શીર્ષક પંક્તિના શબ્દોને શબ્દશ: સ્વીકારવાની જરૂર નથી. કવિના શબ્દો છે. એ શબ્દોનું હાર્દ સમજવાનું હોય. કવિ તમને એવું નથી કહેતા કે તમારે ઝૂકી ઝૂકીને સલામ કરવાના વેવલાવેડા કરીને સૌને વહાલા થવાનું છે. આનંદ બક્ષીની આ પંક્તિનો ગર્ભિત અર્થ એ છે કે જિંદગીમાં આગળ વધવું હશે તો તમારે તમારી અકડ છોડવી પડશે. બધી વાતે ટણી નહીં રાખવાની. નાની નાની વાતમાં સ્વમાનનો ઈશ્યૂ નહીં લાવવાનો. હું જ એક ડાહ્યો ને તમે તો સૌ હજુ ઈંડાંમાંથી બહાર પણ નથી આવ્યા એવો સુપિરિયોરિટી કોમ્પ્લેક્સ તમારા જીવનમાં આવી રહેલી અનેક ઊજળી તકને બીજે ફંટાવી દેતી હોય છે.

અમારા ગામમાં દોઢસો-બસો વર્ષ પહેલાં થઈ ગયેલા એક શ્રીમંત વાણિયાની વાત સાંભળી હતી. આ શેઠે એ જમાનામાં પોતાની બંને દીકરીઓને ગ્રેજ્યુએટ સુધી ભણાવી, દીકરાઓને પણ ખૂબ ભણાવ્યા. એકને તો અભ્યાસ માટે છેક વિલાયત મોકલ્યો. મોટી દીકરીનાં લગ્ન ગોઠવાયાં. આ દીકરી આમ બહુ રૂપાળી, પરંતુ એના ચહેરા પર, શરીર પર સફેદ ડાઘ. કોઢને કારણે બુદ્ધુ જેવા સાવ સામાન્ય યુવક સાથે વિવાહ થયા હતા.

શ્રીમંત શેઠના મનમાં આ વાત ખૂંચ્યા કરે. એમની નજર બહુ ગરીબ કુટુંબના પણ અત્યંત તેજસ્વી યુવક પર પડી. જમાઈ આવો હોવો જોઈએ. દીકરીના વિવાહ તોડાવ્યા. સમાજમાં ઊહાપોહ થઈ ગયો. એ જમાનામાં આવું કરવું મોટું પાપ ગણાય. તેમને નાત બહાર મૂકવામાં આવે. શેઠે પરવા કર્યા વિના આ ગરીબ યુવાનનાં લગ્ન પોતાની દીકરી સાથે કરાવીને જમાઈને પોતાના દીકરા સાથે વિલાયત મોકલીને ખૂબ ભણાવ્યા. જમાઈ અવ્વલ નંબરે પરીક્ષામાં પાસ થતા.

આ બાજુ નાતનું પંચ મળ્યું. શેઠને નાત બહાર મૂકવામાં આવ્યા. બે ગુના એમના. એક તો દીકરીના વિવાહનો રૂપિયો પાછો ઠેલ્યો. બીજું, દીકરા-જમાઈને સમુદ્ર ઓળંગીને વિલાયત મોકલીને અભડાવ્યા. આવા `સમાજકંટક'નું નાતમાં સ્થાન કેવી રીતે હોય. નાતની પંચાયતે ઠરાવ કર્યો કે શેઠે જો નાતમાં પાછા આવવું હોય તો બે શરત માનવી પડશે. એક! મસમોટો દંડ જ્ઞાતિના મંડળમાં જમા કરાવવો અને બીજું, પંચની હાજરીમાં આખા ગામ વચ્ચે માફી માંગવાની.

