- ઇસરો દ્વારા લોન્ચ થનાર EOS-08 માઈક્રો સેટેલાઇટ અદ્યતન સેન્સરોની મદદથી અત્યંત હાઈ રિઝોલ્યુશનની તસવીરો લઈ શકે છે
થોડા દિવસો પહેલાં આપણે વાયનાડમાં ભૂ-સ્ખલન સ્વરૂપે મોટી આપદા વેઠી. કેરળના વાયનાડમાં ભૂસ્ખલન બાદ 138 લોકો હજુ પણ લાપતા છે. આ લખાય છે
ત્યાં સુધીમાં ભૂસ્ખલનમાં મૃત્યુઆંક વધીને 414 થઈ ગયો છે અને 150 થી વધુ લોકો હજુ પણ લાપતા હોવાના અહેવાલ છે. દુર્ઘટના બાદ 224 મૃતદેહો અને 189 શરીરનાં અંગો મળી આવ્યાં હતાં! આ દૃશ્યો કેવાં ભયાવહ હશે, એની તો કલ્પનાય થઇ શકે એમ નથી! આ તો અવશેષ તરીકે જે કંઈ મળ્યું, એના પરથી થયેલું આકલન છે. બાકી ખરેખર જાનમાલનું કેટલું નુકસાન થયું, એ તો કોને ખબર! છેલ્લે મળેલા સમાચાર મુજબ સરકારી તંત્ર આપત્તિગ્રસ્ત વિસ્તારોમાં રેશનકાર્ડ અને મતદાર યાદી જેવા દસ્તાવેજો દ્વારા તપાસ કરી રહ્યું છે. આપણે માત્ર એટલી જ ઈચ્છા રાખી શકીએ, કે કોઈ એવી ટેક્નોલોજી શોધાય, જે કુદરતના આવા કારી ઘા સામે આપણી રક્ષા કરે! સદ્નસીબે આપણુ ઇસરો એ દિશામાં પ્રગતિ કરી રહ્યું છે.
ગત 7 ઓગસ્ટે ISROના ટ્વિટર (એટલે કે X) એકાઉન્ટ પર ટ્વિટ કરીને માહિતી આપવામાં આવી કે SSLVની ત્રીજી અને અંતિમ ફ્લાઇટ 15 ઓગસ્ટ, 2024 ના રોજ શ્રીહરિકોટાથી IST 09:17 વાગ્યે EOS-08 માઇક્રોસેટેલાઇટ લોન્ચ કરાશે. આ વાંચીને વિજ્ઞાનના ભારતીય ચાહકોમાં આનંદ વ્યાપી ગયો છે, કારણ કે EOS-08નું કામ આપણા સહુને સીધી અસર કરે એવું છે. જો આ માઈક્રોસેટેલાઈટ ધાર્યા મુજબની કાર્યક્ષમતા દેખાડશે, તો દેશને દર વર્ષે ખર્ચવા પડતા સેંકડો કરોડ રૂપિયા બચી જશે. સાથે સાથે અનેક લોકોના જીવ અને ઘરબાર બચાવી શકાશે, એ નફામાં.
ISROએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે EOS-8 મિશનના પ્રાથમિક ઉદ્દેશ્યો માઇક્રોસેટેલાઇટની ડિઝાઇન, પેલોડ સાધનોનું નિર્માણ અને ભવિષ્યના ઉપગ્રહો માટે જરૂરી નવી ટેકનોલોજીનો વિનિયોગ કરવા અંગેના છે. ઈસરોએ કહ્યું કે આ અવકાશી મિશન સમયગાળો પૂરા એક વર્ષનો રહેશે. સૌથી પહેલાં થોડી ટેક્નિકલ ડિટેલ્સ સમજી લઈએ.
ઇસરોએ આપેલી માહિતી મુજબ આ માઈક્રોસેટેલાઇટ એસએસએલવી-ડી3/આઇબીએલ358 પ્રક્ષેપણ યાન સાથે ઇન્ટરફેસ કરે છે. તેનું વજન અંદાજે 175.5 કિગ્રા છે અને તે લગભગ 420 વોટ પાવર જનરેટ કરે છે. EOS-08 કુલ ત્રણ પેલોડ વહન કરશે. ઇલેક્ટ્રો ઓપ્ટિકલ ઇન્ફ્રારેડ (EOIR), ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ રિફ્લેક્ટોમેટ્રી પેલોડ (GNSS-R) અને SIC UV ડોસિમીટર.
