• જયા વર્મા ચાર વર્ષ સુધી બાંગ્લાદેશના ઢાકામાં ભારતીય રેલવે સલાહકાર તરીકે પણ કામ કરી ચૂક્યાં છે

પુરુષો આધિપત્ય ધરાવતા હોય એ ક્ષેત્રમાં પગપેસારો કરીને પોતાની કાબેલિયત સિદ્ધ કરવી એ એક મહિલા માટે કોઈ નાનીસૂની વાત નથી, પથ્થરમાંથી પાણી કાઢવા જેટલું અઘરું કામ છે. સાયન્સ હોય કે પોલિટિક્સ એવાં ઘણાંબધાં ક્ષેત્ર છે જ્યાં મહિલાઓએ પ્રથમ વખત ઉચ્ચ પદ સંભાળીને પોતાની આવડત બતાવી છે. એમાં રેલવેનો પણ સમાવેશ કરી શકાય. એક સમય એવો હતો જ્યારે રેલવેમાં આંગળીને વેઢે ગણી શકાય એટલી મહિલા કર્મચારીઓ જોવા મળતી હતી. આજે રેલવેમાં હજારો મહિલા કાર્યરત છે.

ભારતીય રેલવેને આમ જોવા જઇએ તો સો વર્ષ પૂર્ણ થઇ ચૂક્યાં છે. આટલાં વર્ષોમાં પહેલી વખત એવું થયું છે કે બોર્ડના અધ્યક્ષપદ પર કોઇ મહિલાને નિયુક્ત કરવામાં આવી છે. એમનું નામ જયા વર્મા સિન્હા છે. ભારતીય રેલવે બોર્ડે પહેલી વખત કોઈ મહિલાના હાથમાં રેલવે બોર્ડની કમાન સોંપી છે. એક મહિલા તરીકે આ પદને સંભાળવું લોઢાના ચણા ચાવવા જેટલું અઘરું છે. તેમ છતાં ત્રણ દાયકાથી વધારે સમયથી રેલવેમાં કરેલી તેમની કામગીરી અને આવડતને જોતાં આ જવાબદારી જયા વર્માને આપવામાં આવી છે.

જયા વર્મા સિન્હાનો સંગમ નગરી સાથે ગાઢ સંબંધ રહ્યો છે. પ્રયાગરાજમાં જયાબહેનનો જન્મ થયો હતો. સ્કૂલના અભ્યાસથી માંડી સ્નાતક અને માસ્ટર સુધીનો અભ્યાસ પ્રયાગરાજમાં જ કર્યો હતાં. તેમના પિતા વી.બી. વર્મા સીએજી ઓફિસમાં ક્લાસ વન ઓફિસર હતા. તેમના મોટા ભાઈ જયદીપ વર્મા પણ યૂપી રોડવેઝમાં ક્લાસ વન ઓફિસર હતા. શિક્ષિત પરિવારમાં ઉછરેલી જયા નાનપણથી ભણવામાં હોશિયાર હતી. સ્કૂલનો અભ્યાસ સેન્ટ મેરી કૉન્વેન્ટ ઇન્ટર કૉલેજથી પૂર્ણ કર્યો. આગળનો અભ્યાસ અલાહાબાદ વિશ્વવિદ્યાલયમાં કર્યો. તેમણે મનોવિજ્ઞાનમાં માસ્ટર કર્યું હતું.

