સામાજિક અને પારિવારિક જીવનમાં અવ્યવસ્થાનું એક સૂક્ષ્મ અને મહત્ત્વનું કારણ છે કે, સાચી, ન્યાયી અને નીતિયુક્ત વાત કહેવાની હિંમતનો અભાવ. મોટાભાગના માણસો સંબંધો ન બગડે, કોઇ નુકસાન ન થાય અથવા તો આ બધી ઝંઝટોમાં ક્યાં પડવું એ વિચારે સાચું કહેવાની હિંમત દાખવતા નથી.

તેઓ સાચા માણસની ટીકા કરે છે અને ખોટા માણસની પ્રશંસા કરે છે અથવા ભય કે ઉદાસીનતાથી ચૂપ રહે છે. મોટાઓને દરેક બાબતે આંખ આડા કાન કરતાં જોઇને બાળક પણ એ જ શીખે છે. સાચું કહેવાની હિંમત ન હોવાથી બાળક અન્યાય સહન કરતા શીખે છે. ન્યાય અને સચ્ચાઈથી દૂર ભાગે છે અને અનિચ્છનીય પરિસ્થિતિનો સ્વીકાર કરે છે. આખરે એ બાળકના વ્યક્તિત્વને જ નુકસાન કરે છે. જ્યારે ન્યાયપ્રિય, બીજા માટે લડનાર અને સાચું બોલનાર બાળક લોકોનું માન મેળવે છે. પોતાના હક્કનું ગુમાવતો નથી અને અન્યને મદદ કરવા તત્પર રહે છે. સાચું કહેવાનું સાહસ બાળકમાં બે રીતે કેળવી શકાય. એક વ્યક્તિગત સ્તરે અને બીજું બાહ્ય સ્તરે યાનિ સામાજિક સ્તરે.

9 વર્ષનો વીર બાળપણથી જ બોલકો. એની દાદી અને મમ્મી વચ્ચેના ઝઘડા એ ચૂપચાપ જોતો રહે. ધીરે ધીરે વીરને સમજાવા માંડ્યું કે ઘરમાં પપ્પા સહિત બધાં જ દાદીથી ડરે છે, તેથી મમ્મી સાચી હોવા છતાં એનો પક્ષ કોઈ લેતું નથી. એક વખત મહેમાનની હાજરીમાં દાદીએ મમ્મીને ઉતારી પાડી. મહેમાન ગયા પછી વીર દાદી પાસે ગયો અને બોલ્યો, "દાદી, નાસ્તો તમે બનાવ્યો હતો એ મેં જોયું હતું, પરંતુ બરાબર ન બન્યો એટલે મમ્મીએ બનાવ્યો એમ કહીને તમે મહેમાન સમક્ષ ગુસ્સે થઇ ગયાં. આવું તમે ઘણીવાર કરો છો અને મમ્મી રડીને બેસી રહે છે. હવે તમે વિના કારણ મમ્મી પર ગુસ્સો કરશો તો હું પપ્પાને બધું કહી દઈશ.'' વીરનાં દાદીને સત્ય કહેવાના સાહસને કારણે દાદીને સમજાયું કે હવે વહુને હેરાન કરીશ તો પૌત્ર અને પુત્ર બંનેની નજરમાં હું ઊતરી જઈશ. એટલે તેઓએ વહુને વગોવવાનું બંધ કર્યું.

8મા ધોરણમાં ભણતા અલયની સાથે એના ક્લાસ ટીચરનો છોકરો જય પણ હતો, જે આખા ક્લાસને હેરાન કરતો, પરંતુ ટીચરનો છોકરો હોવાથી બધા એનાથી ડરતા. એક દિવસ જયે એક છોકરાનો શર્ટ ફાડી નાખ્યો. એ છોકરો રડીને બેસી રહ્યો. અલય એને આચાર્ય પાસે લઇ ગયો અને જય વિશેની બધી જ વાત વિનયપૂર્વક આચાર્યને કરી. આચાર્યએ જયનો ક્લાસ બદલી નાખ્યો અને સ્કૂલના 20 રાઉન્ડ મારવાની સજા પણ આપી. અલયની હિંમતને કારણે બીજા છોકરાઓને તો ફાયદો થયો જ, પરંતુ જયને પણ સબક મળી ગયો.