એ જમાનામાં માફી કેવી રીતે માગવામાં આવતી? ઘૂંટણિયે વળીને જમીન પરની ધૂળમાં નાક ઘસીને લીટી તાણવાની અને મોંમાં ઘાસનું તરણું પકડીને સૌને શબ્દોમાં બોલ્યા વગર કહેવાનું કે હું તમારી ગાય છું. નાકલીટી તાણવી અને મોઢામાં તરણું લેવું એ બંને કહેવતો જ્યારે રૂઢિપ્રયોગ નહોતી, પણ નાતના નિયમો તરીકે અમલમાં મુકાતી તે જમાનાની આ વાત છે.

વાણિયા શેઠે આ બંને સજાઓ સ્વીકારી. દંડ તો ખુશી ખુશી ભરી લીધો. ખૂબ પૈસા હતા. થોડાક સમાજ માટે કામ આવે એથી રૂડું બીજું શું? અને મોંમાં ઘાસનું તણખલું લઈને ધૂળમાં નાકલીટી પણ તાણી. નાતે એમને પાછા લીધા. શેઠે સૌના માટે જમણવાર યોજ્યો. આખી નાતને જ નહીં, આખા ગામને ધુમાડાબંધ જમાડ્યું. ધુમાડાબંધ એટલે? એ દિવસે ગામનું એકેએક કુટુંબ જમવા આવે એટલે દરેકને ત્યાં ચૂલો સળગાવવાની માથાકૂટ નહીં. ગામમાં એ દિવસે ધુમાડો ન થાય. ધુમાડાબંધ શબ્દપ્રયોગ અહીંથી આવ્યો.

શું શીખ્યા આ દોઢ સદી પહેલાંના કિસ્સા પરથી? શેઠે `વાણિયાની મૂછ નીચી તો નીચી' કહેવતને ચરિતાર્થ કરી. દંડ ભર્યો, ટેમ્પરરી અપમાન સહન કર્યું, પણ છેવટે ધાર્યું કર્યું. દીકરી માટે સારો વર મેળવ્યો. દીકરા-જમાઈને વિલાયતમાં ભણાવવાની જીદ પૂરી કરી. વચ્ચેના થોડા ગાળા સિવાય ગામમાં પોતાની પ્રતિષ્ઠા અકબંધ રહી, મરતાં સુધી. એટલું જ નહીં શેઠના વંશ-વારસોને ત્રણ પેઢીઓ સુધી પ્રતિષ્ઠાના અજવાસમાં મહાલવાનો લહાવો મળ્યો. વાણિયાઓ મૂછ કદાચ એટલા માટે જ રાખતા હશે કે જરૂર પડે નીચી કરીને પણ પોતાનું ધાર્યું કરી શકે.

કોઈની જોડે અકડ નહીં રાખવી, ટણી નહીં રાખવી અને છતાં પોતાનું ધાર્યું કરવું એવા ગુણનું બીજ જો નાનપણથી જ તમારામાં રોપવામાં આવ્યું હશે અને તમે જો કિશોરાવસ્થામાં અને યુવાનીમાં એ છોડને જતનપૂર્વક ઉછેર્યો હશે તો મધ્ય વયે પહોંચતાં સુધીમાં એ વિશાળ વૃક્ષ બનીને તમને ફળ-ફૂલ-છાંયો બધું જ આપશે. જિંદગીની તડકી-છાંયડીમાં આવું વૃક્ષ બહુ કામ લાગે. તમારા કપરા સમયમાં તમને એકલા પડી જતાં બચાવે. હવે સમજાય છે તમને? કે આનંદ બક્ષીએ આ પંક્તિ લખી એના સો-સવાસો વર્ષ પહેલાં પેલા વાણિયા શેઠે આ શબ્દોને જીવનમાં ઉતાર્યા હતા, કારણ કે એમને ખબર હતી કે વર્ના યે દુનિયા જીને નહીં દેગી, ખાને નહીં દેગી, પીને નહીં દેગી.

પરીક્ષામાં આનંદ બક્ષીના આ ગીતનો `રસાસ્વાદ' કરવાનું કહેવામાં આવે તો તમે લખી શકો છો કે કવિ અહીં એમ કહેવા માગે છે કે સૌને ખુશ રાખીને પણ, કોઈની સામે પડ્યા વગર તમે તમારું ધાર્યું કરી શકો છો.

