ઢોલ-શરણાઈ સાથે રાજની વડારણો મંગળ ગીત ગઇ રહી છે. બીજી બાજુ નવતર ભાતે શણગારેલા માંડવડામાં લગ્નવિધિ થઇ રહી છે.

વાઘજી ઠાકોરની હથેળી કુંવરી બાજીરાજબાના હાથમાં છે, પણ હૈયું હાથમાં નથી. ઠાકોરના મનમંદિરમાં તો મણિની પ્રીતના સાથિયા પુરાઈ રહ્યા છે. વિહ્વળ નજરે મણિને મંડપમાં શોધે છે, પણ દેખાતી નથી. વળી, થાય છે કે એ ચિતડાની ચોર કોણ છે, ક્યાંથી આવી હતી, એ ક્યાં ખબર છે?

મણિ એટલે રાજવડારણની દીકરી ને રાણીવાસની નવેલી દાસી. તે ઝરૂખામાં પડદા પછવાડે બેઠી છે. તેને ઠાકોર નજરે ચઢે છે. ઘડીભર અણિયાળી આંખોને પટપટાવે છે. હૈયું હારી બેઠેલા ઠાકોરને વરરાજારૂપે જોઇ તેનું હૈયું થડકારો ચૂકી જાય છે. સોણલેય નો'તું આવ્યું કે જીવતરની મોંઘેરી જણસ હારી જનાર ફૂટડો જુવાન મોરબીના રાજવી વાઘજી ઠાકોર હશે! હૈયામાં હોળીયું ખડકનાર ખુદ રાજકુમાર હશે!

એક નાચીઝ નોકરડી રાજવીના પ્રેમમાં પડે તેનું પરિણામ શું આવે, તે મણિ સારી પેઠે જાણતી હતી. રજવાડાની રીતરસમ તેની નસેનસમાં રમતી હતી. તેના રક્તના ખાબોચિયા જેવા હૃદયમાં જાણે હાહાકાર મચી ગયો. તેનું હૈયું પોકારી ઊઠ્યું: `તું ભલે અઢળક રૂપની માલિકણ રહી, પણ છો તો દાસીને!' મણિના અદકા રૂપમાં તસુભાર ઘટે નહીં. સૃષ્ટિનો સર્જનકર્તા નવરો હશે ત્યારે હળવા હાથે ઘડી હશે. સાથે સમજની મીઠી વીરડી પણ તેના હૈયામાં છલકાતી હતી. સઘળું સારી પેઠે સમજતી હતી એટલે મન મારીને બેસી રહી.

સવારના ઊઘડતા પહોરે પાલિતાણાની ફૂલવાડીમાં ઉકનિયા વાછડાની હડફેટે આવતા વાઘજી ઠાકોરને મણિએ પોતાની તાકત, બાવડા બળે બચાવ્યા હતા. આ વેળા બેઉની આંખોમાં જાણે પરભવની પ્રીતના પરપોટા ફૂટ્યા હતા ત્યારે કોઈની ઓળખ નહોતી, પણ મંડપમાં જોયા ત્યારે ચમકી ગયાં હતાં. કોઈ જાણતું નહોતું કે અસલિયત આ હશે, પણ પ્રીતને આવી ઓળખના પાનેતરની ક્યાં પરવા હતી? બની ગયું બનવાકાળે.

`હું મોરબીનો ધણી વાઘજી ઠાકોર. એકને પરણવા આવ્યો હતો, પણ બે લઈને જાઉં છું. રાજાને ગમી તે રાણી.' ઠાકોરસાહેબ ભર્યા ડાયરા વચાળે પડકારો કરશે: `મણિ, રુદિયામાં બેઠી છો, હવે વેલડામાં બેસી જા.' પણ ગળું ખોંખારીને તેઓ આવું બોલી શક્યા નહીં. મણિની વેદના વાંઝણી સ્ત્રીના જેમ વલવલતી રહી.

ઠાકોરસાહેબ પરણી મોરબી આવે છે, પણ જીવને ક્યાંય નિરાંત નથી. વિરહની સગડી હૈયામાં સળગ્યા કરે છે. આમ કરતાં ત્રણેક દિવાળીયું અળગોટિયા ખાઈ ગઇ હશે ને કુંવરીબાને પિયરમાં આવવાનું બને છે.

 મણિ રાજની રીતરસમ વળોટી કુંવરીની છાતીએ વળગી ચોધાર આંસુએ રડી પડે છે. દિલ વલોવાતું જોઈ મણિની મા કહે છે: `બેનબા, આ છોકરીને તમારો અહંગરો લાગ્યો છે. જોવ તો ખરાં, મરવા પડી છે.' સાડલાના છેડે આંસુ લૂછતાં અને કળપતા સ્વરે કહે: `હારે લેતા જાવ, ટેલટપોરો કરશેને.'