સિવિલ સેવા પરીક્ષા 1986 દ્વારા જયા વર્માએ સિવિલ સેવામાં પ્રવેશ કર્યો હતો. આ વાત તો ઘણાબધા લોકો જાણે છે પરંતુ તેમના વિશે બહુ ઓછા લોકો જાણે છે. વાત જાણે એમ છે કે જ્યારે સિવિલ સેવાનું ફાઇનલ રિઝલ્ટ આવ્યું ત્યારે જયા વર્માનો લિસ્ટ રેન્ક ઘણો ઉપર હતો. તેમને ભારતીય પોલીસદળ અને ભારતીય રાજ્ય સેવામાં સ્થાન મળતું હતું, પરંતુ જયા વર્માએ જાણે પહેલેથી રેલવેમાં નોકરી કરવાનું નક્કી કરી લીધું હતું. તેથી તેમણે ભારતીય રેલવેમાં નોકરી કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી અને તેમને ભારતીય રેલવે સેવામાં સ્થાન આપવામાં આવ્યું. જ્યારે જયા વર્માએ આઇઆરટીએસને પસંદ કર્યો હતો, તે વખતે સર્વિસમાં મહિલાઓ આંગળીના વેઢે ગણી શકાય એટલી જ હતી. જે મહિલાઓનો યૂપીએસસી એક્ઝામમાં સારો રેન્ક આવ્યો હોય એ આઇએએસ અને આઇપીએસ પછી ઇન્ડિયન રેવેન્યુ સર્વિસ કરવાનું પ્રીફર કરતી હતી. રેલવેમાં જ નોકરી કરવી હોય તો ઇન્ડિયન રેલવે એકાઉન્ટ સર્વિસ અથવા ઇન્ડિયન રેલવે પર્સનલ સર્વિસ પસંદ કરી લેતી હતી, કારણ કે આ બંને સર્વિસમાં ખાસ કંઈ ફિલ્ડ જોબ કરવાની હોતી નથી. ઓફિસમાં બેસીને જ કામ કરવાનું હોય છે. જ્યારે આઇઆરટીએસમાં તો ભરબપોરે ટ્રેક પર મોટર ટ્રોલીમાં ફરવું પડે છે. ટ્રેન ઓપરેશનમાં સવારે ચાર વાગ્યે જાગીને પોઝિશન સાચવવાની હોય છે. અનેક ડિપાર્ટમેન્ટ સાથે કો-ઓર્ડિનેશન કરવાનું હોય છે. આ કામ જયા વર્માએ કર્યું. આઇઆરટીએસની નોકરીમાં આવ્યા બાદ તેમણે બેઝિક ટ્રેનિંગ પૂર્ણ કરી. પછી તેમને ઉત્તર રેલવે અલાહાબાદ ડિવિઝનમાં પોસ્ટિંગ આપવામાં આવ્યું. પોતાની મહેનતના બળે તેઓ અલાહાબાદમાં ડિવિઝનલ હેડક્વાટરમાં ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર એટલે કે ડીસીએમ બની ગયાં.

જયા વર્માએ પોતે ભલે આઇપીએસની નોકરી ઠુકરાવી દીધી પણ જીવનસાથી આઇપીએસ અધિકારીને જ પસંદ કર્યો. વાત જાણે એમ છે કે તેમની બેચમાં નીરજ સિન્હા હતા. તેમની સાથેની કેમેસ્ટ્રી બહુ મળતી આવતી હતી. નીરજ સિન્હાને રેલવેની નોકરીમાં મજા નહોતી આવી રહી એટલે તેમણે ફરી યૂપીએસસીની પરીક્ષા આપી. તેમની મહેનત રંગ લાવી અને આઇપીએસમાં તેમનું સિલેક્શન થઇ ગયું. બસ, પછી બંને લગ્નના બંધનમાં બંધાઇ ગયાં, ત્યારથી બંને હમસફર બની ગયાં છે.

જયા વર્મા ચાર વર્ષ સુધી બાંગ્લાદેશના ઢાકામાં ભારતીય રેલવે સલાહકાર તરીકે પણ કામ કરી ચૂક્યાં છે. બાંગ્લાદેશમાં તેઓ કાર્યરત હતાં એ દરમિયાન કોલકાતાથી ઢાકા સુધીની મૈત્રી એક્સપ્રેસનું ઉદઘાટન કર્યું હતું. થોડા સમય પહેલાં બાલાસોરમાં થયેલી દુર્ઘટના દરમિયાન રેલવે તરફથી મીડિયા સાથે વાતચીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તથા જટિલ સિગ્નલ પ્રણાલી વિશે વિસ્તારથી સમજાવ્યું હતું. તેમણે પૂર્વ રેલવે, સિયાલદહ ડિવિઝનના મંડળ રેલ પ્રબંધકના રૂપમાં પણ કામ કર્યું હતું. હવે જયા વર્મા જે નવું સુકાન સંભાળી રહ્યાં છે એમાં સફળતા મળે એવી તેમને શુભકામના.

  • Follow us on: