પતિ-પત્ની વચ્ચે ડિવોશન તો જોઇએ જ. આમ જુઓ તો ડિવોશન એટલે સમર્પણ. તમે જેને ચાહો છો તેના પ્રત્યેની સંપૂર્ણ પ્રતિબદ્ધતા, એના પર શ્રદ્ધા, પૂર્ણ વિશ્વાસ. જ્યાં સમર્પણ હોય છે ત્યાં દિલનો અવાજ હોય છે, બુદ્ધિના પડખમ નહીં, તેથી જ એક વ્યક્તિને એનાથી સાવ ભિન્ન વ્યક્તિ તરફ સંપૂર્ણ સમર્પિત, વફાદાર જોઇએ ત્યારે આશ્ચર્ય થાય. મને એવું લાગે કે પ્રેમની જેમ ડિવોશનમાં પણ કોઇ કેમેસ્ટ્રી કામ કરતી હશે. નહીંતર ખુદને ભૂલીને બીજામાં ઓગળી જવું એ નાની વાત છે? તેથી જ સમર્પણ સરળ, ભાવુક અને દિલથી જીવતી વ્યક્તિ જ કરી શકે. દિમાગથી જીવતી વ્યક્તિ ન કરી શકે.

દિમાગથી જીવતી વ્યક્તિના મનમાં તર્ક અને શંકા હોય તો એ વ્યવહારિતાના પાયા પર જ જીવે. આમ જુઓ તો સમર્પણ એટલે ઘેલછા, સમર્પણ એટલે ત્યાગ અને સમર્પણ એટલે વફાદારી, પણ મીરાંનું કૃષ્ણ માટેનું સમર્પણ એટલે ઘેલછા. ઊર્મિલા અને ગાંધારીનું પતિ માટેનું સમર્પણ એટલે ત્યાગ અને બલિદાન અને વફાદારી માટે તો સીતા, જોધા અને મંદોદરી જેવી અનેક વીરાંગનાઓથી ઇતિહાસ ભર્યો છે, પણ સવાલ એ છે કે આજના સમયમાં આવો ડિવોટેડ પ્રેમ શક્ય છે ખરો? આપણી આજુબાજુનાં અનેક પતિ-પત્ની પર દૃષ્ટિ કરીએ તો માંડ એકાદ-બે પતિ-પત્ની એવાં જોવા મળ્યાં કે જેઓ ખરેખર એકબીજાને સમર્પિત હતાં. મારા દૂરના એક સંબંધી છે વિનેશ અંકલ અને પરિતા આન્ટી. વિનેશ અંકલે આર્થિક, સામાજિક એટલા ચડાવ-ઉતાર જોયા કે ન પૂછો વાત. બંગલા પરથી રસ્તા પર આવી ગયા. સમાજે બહિષ્કાર કર્યો. એક વાર જેલમાં જવું પડ્યું, પરંતુ પરિતા આન્ટી એમની સાથે અડીખમ ઊભાં રહ્યાં. ન ક્યારેય પતિ વિશે એક ખરાબ શબ્દ બોલ્યાં કે ન કોઇને બોલવા દીધો. ન એમની લાગણીમાં ઓટ આવી કે ન તો તેઓ એમના કર્તવ્યથી ચલિત થયાં. બધું સમુંસૂતરું પાર પાડ્યાનાં વર્ષો પછી પરિતા આન્ટીને પેરાલિસિસ થયો તો પાંચ વર્ષ સુધી વિનેશ અંકલે જે સેવા કરી છે એની કોઇ સીમા નથી. પ્રેમ, શ્રદ્ધા, કાળજી, ત્યાગ અને વફાદારીને તેઓ બંને હસતે મોઢે જીવ્યાં અને એનું જ નામ સમર્પણ. માત્ર હૃદયથી મૂક લાગણી નહીં, પણ સાથ જીયેગેં, સાથ મરેંગેવાળો વાયદો તો ખરો જ પણ એકબીજા માટે ખુવાર થવાનું ઝનૂન પણ ખરું. આ કદાચ ડિવોશનની શ્રેષ્ઠ વ્યાખ્યા કહી શકાય. આજના સમાનતા, સ્વતંત્રતા, મહત્ત્વાકાંક્ષા અને સ્વકેન્દ્રિતતાના જમાનામાં કોઇ વ્યક્તિ માટે સંપૂર્ણ સમર્પિત થવું શક્ય છે ખરું? આમ તો love represents a total devotion of one person's heart, soul and body to another.

