પ્રશ્ન : મારું નામ ગાર્ગી (જિ. વડોદરા) છે. મારી જન્મતારીખ 21-07-2000 છે. અત્યારે મારી નોકરી ખૂબ જ સારી છે. સગપણ માટે પ્રયત્નો ચાલે છે. મારી કુંડળીમાં મંગળદોષ છે? હોય તો શું ઉપાયો કરવા જોઈએ તે અંગે યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.


ઉત્તર : તમારા જન્મની વિગતો મુજબ જન્મસમયની ચંદ્રરાશિ કુંભ છે. નામ રાશિ મુજબ સાચું છે. કુંડળીમાં હળવો સાદો મંગળ ગણાય, પણ તે ચિંતાકારક નથી. નજીકના સમયમાં ઓગસ્ટ, 2022થી સમય પ્રગતિસૂચક ગણી શકાય. તેમાં આયોજનપૂર્વક વિશેષ પ્રયત્નો કરવાની સલાહ છે.

(1) સૂર્યનારાયણના મંત્રની દરરોજ એક માળા બપોરના ભોજન પહેલાં કરવી.

(2) કુળદેવી માતાજીની વિશેષ ભક્તિ રવિવાર, મંગળવાર અને પૂનમના દિવસે કરવી.

(3) મોસાળ પક્ષની વ્યક્તિનો સહયોગ મળે તો આ કામમાં અનુકૂળતા રહે.

પ્રશ્ન : મારું નામ આનંદભાઈ (જિ. રાજકોટ) છે. મારી પુત્રી ખ્યાતિની જન્મતારીખ 07-03-1997 છે. તેનાં લગ્ન અગાઉ થયેલાં, પરંતુ મનમેળના અભાવે છૂટાછેડા થયા છે. હવે પાત્રપસંદગી બાબતે પ્રયત્ન શરૂ કર્યા છે. ક્યારે સફળતા મળશે?

ઉત્તર : તમારી પુત્રીની જન્મતારીખ મુજબ મહા વદ તેરસ મહાશિવરાત્રિનો જન્મ છે. જન્મનક્ષત્ર ધનિષ્ઠા છે. ચંદ્ર રાશિ મકર છે તેથી નામ રાશિ મુજબ સાચું છે. તેની કુંડળીમાં મંગળદોષ નથી. દરેક વ્યક્તિની સમજ અને સહનશક્તિ ઓછીવત્તી હોય છે. હાલમાં ઓક્ટોબર, 2022 પછીનો સમય વધુ અનુકૂળ અને યોગકારક જણાય છે. સારું અને જાણીતું ઘર હોય તો ગુણાંક કે નાડીદોષ જેવી બાબતોમાં બાંધછોડ કરીને નિર્ણય લેવો.

(1) રાધાકૃષ્ણની કે શિવપાર્વતીની સાત્ત્વિક ભક્તિ કરવી.

(2) વિષ્ણુ સહસ્ત્ર નામાવલીનો એક પાઠ નિયમિત કરવાની સલાહ છે.

પ્રશ્ન : મારું નામ મનન (જિ. મોરબી) છે. જન્મતારીખ 15-07-1999 છે. સરકારી જોબ માટે ઘણા પ્રયત્નો ચાલે છે. મને સફળતા મળશે?

ઉત્તર : તમારી જન્મની વિગતો મુજબ અષાઢ સુદ ત્રીજનો જન્મ છે. જન્મ નક્ષત્ર મઘા છે તેથી સિંહ રાશિ ઉપર સાચું નામ છે. પ્રગતિ બાબતે આગામી ઓક્ટોબરથી સારો સમય ગણી શકાય. સરકારી અથવા તેને સમકક્ષ સારી જોબ મળવાના યોગ ગણાય. શિક્ષણ, પ્રકાશન તથા તબીબી ક્ષેત્રમાં આપની લાયકાત મુજબ કામગીરી કરવાની તક શોધી શકાય. જૂના મિત્રો, સંબંધીઓ કે અધિકારીઓ સાથે સાત્ત્વિક સંબંધો કેળવવાની સલાહ છે. તેમાંથી સાથ-સહકાર તથા સફળતા મળે તેવા યોગ છે. તે દિશામાં વધુ પ્રયત્નો કરવાની સલાહ છે.

(1) સૂર્યનું બળ મેળવવા માટે દરરોજ સૂર્યનારાયણની ભક્તિ કરવી.

(2) રવિવારે, સોમવારે, ગુરુવારે વિશેષ પ્રયત્ન કરવા જોઇએ. તેનો પ્રતિભાવ સારો મળે.


  • Follow us on: