• જીવન શું છે એની ચર્ચા ગંભીર દાર્શનિકોએ જ નહીં, સંગીન શાયરોએ પણ ખૂબ કરી છે

ગયા લેખમાં આપણે આ શેર પર અટકેલાઃ

મૌત કા ભી ઇલાજ હો શાયદ

ઝિંદગી કા કોઈ ઈલાજ નહીં

જિંદગી વિશેનાં ગીતો, શેરો ખૂબ લખાયાં છે. હિન્દી ફિલ્મોમાં તો ગીતની શરૂઆત જ જિંદગી શબ્દથી શરૂ થતી હોય એવાં યાદગાર ગીતો અનેક છે. યાદ કરવા બેસીએ તો આવાં અનેક ગીતો યાદ આવે. જેમ કે:

ઝિંદગી કૈસી હૈ પહેલી હાય, કભી તો હંસાયે, કભી યે રુલાયે. ફિલ્મઃ આનંદ, ગીતકારઃ યોગેશ, સંગીતકારઃ સલીલ ચૌધરી, ગાયકઃ મન્ના ડે.

ઝિંદગી એક સફર હૈ સુહાના, યહાં કલ ક્યા હો કિસને જાના. ફિલ્મઃ અંદાઝ, ગીતકારઃ હસરત જયપુરી, સંગીતકારઃ શંકર-જયકિસન, ગાયકઃ કિશોર કુમાર.

ઝિંદગી કા સફર હૈ યે કૈસા સફર, કોઈ સમઝા નહીં કોઈ જાના નહીં. ફિલ્મઃ સફર, ગીતકારઃ ઇન્દીવર, સંગીતકારઃ કલ્યાણજી-આણંદજી, ગાયકઃ કિશોર કુમાર.

ઝિંદગી હંસને ગાને કે લિએ હૈ પલ દો પલ. ફિલ્મઃ ઝમીર, ગીતકારઃ સાહિર, સંગીતકારઃ સપન ચક્રવર્તી, ગાયકઃ કિશોર કુમાર.

ઝિંદગી કે સફર મેં ગુઝર જાતે હૈ જો મકામ. ફિલ્મઃ આપ કી કસમ, ગીતકારઃ આનંદ બક્ષી, સંગીતકારઃ આર. ડી. બર્મન. ગાયકઃ કિશોર કુમાર.

આ લાંબી યાદીને તમે તમારી રીતે લંબાવી જુઓ. મજા આવશે.

આ ગીતો જિંદગી વિશેનાં છે એટલે સ્વાભાવિક છે કે એ થોડાં ફિલોસોફિકલ છે. અને આ ગીતો ફિલ્મોનાં છે એટલે એમાં જે ફિલોસોફી છે તે બહોળા પ્રેક્ષકવર્ગને ધ્યાનમાં રાખીને કહેવાયેલી સાદી, સમજી શકાય તેવી ફિલોસોફી છે. મૂળભૂત રીતે એ સીધાંસાદાં ગીતો છે, સિવાય કે પેલું સાહિરવાળું ગીતઃ ઝિંદગી હંસને ગાને કે લિએ હૈ પલ દો પલ... આ ગીતનું મુખડું સાવ સાદું છે, પણ અંદરના અંતરા જરા ખેપાની છે. જેમ કે, એ ગીતમાં કહેવાયું છે કે જહાં સચ ન ચલે વહાં ઝૂઠ સહી, જહાં હક ન મિલે વહાં લૂટ સહીં. મતલબ સાફ અને આકરો છેઃ જ્યાં સાચું ન ચાલે, ત્યાં જૂઠું સાચું, જ્યાં હક ન મળે ત્યાં લૂંટ સાચી. એટલું જ નહીં, કવિ ગીતમાં એક પ્રેક્ટિકલ છતાં ઊંચી વાત કહે છેઃ તેરે ગિરને મેં ભી તેરી હાર નહીં, કી તૂ આદમી હૈ અવતાર નહીં. તું પડી જાય, તારી ભૂલ થાય, તારું પતન થાય તો પણ એ તારી હાર નથી, કારણ કે છેવટે તો તું માણસ છે, તું કોઈ અવતાર નથી. ટૂંકમાં, જિંદગી હસવા-ગાવા માટે મોજમજા માટે છે. સબ ચલતા હૈ. બસ ખુશ રહને કા. ખુશી કે લિએ જીને કા. ઝ્યાદા પરેશાન હોને કા નહીં.

જિંદગી વિશેના આવા, જે એક રીતે સાદા લાગે, પણ બીજી રીતે નિરાળા હોય, જેમાં એક સ્પાર્ક-ચમકારો હોય એવા કેટલાક શેર વિશે વાત કરીએ. શરૂઆત કરીએ હફીઝ બનારસીના આ શેરથીઃ

ઇક સીતા કી રિફાકત હૈ

તો સબ કુછ પાસ હૈ

ઝિંદગી કહતે હૈ જિસ કો,

 રામ કા બન-બાસ હૈ

રિફાકત એટલે સંગાથ. કવિ કહે છે કે આ તો સીતાજીનો સંગાથ છે એટલે બધું ચાલી જાય છે, બાકી તો આપણે જેને જિંદગી કહીએ છીએ એ રામના ચૌદ વર્ષના વનવાસ જેવી જ છે. જીવનસંગ્રામમાં લડવા માટે એક મહત્ત્વનું શસ્ત્ર આ છેઃ સારો સંગાથ. જે આપણને ગમે, જેને આપણે ગમતા હોઈએ એનો સંગાથ મળવો એ જીવનનો એક બહુ મોટો આશીર્વાદ છે. પ્રેમના જોરે જીવન ટકે છે. જીવનની ગાડીમાં પ્રેમ ઈંધણ (પેટ્રોલ-ડીઝલ-ગેસ) છે. એના વિના ગાડી ન ચાલે.

વીસમી સદીના એક માતબર અને લોકપ્રિય શાયર જૌન એલિયાનો એક શેર છેઃ

ઝિંદગી કિસ તરહ બસર હોગી

દિલ નહીં લગ રહા મહોબ્બત મેં

કવિ અહીં ચિંતા વ્યક્ત કરે છે કે હવે તો મહોબ્બતમાં પણ રસ નથી પડતો. તો પછી હવે જીવવું કઈ રીતે?

અલબત્ત, શેરનો સીધો ઈશારો તો સ્ત્રી-પુરુષ વચ્ચેની મહોબ્બત તરફ જ છે, પરંતુ મહોબ્બત એકદમ વ્યાપક ચીજ છે. એ મહોબ્બત વિજાતીય પાત્ર ઉપરાંત સંતાનો, પૈસા, ખ્યાતિ વગેરે અનેક બાબતો પ્રત્યે જાગી શકે. આમાંની એકેય વાતમાં દિલ ન લાગવું એ અલ્ટિમેટ બુઢાપો છે. કશી જ વાતમાં, કોઈ પણ વ્યક્તિમાં રસ ન પડે એ લેવલનો થાક-કંટાળો કામચલાઉ હોય અને ડિપ્રેશનની ગોળીઓ લેવાથી મટી જતો હોય ત્યાં સુધી ઠીક છે, પરંતુ આવો થાક માણસના હાડમાં-મનમાં કાયમી ધોરણે ઘર કરી જાય તો પછી જીવનમાં મરવા સિવાયનું બીજું કોઈ કામ બચતું નથી.

જેના પ્રત્યે આપણને લાગણી હોય, જેમાં આપણને ખૂબ જ રસ પડતો હોય એવું કંઈક તો જોઈએ. આ વાતને ગુજરાતના રિક્ષાવાળા પોતાના વાહનની પાછળ બે શબ્દોના સૂત્રરૂપે લખાવતા હોય છેઃ મોબત ખપે. મોબત એટલે મહોબ્બત. પણ મહોબ્બત એટલે શું? જવાબ સહેલો છેઃ આઈ લવ...આ વાક્યના અંતે તમને જે મૂકવાનું મન થાય એ છે તમારી મહોબ્બત. જેમ કે, આઈ લવ યૂ...આઈ લવ માય કન્ટ્રી... આઈ લવ મની... આઈ લવ ફેમ (પ્રસિદ્ધિ)... કે ઈવન આઈ લવ મોક્ષ-નિર્વાણ... કશાકની ઉત્કટ ચાહના, ઝંખના માણસને દોડતો રાખે. મોટા ભાગના કિસ્સાઓમાં રાજકારણીઓ સિત્તેર અને ઇવન એંશીની ઉંમર વટાવ્યા પછી પણ જીવિત રહે છે, સમાચારોમાં રહે છે, સક્રિય રહે છે, જોશમાં રહે છે. આનું એક મહત્ત્વનું કારણ આ હોઈ શકેઃ મહોબ્બત. સત્તા પ્રત્યેની તીવ્ર મહોબ્બત. એ પ્રેમ એમને જીવતા રાખે છે, જોશમાં રાખે છે.

આવામાં, જેના પ્રત્યે આપણને મહોબ્બત હોય એવું કશું હોય જ નહીં જીવનમાં, અગર દિલ નહીં લગ રહા મહોબ્બત મેં, તો પછી શાયર જૌન એલિયાનો સવાલ વાજબી છેઃ ઝિંદગી કિસ તરહ બસર હોગી? ટાઈમ કેમ કાઢવો? કરવાનું શું?


  • Follow us on: