• મંગળ ભાઈભાંડું, જમીન, ખેતીવાડી, સ્થાવર મિલકત, ખાણ ઉદ્યોગ, યુદ્ધ, કાયદાકીય બાબતો, રમતગમત, શરીરમાં લોહી/હિમોગ્લોબિન વગેરેનો કારક ગ્રહ છે

જન્મકુંડળી એક કોયડો છે જે મુખ્યત્વે 12 સ્થાન, મુખ્ય નવ ગ્રહો અને 2૭ નક્ષત્રોના સમન્વયથી સર્જાય છે. ગ્રહો ભલે 9 હોય, પરંતુ તે રાશિ સ્થાન અને નક્ષત્રના સંયોજનથી અલગ અલગ ફળ આપે છે. કોઈ પણ વ્યક્તિની કુંડળીમાં કોઈ ગ્રહ તે વ્યક્તિ માટે શુભ છે કે અશુભ તે જોવા ઘણી બધી બાબતોનો અભ્યાસ કરવામાં આવે છે. આજે મંગળ ગ્રહ વિશે જાણીએ. મંગળ નામથી જ શુભ ગ્રહ છે. તેનામાં શૌર્ય, હિંમત, ઉત્સાહ, ઊર્જા છે. તે એક રાશિમાં આશરે 45 દિવસ રહે છે અને એક રાશિચક્ર પૂરું કરતા દોઢ વર્ષ લાગે છે. વ્યક્તિની કુંડળીમાં મંગળની સ્થિતિના આધારે કહી શકાય કે તેમના માટે મંગળ શુભ છે કે અશુભ.

મંગળ ભાઈભાંડું, જમીન, ખેતીવાડી, સ્થાવર મિલકત, ખાણ ઉદ્યોગ, યુદ્ધ, કાયદાકીય બાબતો, રમત ગમત, શરીરમાં લોહી/હિમોગ્લોબિન વગેરેનો કારક ગ્રહ છે. સામાન્ય રીતે મેષ, વૃષભ, કર્ક, સિંહ, તુલા, વૃશ્ચિક, ધન અને મીન લગ્નમાં જન્મેલા વ્યક્તિઓ માટે મંગળ શુભ કહી શકાય. તે સિવાય કુંડળીમાં મંગળ મેષ, વૃશ્ચિક મકર રાશિમાં બળવાન બને છે અને તુલા, વૃષભ અને કર્ક રાશિમાં નિર્બળ બને છે.

જ્યારે કોઈ વ્યક્તિની કુંડળીમાં મંગળ બળવાન કે શુભ સ્થિતિમાં હોય -

તેઓ સાહસિક સ્વભાવના અને રમતગમત, આઉટડોર એક્ટિવિટીમાં રસ લેનાર હોય છે.

મંગળ બળવાન હોય તેઓ ઝડપી વાહન ચલાવનાર, વારંવાર પડવું વાગવું, ઝગડામાં ઉતરી જવું તેમના માટે સામાન્ય હોય છે, પરંતુ તે જ વ્યક્તિઓ મંગળની દશા દરમિયાન સમૃદ્ધિ , પાવર અને સફળતા મેળવે છે.

કેટલીક વાર તેઓ બદલાખોર વૃત્તિ ધરાવનાર હોય છે.

તેઓ ઘણી વાર મધ્યસ્થી તરીકેની ભૂમિકા પણ સારી રીતે નિભાવી શકે છે.

બળવાન મંગળ કોઈ ખરાબ ગ્રહ સાથે હોય તો તેઓ સમાજ વિરોધી પ્રવૃત્તિમાં પણ જોડાઈ શકે છે.

જ્યારે કોઈ વ્યક્તિની કુંડળીમાં મંગળ નિર્બળ કે અશુભ સ્થિતિમાં હોય -

તેઓ વિચાર્યા વિના કોઈ પગલું લેતા નથી અગર તો કોઈ પણ કાર્ય કરતા પહેલા તેના પરિણામ વિશે વધુ વિચાર કરે છે. તેમનામાં સાહસિકતાની અભાવ હોય છે.

કોઈ પણ વિવાદમાં તેમની પ્રતિક્રિયા વ્યક્તિની સામે નહીં આપતા ફોન પર કે અન્ય કોઈ રીતે દર્શાવે છે.

ભાઈભાંડું સાથે અને કેટલીકવાર મિત્રો સાથેના તેમના સંબંધ વિવાદાસ્પદ રહે છે.

કેટલાક સંજોગોમાં તેઓ તેમનો સાચો અભિપ્રાય આપતા ડરે છે.

તેઓ મદદ માંગતા અચકાય છે, પરંતુ મદદ કરવામાં પાછા નથી પડતા.

ઉપરની બાબતો સર્વ સામાન્ય છે જે બળવાન કે નિર્બળ મંગળ સાથે જોડાયેલી છે, પરંતુ તે સિવાય જ્યારે કુંડળીમાં મંગળ જે સ્થાનમાં હોય તેને લગતાં ફળ આપે છે. જેમ કે કર્ક અને સિંહ લગ્નમાં મંગળ યોગકારક ગ્રહ બને છે. આથી યોગકારક ગ્રહ બનીને તે જે સ્થાનમાં બેસે તે સ્થાનને લગતા શુભ ફળ તે આપે છે. તે જ રીતે નિર્બળ મંગળ જે સ્થાનમાં બેસે છે તે સ્થાનને લગતા પ્રશ્નો કે અશુભ અસરો આપે છે. કેટલાક સંજોગોમાં તે શુભ અને અશુભ ફળ સાથે જ આપે છે. જેમ કે શુભ/બળવાન મંગળનું કોઈ પણ રીતે ચોથા સ્થાન સાથે જોડાણ તેમને સંપત્તિ/રિયલ એસ્ટેટમાં ખૂબ જ સફળતા અપાવે છે જ્યારે તે જ મંગળ માતા સાથે મોટા પાયે વિવાદ અને લોહીનું ઊંચું દબાણ પણ આપે છે.

ઉપાયો

નિર્બળ મંગળ ધરાવતા વ્યક્તિઓ અગર તો મંગળને બળવાન બનાવવા માટે કેટલાક ઉપાયો કરી શકાય છે, જેમાં -

મંગળનો વૈદિક મંત્ર અથવા તો “ૐ અંગારકાય નમઃ” મંત્રની માળા કરવી.

મંગળનું રત્ન ‘મૂંગા’ ધારણ કરી શકાય.

ઘરની બહારના ભાગમાં કે બાલ્કનીમાં દાડમનો છોડ ઉગાડવો.

તાંબાના વાસણનો ઉપયોગ કરવો.

માટીના વાસણ કે માટીની બનેલી વસ્તુઓ ભેટમાં આપી શકાય.

તે સિવાય કુંડળીમાં મંગળ કયા ગ્રહ સાથે જોડાયેલ છે તેના આધારે પણ વ્યક્તિગત રીતે મંગળની અસરો જાણી શકાય છે. આથી બળવાન મંગળ ધરાવતા વ્યક્તિઓએ પોતાના આવેશ પર નિયંત્રણ રાખવાની જરૂર હોય છે જ્યારે નિર્બળ મંગળ ધરાવતી વ્યક્તિઓએ પોતાના આત્મવિશ્વાસમાં વધારો કરીને આગળ વધવાની જરૂર હોય છે.

  • Follow us on: