તાપણાં ને આપણા સિવાય ટાઢથી બચવાનો કોઈ આરોઓવારો રહ્યો નહોતો એવા કહુલા ટાણે ગાયકવાડ રાજ્યનો સાળુકે જમાદાર તેના પસાયતા સમેત ચકલીના માળા જેવા ગામમાં ધસી આવ્યો હતો. જમાદારે નક્કી જ કરી રાખ્યું હતું, ક્રૂર હત્યારાને પહેલાં તો ગામલોકોની સામે જ બરાબરનો મેથીપાક ચખાડવાનો હતો.
તેના હાલ બરાબરના બેહાલ કરી નાખવાના હતા, જેથી જોનારાઓની આંખો ફાટી રહે એટલું નહીં અડખેપડખેના ગામમાં પણ કોઈ આવું હિચકારું કૃત્ય કરવાનું ક્યારેય વિચારે પણ નહીં!
`બોલો મુખી, આ હરામી હત્યારાની તમારી દેખતા જ સરભરા કરવી છે કે પછી...' આગળ બોલતા અટકી ગયા હતા, પણ કોઈએ સામે પડકારો દીધો હતો: `એ પેલા આંયા સૌની દેખતા પાઠ ભણાવો.' આટલું બોલવું અટકે તે સાથે સાગમટે હોંકારો પ્રગટ્યો હતો: `હા હા એવું જ કરો!' આવું સાંભળી ખુરશી પર આરૂઢ થયેલા જમાદારની આંખ ફાટી ગઇ હતી. એક હાથ મૂછ પર મંડાયો હતો, પણ મુખી કંઈ કહ્યા કે પ્રતિક્રિયા વગર સાવ ઢીલા થઇ, ભાંગી પડ્યા હોય એમ બેઠા હતા. બાપ પહેલાં દીકરો અકાળે લાંબું ગામતરું એ કયો બાપ સહન કરી શકે? મુખી જીવતાજીવ મડદા જેવા થઇ ગયા હતા. નહિતર મુખીની હાકની ધાક સામે ભલભલાની બોલતી બંધ થઇ જાય. અરે! રાજમાંથી આવેલો જમાદાર પણ પૂંછડી પટપટાવતો રહે!
ગામની સીમમાં મુખીના ખેતરમાં ઝપાઝપીમાં ચોરનું ઢીમ ઢળવાના બદલે મુખીના દીકરાનું મોત નીપજ્યું હતું. એકના એક કંધોતરનું અકાળે આથમી જવાથી નવી-નછોરવી વહુ અને દુઝણી ગાય જેવી ઉપજાઉ વાડી બેઉં સાવ નોંધારાં થઇ ગયાં હતાં. જેના લીધે મુખીના ઘર સમેત ગામ આખામાં અરેરાટી ફરી વળી હતી: `હાળો આ તો ગજબ થયો કે'વાય, એક નિર્દોષને લેવા-દેવાનું મોત ભરખી ગયું!'
પછી તો ચોર સામે ચાલીને પકડાઇ ગયો હતો. તેને સરકારી ઉતારાની અંધારી કોટડીમાં કેદ કરી દેવામાં આવ્યો હતો. ગામના પોલીસ પટેલે જમાદારને જાણ કરતાં તેમની કુમક આવી પહોંચી હતી.
`પેલા પંચનામું કરો, પછી વરરાજાનું ફૂલેકું ફેરવીએ.' મુખી સામે જોઈ સિપાઈને ઈશારો કર્યો હતો. આવું સાંભળી સામે બેઠેલું લોક હચમચી ગયું હતું. કહેતું હતું, કોનો દી' ફર્યો હોય તે આવું લોહિયાળ પગલું ભરે, પણ ગામના જ હરામી જાણભેદુએ આ મોતનો ખેલ ખેલ્યો હતો.