IOIR પેલોડ ફોટોગ્રાફ્સ કેપ્ચર કરવા માટે બનાવાયો છે. પેલોડ મીડિયમ-વેવ IR (MIR) અને લોન્ગ-વેવ IR (NWIR) બેન્ડમાં દિવસના અને રાત્રિના સમયની ઇમેજીસ કેપ્ચર કરી શકે છે. તેનો ઉપયોગ સેટેલાઇટ આધારિત મોનિટરિંગ, ડિઝાસ્ટર મોનિટરિંગ, પર્યાવરણીય દેખરેખ, ફાયર ડિટેક્શન, જ્વાળામુખીની પ્રવૃત્તિનું નિરીક્ષણ અને ઔદ્યોગિક અને પાવર પ્લાન્ટ ડિઝાસ્ટર મોનિટરિંગ જેવાં કાર્યો માટે થઈ શકે છે. GNSS-R નામનો જે પેલોડ છે, એ દરિયાની સપાટી પરના પવનનું વિશ્લેષણ, જમીનના ભેજનું મૂલ્યાંકન, હિમાલયના પ્રદેશમાં `ક્રાયોસ્ફિયર'નો (બરફનું સ્તર) અભ્યાસ, પૂરની જાણકારી તેમજ જળાશયની શોધ વગેરે માટે GNSS-R-આધારિત રિમોટ સેન્સિંગનો ઉપયોગ કરવાની ક્ષમતા દર્શાવે છે. જ્યારે SIC યુવી ડોસિમીટર નામક ત્રીજો પેલોડ ગગનયાન મિશનમાં ક્રૂ મોડ્યુલના વ્યૂપોર્ટ પર યુવી રેડિયેશનનું નિરીક્ષણ કરશે અને ગામા રેડિયેશન માટે એલાર્મ સેન્સર તરીકે કામ કરશે.
ઇસરોના કહેવા મુજબ ઉપગ્રહ પ્રણાલીઓ વિકસાવવા બાબતે EOS-08 માઈક્રોસેટેલાઈટ પાથબ્રેકિંગ મોડેલ સાબિત થશે, કેમ કે તે એક CBSP મોડેલ છે. અહીં કમ્યુનિકેશન, બેઝબેન્ડ, સ્ટોરેજ અને પોઝિશનિંગના પ્રથમ અંગ્રેજી અક્ષરો જોડીને `CBSP' શબ્દ બન્યો છે, જે બહુવિધ કાર્યો કરવા માટે સમર્થ એવિઓનિક્સ સિસ્ટમ માટે વપરાય છે.
થોડું હેવી થઇ ગયું નહિ! નો પ્રોબ્લેમ. હવે આપણે અઘરા અઘરા પારિભાષિક શબ્દોને તડકે મૂકીને સાવ સીધી સાદી ભાષામાં EOS-08નું કાર્ય સમજીએ. ઇસરો દ્વારા લોન્ચ થનાર EOS-08 માઈક્રો સેટેલાઇટ અદ્યતન સેન્સરોની મદદથી અત્યંત હાઈ રિઝોલ્યુશનની તસવીરો લઈ શકે છે. સાથે જ મોટા વિસ્તારને ઝડપથી કવર કરી શકે છે. સૌથી મોટી ખૂબી એ છે કે દિવસ અને રાત, બંને સમયે કામ કરી શકે છે. આ ઉપરાંત જે કારણોસર EOS-08ને અત્યંત ઉપયોગી ગણવામાં આવે છે, તે ક્રમવાર નીચે મુજબ છે. ખેતીની દેખરેખ: સેટેલાઇટ ખેતીની જમીનની સ્થિતિ, પાકની વૃદ્ધિ, પાણીની ઉપયોગિતા વગેરેની માહિતી એકત્રિત કરશે. આનાથી ખેડૂતોને પાકનું યોગ્ય વ્યવસ્થાપન કરવામાં મદદ મળશે.જંગલોનું રક્ષણ: EOS-08 જંગલોની સ્થિતિ, જંગલમાં લાગતી આગ, વનમાં આવતા બદલાવ વગેરે પર નજર રાખશે. આનાથી જંગલોનું રક્ષણ કરવામાં મદદ મળશે.પર્યાવરણનું મોનિટરિંગ: સેટેલાઇટ પર્યાવરણની સ્થિતિ, પ્રદૂષણ, આબોહવા પરિવર્તન જેવા મુદ્દાઓ પર નજર રાખશે.આપદા વ્યવસ્થાપન: ભૂકંપ, પૂર, દુષ્કાળ જેવી આપદાઓની સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં મદદ કરશે.
ઇન શોર્ટ, EOS-08 ભારતના વિકાસ અને પર્યાવરણ સંરક્ષણમાં બહુ મહત્ત્વની ભૂમિકા ભજવશે. સાથે જ આ સેટેલાઇટ દેશને આધુનિક ટેક્નોલોજીના માર્ગ પર આગળ વધારવામાં મદદ કરશે. એવું કહેવાય છે EOS-08 ભારત માટે અવકાશમાં ગોઠવાયેલી `આંખ' તરીકે કામ કરશે. એન્ડ ઇન ધેટ કેસ, કુદરતી આપદાઓ વખતે આગોતરી ચેતવણી મેળવવા આ `આંખ' બહુ કામની સાબિત થશે. ભવિષ્યમાં વાયનાડ જેવી દુર્ઘટનાઓ અટકે, તો પૈસા વસૂલ!