• ધોનીએ લોકપ્રિયતાની તમામ હદ વટાવી દીધી છે, CSKની ટીમ જે પણ સ્ટેડિયમમાં રમી ત્યાં ધોની છવાયેલો રહ્યો

ઇંડિયન યન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 16મી સિઝન લગભગ અંત ભાગમાં પહોંચી ગઈ છે. 26મી મેએ કઈ ટીમ ચેમ્પિયન બનશે તેની પણ ખબર પડી જશે. પૂરી લીગમાં કેટલાક ચકિત કરે તેવા પરિણામ આવ્યા છે. યુવા ખેલાડીઓએ કરોડપતિ ખેલાડીઓને ટક્કર મારે તેવું પ્રદર્શન કરીને પોતપોતાની ટીમોને અકલ્પનીય વિજય પણ અપાવ્યા છે. કેટલીક ટીમોએ હાથવેંત વિજયને પણ ગુમાવ્યા હોવાના પરિણામો પણ જોવા મળ્યા છે પરંતુ આ ટી20 ક્રિકેટ હોવાથી કોઈ અટકળ કરી શકાતી નથી. કેટલીક ટીમોએ 200 પ્લસના ટાર્ગેટ ચેઝ કર્યા હતા અને આ ટીમો જ લો-સ્કોરિંગ મેચોમાં હારી ગઈ હોવાના પરિણામ પણ જોવા મળ્યા છે. વ્હાઇટ બોલ ટી20 ક્રિકેટ પૂરી થશે એટલે તમામનું ધ્યાન સાતમી જૂનથી લંડનના ધ ઓવલ ગ્રાઉન્ડ ખાતે રેડ બોલથી રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ ઉપર કેન્દ્રિત થશે પરંતુ તે પહેલાં આઇપીએલમાં એક બાબતે તમામનું ધ્યાન ખેંચ્યું છે અને તે છે મહેન્દ્રસિંહ ધોની. લોકપ્રિયતાની તમામ હદ વટાવી ચૂકેલા ધોનીની આ છેલ્લી સિઝન છે તેવું ઘણાનું માનવું છે પરંતુ ભારતના વર્લ્ડ કપ વિજેતા સુકાની ક્યારે નિવૃત્તિ જાહેર કરશે તેનો કોઈને ખ્યાલ નથી.

આઇપીએલની 16મી સિઝનમાં એક નોંધવા જેવી બાબત એ છે કે સ્ટેડિયમ કોઈ પણ હોય, કોઈ પણ ટીમ પોતાના હોમગ્રાઉન્ડમાં રમતી હોય પરંતુ ચેન્નઇ સુપર કિંગ્સ જે પણ ગ્રાઉન્ડમાં રમવા માટે ઊતરી છે ત્યાંના સ્ટેડિયમમાં યલો ફીવર છવાયો છે અને મોટા ભાગના સમર્થકો યલો જર્સી પહેરીને ધોનીને સમર્થન આપવા માટે મેદાનમાં પહોંચી ગયા છે. 41 વર્ષીય ધોની ઘૂંટણની ઈજાના કારણે ઝડપી રનિંગ કરી શકતો નથી અને આ કારણથી તે બેટિંગ ઓર્ડરમાં નીચલા ક્રમે આવે છે. તે ટૂંકી પણ દમદાર ઇનિંગથી ફેન્સના દિલ જીતી રહ્યો છે. ચાર વર્ષ પહેલાં ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કરી ચૂકેલો ધોની હજુ પણ ચેન્નઈ માટે રમી રહ્યો છે પરંતુ તેની ભૂમિકા હવે બદલાઈ ગઈ છે. એક સમયે ભારતીય ટીમ માટે મેચફિનિશર તરીકે પોતાને સ્થાપિત કરનાર ધોની હવે સાતમા કે આઠમા ક્રમનો બેટ્સમેન બની ગયો છે. 16મી સિઝનમાં તે એક પણ મેચમાં 20 કરતાં વધારે બોલ રમ્યો નથી પરંતુ તેની એક ઝલક નિહાળવા માટે સમર્થકો આતુરતાથી રાહ જોતા હતા. જ્યારે છેલ્લી ઓવર્સ આવતી હતી ત્યારે સમર્થકો જાડેજા કે અન્ય બેટ્સમેન આઉટ થઈ જાય અને ધોની બેટિંગમાં ઊતરે તેવી પ્રાર્થના પણ કરતા હતા. ઘોની માત્ર બે બોલ માટે પણ મેદાનમાં ઊતરે તો ફેન્સના પૈસા વસૂલ થઈ જતા હતા. આ બાબતથી અંદાજો લગાવી શકાય છે કે જ્યારે હરીફ ટીમના હોમગ્રાઉન્ડમાં પણ તે મેદાનમાં ઉતરતો હતો ત્યારે પૂરેપૂરું સ્ટેડિયમ માત્ર અને માત્ર યલો જર્સીમાં ધોનીના નારાથી ગુંજી ઊઠતું હતું. એક સમય હતો કે, સચિન માટે પણ સ્ટેડિયમમાં આ વાતાવરણ છવાતું હતું પરંતુ ધોનીનો દબદબો જ અલગ પ્રકારનો છે.

હજારોની સંખ્યામાં સમર્થકો જ્યારે ધોનીની એક ઝલક મેળવવા માટે આઇપીએલની રાહ જોતા હોય છે તો આ ટૂર્નામેન્ટનું નામ બદલીને ધોની ટ્રોફી કરવામાં આવે તો કશું ખોટું જણાશે નહીં. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે જેમ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી રમાય છે તેવી રીતે આઇપીએલ હવે ધોની ટ્રોફી તરીકે રમાય તો તેણે ભારતીય ક્રિકેટની કરેલી સેવાની યોગ્ય કદર પણ થશે. આ રીતે ફેન્સ તથા ટૂર્નામેન્ટ સાથે ધોની હંમેશાં જોડાયેલો પણ રહેશે. ધોની અને આઇપીએલ એકબીજાના પૂરક રહ્યા છે. 2008માં જ્યારે પોતાને પ્રથમ સિઝન માટે માર્કી પ્લેયર તરીકે જાહેર કરી શકાય તેવી ધોની પાસે તક હતી પરંતુ તેણે હરાજીમાં જવાનો નિર્ણય કર્યો હતો. આ કારણથી તે પ્રથમ સિઝનનો સૌથી મોંઘો ખેલાડી પણ બન્યો હતો. ચેન્નઇની ટીમે મોટી બોલી લગાવીને ધોનીને ખરીદ્યો હતો. ત્યારબાદ તે 16મી સિઝન સુધી ચેન્નઇનું એન્જિન બની ચૂક્યો છે. ચાર વખત ટીમને ચેમ્પિયન બનાવનાર ધોનીએ ભારતના લિજેન્ડ ક્રિકેટર સુનીલ ગાવસ્કરના શર્ટ ઉપર ઓટોગ્રાફ આપીને તમામના દિલ જીતી લીધા હતા. પ્રત્યેક મેચ બાદ ધોની યુવા ખેલાડીઓને સતત ટિપ્સ આપતો રહ્યો છે. ગ્રાઉન્ડમેન્સથી લઈને મેચ સાથે સંકળાયેલા તમામ કર્મચારીઓ તથા અધિકારીઓને ધોનીએ સતત સન્માન આપ્યું છે. લાખો ક્રિકેટ સમર્થકો પણ ધોની પાંચમી ટ્રોફી સાથે વિદાય લે તેવી આશા રાખી રહ્યા છે.


  • Follow us on: