ગુજરાત હાઉસિંગ સોસાયટી'ના રહીશોની વાર્ષિક સામાન્ય સભા પૂરી થઈ. બધા `હા હી હી હી' કરતાં એકબીજાને ધબ્બા મારતાં ઘરે જવા માંડ્યા, પણ સોસાયટીના ચેરમેન અને બીજા દસેક `બાહુક' ત્યાં જ બેસી રહ્યા હતા. ચેરમેન ભાર્ગવ ઉર્ફે ભગાએ ઘરે જઈ રહેલા ડૉક્ટર રાજને રોક્યા અને બેસવા કહ્યું.
બધા જતા રહ્યા એટલે ચેરમેન ભગાએ ધીમા અને વિચિત્ર અવાજે વાત શરૂ કરી, `ડૉક્ટર રાજ અમારે તમારું ખાસ કામ છે.' ડૉક્ટર રાજે કન્ફ્યૂઝ થઈને પૂછ્યું, `આ `અમારે' એટલે કોને?' ભગો બોલ્યો `અમારે એટલે આ અહીંયાં જે દસેક જણા બેઠા છે એમને ખાસ કામ છે રાજભ'ઈ.' સામટા દસ જણાને એક ડૉક્ટરનું કામ પડે એ સાંભળી ડૉ. રાજને નવાઈ લાગી.
ડૉક્ટરે ગંભીર મોઢું રાખીને પૂછ્યું, `બોલો, શું કામ છે?' ભગો ભેદી અવાજમાં બોલ્યો, `ડૉક્ટરસાહેબ, આ અહીં બેઠેલા અમે દસ જણાએ મોજ-મજા કરવા માટે `જલસા ગ્રૂપ' બનાવ્યું છે એમાં અમે ભેગા થઈ આનંદ કરીએ છીએ. ઉત્તરાયણ, હોળી, દિવાળી, નવરાત્રિ જેવા તહેવાર ભેગા થઈને ઊજવીએ છીએ.'
`મૂળ વાત' શું છે એ પકડાતું નહોતું એટલે ડૉક્ટર રાજે `સરસ, સરસ' એટલું જ કહ્યું. ભગાએ આગળ કહ્યું, `આ વખતે અમે 31 ડિસેમ્બરે ન્યૂ યર ઇવ પાર્ટી કરવા માગીએ છીએ.' ડૉક્ટરે શાંતિથી કહ્યું, `એમ? તો પાર્ટી કરોને? વાંધો શું છે?'
ખુરશી નજીક ખેંચતાં ભગો બોલ્યો, `વાંધો એ છે ડૉક્ટરસાહેબ કે અમે લોકોએ આજ સુધી ક્યારેય થર્ટી ફર્સ્ટની પાર્ટી કરી નથી. જોકે, ફિલ્મોમાં અને ટીવી સિરિયલ્સમાં અમે આવી ઘણી બધી પાર્ટીઓ જોઈ છે એટલે થર્ટી ફર્સ્ટની પાર્ટીઓમાં શું શું થતું હોય છે એની અમને પાક્કી ખબર છે.' ડૉક્ટરે હસવું રોકીને પૂછ્યું, `એમ? શું શું થતું હોય છે?' ભગાએ દબાયેલા અવાજે કહ્યું, `મ્યુઝિક, ડાન્સ અને ડ્રિંક્સ.' ડૉક્ટરે કહ્યું, `યસ, એવી પાર્ટીમાં મ્યુઝિક, ડાન્સ અને ડ્રિંક્સ તો હોય જ છે, પણ તમારે લોકોને એવી પાર્ટી કરવી છે?' ભગાએ મક્કમતાથી, `હા, અમારે આવી જ પાર્ટી કરવી છે.' ડૉક્ટર રાજે ઠંડકથી કહ્યું, `સારું, તો કરો પાર્ટી.' ભગાએ ગંભીરતાથી કહ્યું, `પણ અમે ક્યારેય આવી પાર્ટી કરી નથી એટલે મેઇન વસ્તુ યાને કિ વ્હિસ્કી ક્યાંથી લાવવી એ ખબર નથી. અમને ખબર છે કે તમારી પાસે દારૂની પરમિટ છે, તો તમે પાર્ટી માટે દારૂ પૂરો પાડશો?' ડૉક્ટર વિચાર કરતા'તા ત્યાં જ ભગાએ ચિંતાતુર અવાજે કહ્યું, `અને સાહેબ, અમારી પાસે પાર્ટી માટે પ્રોપર જગ્યા પણ નથી. અમને ખબર છે કે હાઇવે પાસે તમારું ફાર્મહાઉસ છે, તો તમે એ જગ્યાએ પાર્ટી કરવા દેશો?'