આ વેળા મુખી ઊભા થયા હતા. હશે, ઉંમરલાયક છે તે કુદરતી હાજતે જાવું હશે તેવું સમજી કોઈએ ખાસ ગણકાર્યું નહોતું. મુખી દબાતા પગલે અંધારી કોટડી પાસે ઊભા રહ્યા હતા. છાતીમાં ન ખમી શકાય એવા સબાકા આવતા હતા. થતું હતું, દીકરાના મારતલને રાજ તો સજા કરતું કરશે એ પહેલાં હું જ એ કાળમુખાનું ગળું દબાવી દઉં. તે પછી રામ બોલો ભાઈ રામ થઇ જાય!
મુખી મક્કમ પગલે ઓરડીમાં ઊભા રહ્યા હતા. સામે ચોર બે હાથ જોડી થરથર કાંપતો હતો: `મુખીબાપા, મારો કે જીવાડાઓ ઈ તમારા હાથમાં છે.' બંધિયાર એવી અંધ ઓરડીમાં કાકલૂદી ગૂંગળાવા લાગી હતી. મુખીનો ક્રોધ ઓરડીના મોભારે અથડાયો હતો. થઇ આવ્યું હતું, ચોરનું ગળું દબાવી ગૂંગળાવી મારે! પછી મોત અને મારતલ વચાળે સંતાકૂકડીની રમત મંડાણી હોય એવું થયું હતું. હવે વધારે વખત બગાડવો પાલવે એવું નહોતું. કોઈને ગંધ આવી જાય, ખબર પડી જાય તો ઊલટાનું ચોર કોટવાળને ડંડ્યા જેવું થાય! પણ ત્યાં દર્દ પ્રગટ્યું હતું: `મુખીબાપા, હું કોયને મારવા નીકળ્યો નો'તો!' પુછાઈ ગયું હતું: `તો!?' ત્યાં કહે વાયું હતું: `ઝપાઝપીમાં જીવ બચાવવા મારાથી ઘા થઇ ગયો'તો! મુખી ઉકળી ઊઠ્યા હતા: `મારાથી પણ ઘા થઇ જાય. કહી બે-પાંચ ગડદાપાટું ઠોકી દીધા હતા, પણ સામે ઊંહકારો નીકળવાના બદલે માંહ્યલા ઘાવનો જાણે મૂંઝારો બહાર આવ્યો હતો. તેનું કહેવું હતું: `બાપા, ઘરે બે દી'થી છોકરા ભૂખ્યાં હતાં, ઘરવાળી લાંઘણ નાખીને બેઠી'તી. ગામમાં કોય ઉછી-ઉધારું તો દેય એમ નો'તું.' સામે મુખીનો ક્રોધ ધુમાડા કાઢવા લાગ્યો હતો: `તે કોયને મારી નાખવાના!?' ત્યાં પાછો એ જ લવારો થયો હતો: `ના બાપા, મારાથી હાથછૂટી બલા થઇ ગઈ'તી.' ત્યાં મુખી: `લ્યે, મારાથીય...' કહી દબાતા ને રૂંધાતા સ્વરે કહીને ગળું દબાવવા ગયા હતા, પણ સામે ગળામાંથી માંડમાંડ નીકળ્યું હતું: `એ ભૂખના લીધે તમારા ખેતરમાંથી ડોડા-ચીભડાં ચોરવા આવ્યો'તો.' પછી ઓકી ગયો હતો: `કોયને મારવાય નો'તા ને અમારે ભૂખે મરવુંય નો'તું.' મુખી સજ્જડબંબ થઇ ગયા હતા. મનમાં ઘુમ્મરિયું લેવા લાગ્યું: છોકરાં ભૂખ્યાં હતાં! મુખીનો આત્મા કકળી ઊઠ્યો હતો. એકદમ આઘા ખસી જઈને બોલી ગયા હતા: `નીકળીને ભાગી જા.' ચોર કહે: `હું તમારો ને રાજનો ગુનેગાર છું.' મુખી ભીંસપૂર્વક કહી ઊઠ્યા હતા: `વાત કરવાની વેળા નથી, ઝટ ભાગી જા.' ચોરને ભગાડ્યા પછી મુખી જમાદાર પાસે આવીને ઊભા રહી ગયા હતા.