પણ સ્મિત, વિનેશ અંકલ અને પરિતા આન્ટી જેવાં કપલ્સ બહુ ઓછાં જોવા મળે, જે વિના સ્વાર્થે, વિના કશી અપેક્ષાએ સમર્પણની સુગંધ પ્રસરાવતાં રહે. આજનો સમય એ વ્યક્તિ સ્વાતંત્ર્યનો છે, અલગ આઇડેન્ટિટીનો છે, ત્યાં એકબીજામાં ઓગળીને જાતને વિલીન કરવાનું પેશન ક્યાંથી આવે? આજે તો પતિ-પત્નીની એક જરૂરિયાત ન સંતોષાય તો મહાભારત રચાય, પતિ એક ભૂલ કરે તો પત્ની એનો બદલો લે, અહમ્ માટે ક્ષણે ક્ષણે તૂ તૂ મૈં મૈં થાય ત્યારે `સમર્પણ'નું ઊંડાણ સંબંધોમાં આવે કઇ રીતે? આમ જુઓ તો સમર્પણ એટલે સંબંધોને સાચુકલા જીવવા, એકની ગેરહાજરીથી જીવન અધૂરું અધૂરું લાગે. તુમ બાતી હમ દીયા જેવું ઐક્ય એટલે સમર્પણ. જોકે, આ બાબતને બીજી દૃષ્ટિએ પણ જોઇ શકાય.

સમર્પણનો અર્થ વફાદારી, પ્રતિબદ્ધતા ખરો, પણ સમર્પણના કારણે તમારા જીવનસાથીની તમામ સારી ખોટી બાબતોને આંખ મીંચીને સ્વીકારી લો એ તો હરગિજ ન ચાલે. સમર્પણ સાથીના કલ્યાણમાં, એને સાચી દિશા બતાવવામાં, એના વિકાસમાં રુકાવટ ન બનવું જોઇએ. યુ નો, આપણી ભારતીય પત્નીઓ પતિ માટેનાં પ્રેમ અને સમર્પણને કારણે એનાં ખોટાં કાર્યો સામે કે ભૂલો સામે વિરોધ નથી કરતી, ગાંધારી આંખે પાટા બાંધીને સમર્પિત બની એ કરતાં આંખો ખુલ્લી રાખીને ધૃતરાષ્ટ્રને સહાયક બની હોય તો ઇતિહાસ જુદો હોત. ખેર! દૂરની વાત થઇ, પણ અજેય એવાં અનેક પતિ-પત્ની જોઉં છું જેઓ લાગણી, વફાદારી પર શંકા ઊભી થવાના ડરે કે વફાદારી બતાવવા માટે તેઓ એકબીજાનું ખોટું ચલાવી લે છે. એક ઉદાહરણ આપું. 35 વર્ષના વિશાલે ધંધામાં અનેકવાર નુકસાન કર્યું. પત્ની અલકાના બધા દાગીના વેચી દીધા.

ઘર પર લોન લીધી અને અલકાએ આ બધું કરવા દીધું. કોઇને જણાવ્યું નહીં, પોતે પતિને સમર્પિત છે, એને સપોર્ટ કરે છે, એ ના પાડશે તો પતિ એને સ્વાર્થી કહેશે એવું વિચારીને જેમ ચાલે એમ ચાલવા દીધું. પરિણામે એક દિવસ રસ્તા પર આવવું પડ્યું. છોકરાઓનું હાયર એજ્યુકેશન અટવાઇ ગયું. જો તેઓ ખોટા સમર્પણના કે વફાદારીના વહેમમાં ન રહ્યાં હોત અને વડીલોને વાત કરી હોત તો આવી બરબાદી ન જોવી પડત. મતલબ કે સમર્પણ માત્ર પ્રેમ કે વફાદારીનો પર્યાય ન બનતાં સત્ય, વિકાસ અને સંવેદનાનું પર્યાય બનવો જોઇએ. એકબીજા માટે સમર્પિત પતિ-પત્ની એકબીજાની ઇચ્છા વિરુદ્ધ કોઇ બાબત કરે જ નહીં એવું ન બનવું જોઇએ. સમર્પણમાં કાયરતા, પલાયનવાદ કે વેવલાપણ નહીં, પરતું બહાદુરી જોઇએ અને તે પણ સાચી દિશાની.

કદાચ આજે સમર્પણનો અર્થ જરા જુદો છે. એમની વચ્ચે ગમે તેટલો પ્રેમ હોય, એકબીજા માટે મરવા તૈયાર હોય, પરંતુ તેઓ આંખ બંધ કરીને પ્રેમ કરનારાં નથી. ઝઘડો, દલીલો છૂટા પડવાની અસલામતી કે ડર એમને મનની વાત કરતાં રોકતાં નથી. તે ખુદને ભૂલીને નહીં ખુદને જાળવીને પ્રેમ કરવામાં માને છે અને આ વાસ્તિવકતાના પ્લસ-માઇનસ બંને છે. તેઓ સમર્પણ અને પ્રેમને કારણે આત્મસન્માન, સત્ય કે પોતાના અધિકાર સાથે સમાધાન કરવામાં માનતાં નથી. બસ, એમનો મિજાજ અલગ છે તેથી એમના ખ્યાલો પણ અલગ છે, જેને સ્વીકાર્યા વિના છૂટકો નથી.