આપણી આજુબાજુ એવી અનેક ઘટનાઓ બનતી હોય છે કે, તેને અટકાવવા માટે એક હિંમતપૂર્વકના અવાજની જ જરૂર હોય છે. મારે શું? જેનું જે થવાનું હોય તે થાય. આપણે કેટલા ટકા જેવું વલણ યોગ્ય નથી. બાળકને એ વાત સમજાવવી જરૂરી છે કે ડરને કારણે અન્યાય સહન કરવો એ કાયરતા છે. અગર તમને તમારા પર પૂરેપૂરો વિશ્વાસ હોય કે તમે સાચા છો તો એ વાત રજૂ કરવી જ જોઈએ. બની શકે કે તમારી વાત કોઇ ન પણ માને, તમે જે ઉદ્દેશ સાથે રજૂઆત કરી હોય તેનું પરિણામ ન પણ મળે, પરંતુ પ્રયત્ન કરવા જોઈએ.

ગમે ત્યાં કચરો ફેંકવો, પાણી ઢોળવું, સ્કૂલમાં સીધાસાદા છોકરાઓને બદમાશ છોકરા દ્વારા પરેશાન કરવા, ટીચર દ્વારા વિદ્યાર્થીઓમાં પક્ષપાત કરવો, મોટાઓનું વારંવાર જૂઠું બોલવું કે હાથ નીચેના માણસો સાથે ખરાબ વર્તન કરવું, નાનાં ભાઈ-બહેનની ચોરી કરવી કે અન્યને મારવું જેવી અનેક બાબત છે કે જ્યાં બાળકો નમ્રતાપૂર્વક સાચી વાત કહેવાની હિંમત દાખવી શકે. પારકી પંચાત અને સત્યનો પક્ષ કે અન્યાય સામે વિરોધ એ બે વચ્ચેની ભેદરેખા બાળકને સાહસિક બનાવવા સમજાવવી પડે. બાળક જ્યારે અન્યાય સામે સાચી રજૂઆત કરે ત્યારે એને સમજાવો કે,

એને વિશ્વાસ આપો કે હંમેશાં સત્યનો વિજય થાય છે.

જ્યારે તમારી વાતની રજૂઆત કરો ત્યારે નમ્રતા જોઈએ, ઉદ્ધતાઈ નહીં.

જ્યાં જરૂર હોય ત્યાં જ વચમાં પડો, નાની-નાની વાતમાં બીજાની લાઇફમાં દખલગીરી કોઇને ગમતી નથી.

સત્યનો સાથ આપવા જતાં કોઇ વાર ખુદને નુકસાન પણ થઇ શકે.

બીજાના ચડાવવાથી કોઈ પણ મેટરમાં ઝંપલાવવું નહીં, સાચું છે કે ખોટું એ જાતે નક્કી કરો.

મોટા સાથે વાત કરો ત્યારે એમનો ઇગો હર્ટ થાય એ રીતે વાત ન કરવી.

અજાણ્યા સ્થળે કે અજાણ્યા લોકો વચ્ચે પડો ત્યારે પહેલાં બરાબર વિચારવું અને પરિસ્થિતિનો અભ્યાસ કરીને જ પડવું.

પોતાની વાહ વાહ માટે નહીં, પરંતુ મદદ માટે અન્યાય સામે અવાજ ઉઠાવવાનો છે.

અગર તમને લાગે કે તમે ખોટા છો તો ભૂલનો સ્વીકાર કરો.

જ્યારે તમે બીજાની ખોટી વાતનો વિરોધ કરો છો, ત્યારે તમે પોતે ખોટું નહીં કરો એ અતિ અગત્યનું છે.