- મારે હજી કરિયર વધારે સેટ કરવાની છે. નો ડાઉટ, મને ફિલ્મો ઓફર થઇ રહી છે પણ મેં જે સફળતા ધારી છે એ મને નથી મળી : વાણી કપૂર
વાણી કપૂર ઇન્ડસ્ટ્રીની ટેલેન્ટેડ એક્ટ્રેસીસમાંથી એક છે. આ છોકરીએ યશરાજ ફિલ્મથી કરિયરની શરૂઆત કરી હતી. પદાર્પણ પછી બધાંને એવી આશા હતી કે અનુષ્કાની જેમ વાણીની કરિયર પણ જામી જશે, જોકે એવું બન્યું નહીં. વાણીને યશરાજ બેનરથી પદાર્પણ પછી પણ એટલી સફળતા ન મળી જેટલી મળવી જોઈતી હતી. તે ધીરે ધીરે ફિલ્મો કરી રહી છે. એ કહે છે કે ફિલ્મોની ઓફર થાય એમાંથી પણ અમુક જે મને સારી લાગે એવી ફિલ્મો કરતી હોઉં છું. મારા ફેન્સ મને ફરિયાદ કરે છે કે તમે જોઇએ એટલી ફિલ્મો નથી કરતાં, હું કહું છું કે મળે તો કરુંને? ખેર, વાણીએ હોઠ ઉપર પ્લાસ્ટિક સર્જરી કરાવી એ સમયે એની ઘણી ટીકા કરવામાં આવી હતી. એ પછી એના લુકમાં ઘણો બદલાવ આવ્યો હતો, શરૂઆતમાં લુક સારો પણ નહોતો લાગતો પણ પછીથી ધીરેધીરે બધું ઠીક થઈ ગયું હતું.
વાણી લાંબા સમયથી કોઈ ફિલ્મમાં નથી દેખાઈ પણ તાજેતરમાં એને લઇને જે ફિલ્મનું એનાઉન્સમેન્ટ થયું છે એ ફિલ્મની વાર્તાથી એ ખાસ્સી પ્રભાવિત છે, એ કહે છે કે મારી કરિયરમાં અત્યાર સુધીમાં મને કોઈ રોલથી ખૂબ લગાવ થયો હોય તો એ આ બદ્તમીઝ ગીલનો રોલ છે. હું આનાથી વધારે આ રોલ વિશે શેર નહીં કરી શકું પણ ફિલ્મની વાર્તા ખૂબ જ મજેદાર છે. મારી આખી અલગ સાઇડ આ ફિલ્મ થકી લોકોને જોવા મળશે. બદ્તમીઝ ગીલ વિક્કી અને નિક્કી ભગનાની ડિરેક્ટ કરી રહ્યાં છે. આ એક ફેમિલી કોમેડી ડ્રામા ફિલ્મ છે. ફિલ્મનું શૂટિંગ બરેલીમાં થશે જે થોડા સમયમાં જ શરૂ થશે. આ ફિલ્મમાં વાણીના ભાઈ તરીકે અપારશક્તિ ખુરાનાને કાસ્ટ કરવામાં આવ્યો છે. જ્યારે પરેશ રાવલને એના પિતા તરીકે કાસ્ટ કરવામાં આવ્યા છે. વાણીની ઓપોઝિટ એક્ટર હજી સુધી ફાઇનલ નથી થયો. વિક્કી અને નિક્કી કહે છે કે અમારે લાઇટ કોમેડી અને ફેમિલી ડ્રામા ફિલ્મ બનાવવી હતી. અમારા હાથમાં સ્ક્રીપ્ટ આવી ત્યારે જ અમે નક્કી કરી લીધું હતું કે આ રોલ વાણી કપૂર જ કરી શકશે. જેમ જેમ ફિલ્મની વાર્તા વાંચતા ગયા એમ એમ અમારો આ નિર્ણય એકદમ યોગ્ય છે એવો અનુભવ થતો ગયો હતો. બદ્તમીઝ ગીલની રિલીઝ ડેટ હજી સુધી ડિક્લેર કરવામાં નથી આવી.