ડૉક્ટર `જલસા ગ્રૂપ'નો ઇરાદો સમજી ગયા, પણ કંઈ જવાબ આપે એ પહેલાં ભગાએ ડૉક્ટરને જોરથી ધબ્બો મારીને કહ્યું, `હવે બહુ વિચાર ન કરો સાહેબ, અમે પહેલીવહેલી વાર આવી પાર્ટી કરી રહ્યા છીએ એટલે હા પાડી દો યાર, પ્લીઝ.' આ સાંભળી ડૉક્ટર શાંત બેસી રહ્યા. પછી ડૉક્ટર રાજની આંખોમાં `એક પ્રકારની તોફાની ચમક' આવી અને જાહેર કર્યું, `ઓકે, પાર્ટી માટે વ્હિસ્કી અને જગ્યા હું ગોઠવી આપીશ.' ખુશ થઈ ભગો ઊભો થયો અને મોટેથી બોલ્યો, `બોલો ડૉક્ટર રાજની...' જલસા ગ્રૂપ બોલ્યું, `જય'.
અને પછી થર્ટી ફર્સ્ટની ચડતી રાતે ડૉક્ટરના ફાર્મહાઉસની લોનમાં ડ્રિંક્સની શરૂઆત થઈ. ડૉક્ટરે એક `ગુડ હોસ્ટ'ની જેમ સારામાં સારી વ્હિસ્કીની બોટલો લાવી રાખી'તી. સાથે બાઇટિંગનાં પેકેટો મૂક્યાં હતાં. ડૉક્ટર રાજ જાતે-પોતે `પેગ' બનાવીને બધાને આપતા હતા, પણ દરેકને વારે વારે, રિપીટ કરી કરીને કહેતા હતા, `મિત્રો, એકદમ શાંતિથી પીજો, આ તમારો પહેલો અનુભવ છે, એટલે જો ફટાફટ વ્હિસ્કીના `શોટ' મારવા માંડશો તો ચઢી જશે.' પણ જલસા ગ્રૂપ મસ્તીમાં આવી ગયું'તું. પહેલી વાર પીવા મળ્યું હતું એટલે બધા `દે ધનાધન' પેગ પર પેગ ઠોકવા માંડ્યા'તા. સાથે મ્યુઝિક વાગતું'તું. બધા જંગલી ચિચિયારીઓ પાડી નાચવા માંડ્યા હતા. ડૉક્ટર બધાયને પકડી પકડીને કહેતા હતા, `ભઈ, તને ચડી ગઈ છે, તું ધ્યાન રાખ.' પણ જલસા ગ્રૂપવાળા મોટેથી બોલતા'તા, `ચડતી હૈ તો ચડને દો, હમકો મસ્તી કરને દો.' બધાય ગાંડાની જેમ ગીતો ગાતા નાચવા, કૂદવા, પડવા માંડ્યા. કોઈ બૂમો પાડતું'તું, કોઈ ઇમોશનલ બની રડતું'તું. કોઈ શર્ટ કાઢી ઉઘાડા ડિલે આદિવાસી ડાન્સ કરતું. ટૂંકમાં, બધાયને ચડી ગઈ'તી. બધા જ ઢીંગલી બની ગયા'તા. ત્યાં જ પોલીસે રેડ પાડી.
ફાર્મહાઉસમાં સન્નાટો થઈ ગયો. જલસા ગ્રૂપ સ્તબ્ધ થઈ ગયું, પણ ડૉક્ટર રાજે શાંતિથી ઇન્સ્પેક્ટર પાસે જઈને કંઈ વાત કરી. ઇન્સ્પેક્ટર ટેબલ પાસે ગયા બાટલીઓ ચેક કરી અને હસ્યા. પછી ડૉક્ટર સાથે હાથ મિલાવી, હવાલદારોને લઈ ત્યાંથી જતા રહ્યા. ડૉક્ટરે મોટેથી જાહેર કર્યું, `પાર્ટી ચાલુ રાખો' અને પાર્ટી ફરી ચાલુ થઈ ગઈ.
ફાર્મહાઉસની બહાર જીપમાં હવાલદારે ઇન્સ્પેક્ટરને પૂછ્યું, `હેં સાહેબ, રેડમાં આપણે એ બધાયને કેમ જવા દીધા?' સાહેબ હસીને બોલ્યા, `કેમ કે ત્યાં દારૂ હતો જ નહીં. બાટલીઓમાં શરબત હતું. ડૉક્ટરે રાજે `ચડી જશે, ચડી જશે' એવું કહી બધાયને શરબત પાયું હતું. એ વાતની બધા પર એટલી બધી સાયકોલોજિકલ અસર થઈ કે એમને શરબત પણ ચડી ગયું'તું.' આ સાંભળી પોલીસ પાર્ટીમાં હસવાનું ચાલ્યું અને જલસા ગ્રૂપમાં `શરબતી ડ્રિંક્સ' ચાલ્યું.