કુંવરી બાજીરાજબા મણિને મોરબી લઇ આવે છે. મણિને થયું કે પોતે જીવતરની બાજી જીતી ગઇ છે. તેના પગ હકીકતની ધરાતલ પરથી લપસવા લાગ્યા. તે રાજકાજ ને રાણીવાસમાં માથું મારવા લાગી. એકવાર કુંવરીએ મણિને બાંધ્યા ભ્રમમાં કીધું: `મણિ, આ રજવાડું છે ને રજવાડું તારા રૂપને ભરખી નો જાય એની સાવચેતી રાખવાની છે. બાકી તો...' તેજીને ટકોર હોય એમ મણિ અડધી વાતમાં આખી વાતને સમજી ગઇ. `ભલે, બા' કહી તેણે જાતને સંભાળી લીધી. પડદાથી પણ ઠાકોરસાહેબનું મોં જોવા મળતું હતું. એટલું બસ હતું. વળી, પાછા આમ જ દિવસો પસાર થવા લાગ્યા, પણ એક રાતે ઠાકોરસાહેબને બાજીરાજબાના ઓરડે જતાં વચાળે મણિના કામણગારા રૂપના દિદાર થાય છે. દીવડાના આછા ઉજાસમાં લથબથતું રૂપ ચિત્તને ભરમાવી ગયું ને ઠાકોરસાહેબ સઘળું ભૂલી, હડસેલી મણિને ભેટવા જાય છે. મણિ ભડોભડ ભોગળ ભીડી દે છે, પણ અંતરનાં બારણાં તો ક્યારનાંય ઊઘડેલાં હતાં. નવોઢા જેવી કાચી કુંવારી રાત ને દિલના દરવાજા ઉઘાડા કરી નાખે એવું નવલોહિયું એકાંત. પછી તો ઓરડાના અંધકારમાં તડપતાં તન એકમેકમાં ઓગળવા લાગ્યાં. ભોગળ ભીડાયાનો ખખડાટ સાંભળી પાછળ પગલાં દબાવીને ઊભેલાં બાજીરાજબા ચોંકી ગયાં. એક વડારણ સાથે આવી લીલા? રાજપૂતાણીનું લોહી ઊકળી ઊઠ્યું. અંગઅંગમાં જાણે જ્વાળા ભભૂકી ઊઠી. રહેવાય કે સહેવાય એમ નહોતું: `ઠાકોરસાહેબ, એક મ્યાનમાં બે તલવાર?' સામે કોઈ જવાબ નહોતો. બાજીરાજબાએ છાતી પર પથ્થર રાખીને છેવટનું કહ્યું'તું: `રજપૂતાણીઓ ભલે શોક્યથી ટેવાયેલીઓ હોય, પણ મારાથી આ સહન નહીં થાય.' દાંતી ભીંસીને કહેલું: `મારી દાસી, મારી શોક્ય!' તેમણે કાયમના માટે પિયર પાલિતાણાની વાટ પકડી.

મણિ મોરબીના રાજમાં રહી ગઇ ને બાજીરાજબા કાયમના માટે ચાલ્યાં ગયાં. સ્થિતિ કફોડી હતી. સરળતાથી મારગ સૂઝે એવો નહોતો. વળી, ઠાકોરસાહેબ મણિને રખાત તરીકે રાખવા માગતા ન હતા. પ્રેમને સન્માન આપવા તેની સાથે કાયદેસર લગ્ન કર્યાં. રાજની રાણી બનાવી. પ્રથમ નજરે જે પ્રેમ પ્રગટ્યો હતો એટલો જ પ્રેમ જીવનના છેલ્લા શ્વાસ લગી અખંડ ને અકબંધ રહ્યો, પણ વખતને વાતું રાખવી હોય એમ મણિને અસાધ્ય રોગ લાગુ પડ્યો. હકીમ કરીમની કરામત કારગત નીવડી નહીં ને છેવટે ઠાકોરસાહેબના ખોળામાં જ મણિએ અંતિમ શ્વાસ લીધા. પછી તેની યાદમાં મંદિર બંધાવ્યું. તે આઝાદી પછી `મણિમંદિર' તરીકે ઓળખાવા લાગ્યું, જે પવિત્ર પ્રેમની યાદ અપાવતું આજેય અડીખમ ઊભું છે.