પ્રશ્ન : મારું નામ મૌલિક (જિ. વલસાડ) છે. મારી જન્મતારીખ 02-05-2001 છે. મને સરકારી નોકરીનો યોગ છે? માર્ગદર્શન આપવા વિનંતી.
ઉત્તર : તમારા જન્મની વિગતો મુજબ વૈશાખ સુદ નવમીના દિવસે જન્મ છે. જન્મ નક્ષત્ર મઘા છે. ચંદ્રરાશિ સિંહ છે. કુંડળીમાં અન્ય ગ્રહો મધ્યમ પ્રગતિસૂચક જણાય છે. ચિંતાકારક નથી. સાત્ત્વિક વાંચન તથા આયોજન મુજબ મહેનત વધારવાની જરૂર છે. સરકારી અથવા તેના સમકક્ષ પદ પ્રતિષ્ઠાવાળી નોકરીનો યોગ જણાય છે. આ માટે વિશેષ મહેનત કરવાની રહેશે. નજીકના સમયમાં જૂન, 2023 પછીનો સમય પ્રગતિસૂચક ગણી શકાય. તેમાં આયોજનપૂર્વક મહેનત કરી લેવાની સલાહ છે.
(1) દરરોજ સવારે સૂર્યનારાયણનાં દર્શન કરવાં. (2) ઇષ્ટદેવની ભક્તિ રવિવારે, મંગળવારે અને પૂનમે કરવી. (3) ચંદ્રનું સારું રત્ન (મોતી) ધારણ કરી શકાય.
પ્રશ્ન : મારું નામ ફાલ્ગુની (ફેની) (જિ. ભાવનગર) છે. મારી જન્મતારીખ 28-09-1998 છે. મારાં લગ્ન ક્યારે થશે? મેળાપક માટે કેટલાં ગુણ જોઇએ?
ઉત્તર : તમારી જન્મતારીખ મુજબ આસો સુદ સાતમના રોજ જન્મ છે. જન્મનક્ષત્ર મૂળ છે. ચંદ્ર રાશિ ધનુ છે. નામ રાશિ મુજબ છે. માત્ર ગુણાંકને બદલે કુંડળીના શુભાશુભ યોગોને પણ ધ્યાનમાં લેવા જોઈએ. આમ છતાં કુલ 36 ગુણમાંથી 18 ગુણ મળે તે જરૂરી છે. કોઇ પણ જન્મકુંડળી સંપૂર્ણ શુભ કે અશુભ હોતી નથી. કોઈ એકાદ બાબતે સમાધાન કરીને ઉદાર વલણ રાખનાર વધુ સુખી થતા જોયા છે. આ બાબતે હાલમાં ઓગસ્ટ 2023 પછીનો સમય વધુ અનુકૂળ રહે. સારું અને જાણીતું ઘર હોય તો ગુણાંક કે નાડીદોષ જેવી બાબતમાં યોગ્ય બાંધછોડ કરી શકાય.
(1) શિવ-પાર્વતીની સાત્ત્વિક ભક્તિ કરવી. વૈષ્ણવ સંપ્રદાય હોય તો લક્ષ્મી નારાયણની તસવીરનું સતત સ્મરણ કરી શકાય. (2) દરરોજ સવારે ઊગતાં સૂર્યનાં દર્શન કરવા. (3) રવિવાર, સોમવાર તથા ગુરુવારે આ બાબતે વિશેષ પ્રયત્નો કરવાથી અનુકૂળતા રહે.
પ્રશ્ન : મારું નામ ચંદ્રેશભાઈ (જિ. રાજકોટ) છે. મારી પુત્રી મૈત્રીની જન્મતારીખ 22-08-1998 છે. તેના માટે સૌરાષ્ટ્રના નાના ગામમાંથી વાતો આવે છે, પરંતુ રાજકોટમાં જન્મ, ભણતર અને ઉછેર થયો હોવાથી નિર્ણય લેવામાં મન માનતું નથી. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.
ઉત્તર : તમારી પુત્રીની જન્મતારીખ મુજબ શ્રાવણ વદ અમાસનો જન્મ છે તેથી ગભરાવાની જરૂર નથી. જન્મનક્ષત્ર મઘા છે. ચંદ્ર રાશિ સિંહ સાચી છે. તમારો આ પ્રશ્ન હાલમાં બધા સમાજમાં જોવા મળે છે. આર્થિક તથા શૈક્ષણિક બાબતે સમકક્ષ પરિવાર હોય તો બીજી કોઇ વાતે થોડીઘણી બાંધછોડ કરવાની સલાહ છે. ભવિષ્યમાં પ્રગતિની તક હોય તેવા પાત્ર સાથે વિચારી શકાય. આગામી જુલાઈ માસથી સમય અનુકૂળ ગણાય.
(1) દર રવિવારે તથા પૂનમે કુળદેવી માતાજીની ભક્તિ કરવી. (2) વિષ્ણુ સ્વરૂપની ભક્તિ વિશેષ કરવી. વિષ્ણુ સહસ્ત્ર નામાવલીનો પાઠ કરવો. (3) મોસાળ પક્ષ તરફની વ્યક્તિના સહકારથી અનુકૂળતા સારી રહે.