ખૂબ કામ કરવું, સતત કામ કરતા રહેવું, વધુ ને વધુ કામ કરતા રહેવું એ જીવનમાં ઝળહળતી સફળતા મેળવવાની પહેલી ચાવી છે. તમારું એ કામ ઊગી નીકળે, એનું ધાર્યું પરિણામ મળે, ઓછામાં ઓછાં વિઘ્નોનો સામનો કરવો પડે અને જ્યારે જ્યારે વિઘ્નો આવે, મુસીબતો આવે ત્યારે સૌ કોઈનો તમને સાથ મળે. મુસીબતના વખતમાં કોઈ પણ સાથીઓ મોં ફેરવીને તમને છોડી ન દે એ માટે આ પંક્તિનો ભાવાર્થ સમજીને એનું અમલીકરણ કરવું. હાથ છોડ સબ કો સલામ કર પ્યારે.

પણ કેટલીક વાર મગજ પર એટલી ચરબી ચડી ગઈ હોય કે માણસ તોરમાં ને તોરમાં વિચાર્યા કરે કે આપણને ક્યાં જરૂર જ છે સૌની સાથે લળી લળીને વાત કરવાની, સૌની હામાં હા પુરાવવાની. આપણે તો સ્વતંત્ર છીએ. આપણી મરજીના માલિક છીએ.

આવું વિચારતા થઈ જાઓ છો ત્યારે તમારા વર્તનમાં રૂક્ષતા આવે છે. આવી બેફિકરાઈ વખત જતાં બેજવાબદારીમાં પલટાઈ જાય છે અને તમે તોછડા અને તુમાખી થતા જાઓ છો.

પોતાનું કામ કઢાવવા માટે તમારી સાથે બનાવટી નમ્રતાથી વર્તતા લોકોની અહીં વાત નથી. તમારે એવા નથી થવાનું. તમારી આગળ મીઠું મીઠું બોલીને તમારો ફાયદો ઉઠાવનારાઓની પણ અહીં વાત નથી. તમારે એવા ઉઠાવગીર પણ નથી થવાનું. તમારી વર્તણૂકમાં બનાવટ નહીં, પણ સચ્ચાઈ છલકતી હોવી જોઈએ. બનાવટી વર્તનનો સહેજ પણ છાંટો હશે તો સામેવાળો

તરત તમને પકડી પાડશે. તમારા મોઢે નહીં કહે તો પણ મનમાં તો સમજશે જ કે આ માણસ બનાવટી છે, મતલબી છે. તમારા વર્તનમાં સચ્ચાઈ હશે, જેન્યુઈનનેસ હશે તો તમારી નિષ્ઠા સામેવાળા સુધી પહોંચવાની જ છે. એ લોકો કોઈ પણ ભોગે તમારી પડખે રહેશે.

એક મિસકન્સેશન છે મોટાભાગના લોકોમાં કે આપણે દુનિયામાં આપણી રીતે જીવવું હશે, આપણું ધાર્યું કરવું હશે તો બીજા લોકોને ઓફેન્ડ કરીને જ આગળ વધવું પડશે. એવું નથી, મારા ભાઈ. તમારું ધાર્યું કરવા માટે લોકોને તમારી સામે કરવાની જરૂર નથી. ઊલટાનું લોકો તમારી સાથે હશે તો તમને તમારું ધાર્યું કરવામાં ઓછાં વિઘ્નો આવશે. ખૂબ બધા લોકોની મદદ હશે તો તમને તમારી રીતે જીવવામાં કોઈ આડે નહીં આવે. બચ્ચનજીની એક ફિલ્મનો સંવાદ યાદ છે? તાકત લોગોં કો જોડને સે બનતી હૈ, ના કિ ઉન્હેં અપને ખિલાફ કરને સે.

તો સરકાર! આટલું બસ યાદ રાખજો.

સાયલન્સ પ્લીઝ!

એક પણ તૈયાર કેડી ના ગમી,

ત્યારથી યાત્રા શરૂ શાયદ થઈ.

 - હેમેન શાહ