પ્રશ્ન : મારી ઉંમર 20 વર્ષ છે. હું કૉલેજમાં ભણું છું. મારી ત્વચા ઓઈલી છે. ઓઈલી સ્કિન હોવાને કારણે શિયાળામાં કોઈ તકલીફ થતી નથી, પરંતુ ઉનાળામાં ઓઈલી સ્કિનને કારણે ચહેરા પરની ત્વચા ચીકણી લાગે છે. ચીકાશને કારણે ચહેરા પર બ્લેકહેડ્સ અને ખીલ જેવી સમસ્યા સર્જાય છે. આ સમસ્યામાંથી મને છુટકારો મળે એ માટે કોઈ ઘરેલુ ઉપચાર બતાવો.


જવાબ : જ્યારે ગરમીની શરૂઆત થાય ત્યારે ઓઈલી ત્વચાનું ધ્યાન રાખવું પડે છે. ગરમીના દિવસોમાં ચહેરા પર તેલ અને પરસેવો મિક્સ થઈ જાય છે. તેના કારણે ચહેરા પર બ્લેક હેડ્સ અને ખીલ જેવી સમસ્યા સર્જાય છે. ઓઈલી ત્વચા માટે ઉત્તમ ઉપચાર મધ છે. મધમાં રહેલા એન્ટિ બેક્ટેરિયલ અને એન્ટિ સેપ્ટિક ગુણ ઓઈલી ત્વચા માટે ફાયદારૂપ છે. ચહેરા પર મધનું પાતળું લેયર લગાવો. પંદર મિનિટ બાદ તેને સાદા પાણીથી ધોઈ નાંખો. મધનો ઉપયોગ નિયમિત કરવાથી ફાયદો થશે. જેમને એલોવેરા માફક આવતું હોય એવી વ્યક્તિ ઓઈલી સ્કિન ઉપર રોજ રાત્રે એલોવેરા જૅલ લગાવી શકે છે. સવારે ઊઠીને ઠંડા પાણીથી ચહેરો સાફ કરી લો. એલોવેરા ચહેરા પર નિયમિત લગાવવાથી ફાયદો થશે. દરેક ટાઈપની સ્કિન ઉપર એલોવેરા જૅલ લગાવી શકાય છે. એનાથી કોઈ નુકસાન થતું નથી. બજારમાં મળતું તૈયાર એલોવેરા જૅલ લગાવવા કરતાં એલોવેરાને તોડી એનો ગર ચમચી વડે કાઢીને લગાવવામાં આવે તો વધારે ફાયદો થશે. મુલતાની માટીમાં ગુલાબજળ મિક્સ કરીને ત્વચા પર લગાવવાથી ચહેરા પરની ચીકાશમાં ઘટાડો થશે. આમ તેમને માફક આવે એ વસ્તુનો ઉપયોગ કરી શકો છો.

પ્રશ્ન : મારી ઉંમર 2૩ વર્ષ છે. હું વર્કિંગ હોવાથી પ્રોપર સ્કિન કેર કરી શકતી નથી. પરિણામે મારી ત્વચા નિસ્તેજ થઈ ગઈ છે. એમાં ગ્લો લાવવા માટે શું કરી શકાય? મને ઘરગથ્થુ ઉપચાર જણાવો.

જવાબ : ચહેરા ઉપર ઈન્સ્ટન્ટ ગ્લો લાવવા માટે લીંબુ અને મધનું મિશ્રણ ઉત્તમ માનવામાં આવે છે. એક ચમચી મધમાં લીંબુનો રસ મિક્સ કરીને ચહેરા પર 20 મિનિટ સુધી લગાવી રાખો. પછી ચહેરો સાદા પાણીથી ધોઈ લો. ત્વચા પર કોઈ પણ તેલથી માલિશ કરવાથી બ્લડ સરક્યુલેશન સારું થાય છે અને ચહેરા પર ચમક આવી જાય છે. ગરમીમાં અઠવાડિયામાં એક વખત ત્વચા પર તેલથી માલિશ કરવું જોઈએ. જો ત્વચા ડ્રાય હોય તો અઠવાડિયામાં બે વખત તેલથી માલિશ કરી શકો. અઠવાડિયામાં એક વખત ચહેરા પર બેસનનો પેક લગાવો. પેક બનાવવા માટે બે ચમચી બેસનમાં ચપટી હળદર, ચમચી લીંબુનો રસ અને જરૂર પડે પાણી કે કાચું દૂધ મિક્સ કરી તૈયાર કરો. આ પેકને 20થી 25 મિનિટ ચહેરા પર લગાવી રાખો. પછી સાદા પાણીથી ધોઈ લો. આ ઉપરાંત અત્યારે ગરમીમાં 15 ગ્લાસ પાણી પીવાથી પણ ચહેરા પર ગ્લો જોવા મળશે.


  • Follow us on: