લીલીપુટમાં માણસ કદાવર લાગતો. ગેન્ટુઆમાં માણસ વેંતીયો થઇ જાય છે


આપણે જ્યાં રહીએ છીએ તે ધરતીથી ઉપર જુઓ. શું દેખાય છે? આકાશ. આ ધરતી અને પેલા આકાશની વચ્ચે જમીન આવેલી છે. જ્યાં કદાવર જાયન્ટ શેતાનો રહે છે. જાયન્ટ શેતાનોની તે દુનિયા અલગ છે. તે વિકરાળ જાયન્ટ્સ એક જમાનામાં નીચે ધરતી ઉપર આવીને સામાન્ય માણસો ઉપર હુમલો કરતા. ત્યારે શેતાનોની આકાશી જમીન અને આપણી ધરતી વચ્ચે આવવા જવાનો રસ્તો હતો. ઘણા સમયથી તે રસ્તો અસ્તિત્વમાં નથી. માટે માણસોને તે જાયન્ટ્સનો ભય નથી. તે મહાકાય શેતાનોનો રાજા કોણ? જેની પાસે ચમકતો ગોલ્ડન મુગટ હોય તે જ જાયન્ટો ઉપર હુકમ ચલાવી શકે. પણ તે મુગટ ક્યાં છે? સદીઓ પહેલાં તે મુગટને કોઈ અજાણી જગ્યાએ ભંડારી દેવામાં આવ્યો છે. માટે આકાશી ધરતી ઉપર વસવાટ કરતા જાયન્ટ્સનું સામ્રાજ્ય રાજાહીન છે. તે રાજ્યનું નામ છે ગેન્ટુઆ. જાયન્ટ્સ ઓફ્ ગેન્ટુઆ તરીકે ઓળખાતા એ કદાવર રાક્ષસો ખૂબ શક્તિશાળી છે, ક્રૂર છે અને મૂરખ પણ છે. માણસોના દુશ્મન એવા આ જાયન્ટ્સ વર્ષોથી ધરતી ઉપર આવી શક્યા નથી, પરંતુ માણસે જો તેની દુનિયામાં પહોંચવું હોય તો?

કેવી લાગી વાર્તા? સાંભળતાં સાંભળતાં બાળકોની આંખોને એકધારી ખુલ્લી રાખી દે અને જ્યારે આ વાર્તા વિશે વિચારવાનું ચાલુ કરે ત્યારે જાયન્ટ્સના વિચારોમાં એ બાળકોને ઘસઘસાટ ઊંઘ આવી જાય એવી મજાની ફેરી ટેલ. પરીકથા જેવી જ જાયન્ટ કથા જેમાં માણસ કરતાં વીસ ગણી ઊંચાઈ ધરાવતા જાયન્ટ્સ રહે છે. ગુલીવર ટ્રાવેલ્સનું એકદમ ઓપોઝિટ. લીલીપુટ એ વેંતીયાઓનો દેશ હતો જેમાં માણસ કદાવર લાગતો. ગેન્ટુઆમાં માણસ વેંતીયો થઇ જાય છે. સાઈઝનો કન્સેપ્ટ તો જૂનો છે પણ વાર્તાની કથનરીતિ આગવી હોય તો કહાનીને ફ્રેશ ફ્લેવર મળે. બાળવાર્તાની સફ્ળતા એ જ બાબતમાં છે જો તેને ભાવક તરીકે બાળકોની સાથે મોટેરાઓ મળે. જેક ધ જાયન્ટ સ્લેયર 2013માં આવેલી એક ફેન્ટેસી એડવેન્ચર ફ્લ્મિ છે.

જેક ધ જાયન્ટ સ્લેયરમાં ઊંચા ધોધ છે, જુદા જુદા વોટરબોડી છે, રાજા-રજવાડાંનો સમય છે. વામન જેવા દેખાતા મનુષ્યો અને જાયન્ટ્સ વચ્ચે ભીષણ સંગ્રામ પણ છે. સાથે સાથે લવસ્ટોરી છે. જિદ્દી અને અકડું બાપ જે રાજ્યનો રાજા છે તેની બહાદુર રાજકુમારી છે. એક સામાન્ય છોકરો છે. રાજાનો વફદાર સેનાપતિ છે. રાજાને દગો આપે એવો એનો વિશ્વાસુ સલાહકાર છે. જુદાં જુદાં પાત્રો છે. કોમેડી છે. એડવેન્ચર છે. ડ્રામા છે. સાવ નવી જ દુનિયાના વિઝયુઅલ્સ છે. ટીનેજર અને બાળકો માટે તો ફુલ ઓન એન્ટરટેઈનમેન્ટ છે. પુખ્ત વયનું ઑડિયન્સ પણ એન્જોય કરે એવી ગ્રીપિંગ ફ્લ્મિ છે. ઓવરઓલ હલકીફૂલકી હળવી વાર્તા.

ઉપર આપણે જે વાર્તા વાંચી એ તો આ ફ્લ્મિની શરૂઆતની પાંચ મિનિટમાં જ આવી જાય છે. ક્લોઇસ્ટર નામના રાજ્યમાં એક ગરીબ ઘરમાં એક નાનકડા છોકરાને રાતે ઊંઘવાના સમયે આ બેડ ટાઈમ સ્ટોરી કહેવામાં આવે છે. તેની સાથે જ રાજમહેલમાં નાનકડી રાજકુમારીને આ જ વાર્તા સંભળાવવામાં આવે છે. તે બંને બાળકોને જાયન્ટની દુનિયાની આ વાર્તા ફરી ફરીને સાંભળવી બહુ ગમે છે. થોડાં વર્ષો પછી તે બંને યુવાન થાય છે. છોકરાનું નામ જેક અને રાજકુમારીનું નામ ઈઝાબેલ. જેકને કોઈ રીતે એક સાધુ પેલાં ચમત્કારી બીજ આપે છે. એમાંથી એક બીજ ભૂલથી તેની ઝૂંપડીમાં પડી ગયું તે જ રાતે વરસાદ પડયો. વરસાદમાં રાજકુમારીએ આ જેકના કાચા ઘરમાં આશરો લીધો. વરસાદનું પાણી પેલા બીજને અડયું એવું તરત તેમાંથી અંકુર ફૂટયો. જોતજોતામાં તે ઝૂંપડી ફડીને તે બીજ ગગનચુંબી વટવૃક્ષમાં પરિવર્તિત થઇ ગયું. તેની ડાળીઓએ જ રહી જવાના કારણે ઈઝાબેલ છેક ઉપર સુધી પહોંચી ગઈ. ઈઝાબેલને બચાવવા માટે રાજા સશસ્ત્ર ટુકડી મોકલે છે. જેકને પણ ઉપર જવા માટે પરવાનગી મળે છે.

જેક, રાજાનો સેનાપતિ એલ્મોન્ટ અને રાજાનો ખાસ વિશ્વાસુ રોડ્રિક જેની સાથે ઇઝાબેલે અનિચ્છાએ પણ લગ્ન કરવાનાં હતાં તે ગેન્ટુઆમાં પહોંચી ગયા. ડોકને પાછળની સાઈડ નેવું ડીગ્રીએ ઊંચી કરવી પડે એવા જાયન્ટ્સનો ભેટો થયો. વિશ્વાસુ રોડ્રિક દગાખોર નીકળ્યો. તેની પાસે મેજિકલ મુગટ હતો. તેણે જાયન્ટ્સને પોતાના વશમાં કરી લીધા. બધા જાયન્ટ્સ ધરતી ઉપર આવે અને મનુષ્યોને ખતમ કરી નાખે એવું કાવતરું રચાયું. નીચે રાજાએ પેલું ઝાડ તોડી નાખવાનો હુકમ આપ્યો જેથી કોઈ જાયન્ટ નીચે આવી ન શકે અને માનવજાત જોખમમાં ન મુકાય. ઉપર રાજકુમારી છે અને જેક છે. હવે શું? આવી ફ્લ્મિો વિવેચનથી પરે હોઈ શકે એવું હજુય કહી શકાય. પ્રોપેગેન્ડા ફ્લ્મિો કે જે પુખ્તવયના ઑડિયન્સ માટે બની છે તેને તો રિવ્યૂથી પર ન કહી શકાયને.


  • Follow us on: