની ઉંમરમાં સ્મૃતિ મંધાના પોતાની કરિયરના એવા વળાંક ઉપર આવીને ઊભી રહી જ્યાં તેને સાયન્સ અને ક્રિકેટ બંનેમાંથી એકની પસંદગી કરવાની હતી. સ્મૃતિને સાયન્સ લેવું હતું પણ બીજી બાજુ ક્રિકેટને છોડવું પણ નહોતું. તેથી છેવટે કોમર્સ લઇને આગળ ભણવાનું ચાલુ રાખ્યું. બારમું ધોરણ કોમર્સ સાથે પાસ કર્યું. સાંગલીમાં ચિંતામન રાવ કૉલેજ ઓફ કોમર્સમાંથી ગ્રેજ્યુએશન કર્યું. કોમર્સ લેવાને કારણે ક્રિકેટ પાછળ વધારે સમય આપી શકી.

રસપ્રદ વાત એ છે કે, સ્મૃતિ મંધાનાને રાહુલ દ્રવિડ પાસેથી સ્પેશિયલ ભેટ મળી છે, જે અંગે તે કહે છે કે, ભાઈ શ્રવણનું એક વખત રાહુલ દ્રવિડ સરને મળવાનું થયું હતું, ત્યારે તેમણે સરનું બેટ માંગ્યું હતું. રાહુલ સરે પોતાનું બેટ ભાઇને આપી દીધું અને બેટ ઉપર મારું નામ લખાવ્યું, કારણ કે ભાઇને ખબર છે કે હું રાહુલ સરની બહુ મોટી ફેન છું. હું બેટ જોઇને ખૂબ ખુશ થઇ ગઇ હતી. હું રાહુલ સરના ઓટોગ્રાફવાળા બેટને શૉ-પીસ તરીકે મૂકવા જઇ રહી હતી પરંતુ જેવું મેં બેટ પકડ્યું તો તેમાં અદભુત સંતુલનનો અનુભવ મને થયો. મેં એ બેટથી રમવાનું શરૂ કરી દીધું. મારામાં આત્મવિશ્વાસનો સંચાર થયો અને મારું પરફોર્મન્સ પણ સુધરવા લાગ્યું.

મેદાનમાં બેટિંગ કરીને લોકોનાં દિલ જીતનાર સ્મૃતિ મંધાના સાદગીપ્રિય છે. તેને મેકઅપ કરવો ગમતો નથી. તે ફિટ રહેવા નિયમિત જિમમાં જાય છે અને રોજ ઇંડાં તથા પ્રોટીન શેક પીએ છે.

આતો થઇ તેના ફિટનેસની વાત પરંતુ તેના એચીવમેન્ટ સામે નજર કરીએ તો, સ્મૃધિ મંધાના બહુ નાની ઉંમરમાં પ્રગતિના સોપાનો સર કરી ચૂકી છે. તે અત્યાર સુધીમાં છ હજાર કરતાં વધારે ઇન્ટરનેશનલ રન બનાવી ચૂકી છે. ઓસ્ટ્રેલિયાના એલિસે પેરી પછી બે વખત આઇસીસી મહિલા ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ જીતનાર બીજી ક્રિકેટર સ્મૃતિ મંધાના છે. અત્યાર સુધીમાં દમદાર બેટિંગ કરીને અનેક વખત મહિલા ભારતીય ટીમને જીતાડી છે. ટી 20 માં 3000 રન કરનાર બીજી ભારતીય મહિલા છે અને વન-ડે ક્રિકેટમાં 3000 રન કરનાર ત્રીજી ભારતીય મહિલા ખેલાડી છે. એટલું ઓછું હોય એમ ઓસ્ટ્રેલિયામાં એકદિવસીય અને ટેસ્ટ શતક બનાવનાર પહેલી ભારતીય મહિલા ક્રિકેટર બની ગઇ છે. સૌથી નાની ઉંમરે ટેસ્ટ મેચમાં કેપ્ટન બનવાનો રેકોર્ડ પણ સ્મૃતિના નામ છે. આમ, સ્મૃતિ મંધાના અનેક રેકોર્ડ બનાવી ચૂકી છે અને હજુ આ દિશામાં વાયુવેગે આગળ વધી રહી છે.

અહીં સુધીની સફર ખેડવામાં સ્મૃધિ મંધાનાએ રાત દિવસ એક કર્યા છે. ક્રિકેટ જ તેના શ્વાસ અને ક્રિકેટ જ તેનું સર્વશ્વ હોય તેમ એમાં આગળ વધવા મહેનત કરી છે. સ્મૃતિ કહે છે કે, જ્યારેથી સમજણી થઇ ત્યારથી જ મેં બેટ હાથમાં પકડ્યું છે. મને બેટિંગ કરવી ગમે છે, હું જ્યારે બીજા બાળકો સાથે ક્રિકેટ રમતી હતી ત્યારે મને અને મમ્મીને બધા કહેતાં કે, છોકરી છે, આખો દિવસ તડકામાં ક્રિકેટ રમશે તો કાળી પડી જશે. આમ શરૂઆતમાં લોકો જાતજાતની વાતો કરતાં પરંતુ મમ્મી-પપ્પાએ હંમેશા મને સપોર્ટ કર્યો છે. તેમના અને ભાઇના સપોર્ટને કારણે આજે હું ક્રિકેટર બનીને મારું સપનું સાકાર કરી શકી છું. હું મારા સિનિયર ક્રિકેટર્સની મેચ જોઇને તેમની પાસેથી ઘણું શીખી છું અને હજુ શીખી રહી છું.


  • Follow us on: