શીર્ષકમાં જે વિધાન છે તે વિચિત્ર છે, કારણ કે તે `તમસો મા જ્યોતિર્ગમય'નું બિલકુલ ઓપોઝિટ છે. અંધકારમાંથી પ્રકાશ તરફ લઇ જવાની વાત આપણી સંસ્કૃતિ કરે છે. પ્રકાશ એટલે જ્ઞાનનો પ્રકાશ, મુક્તિનું રમ્ય પ્રભાત, સ્વતંત્રતાનો દિવ્ય ઉજાસ, આરપાર જોઈ શકવાની દૃષ્ટિ, ભવિષ્યનું અનુસંધાન મેળવી શકવાની દિવ્ય દૃષ્ટિ. પ્રકાશ અહીં સિમ્બોલિક છે, પણ પ્રકાશ એ પ્રકાશ પણ છે. તેજસ્વી કિરણોનો પુંજ જ્યારે એક બાજુને ઊજળી કરે ત્યારે તે દેખાતી થાય. પ્રકાશ દેખાતો નથી, પરંતુ પ્રકાશના લીધે બધું જોઈ શકીએ છીએ. જ્યારે અંધકાર દેખાય છે. અંધકારને જોઈ શકાય છે. પ્રકાશ અદૃશ્ય રહીને બધું દૃશ્યમાન બનાવે છે એ રીતે જોતાં પ્રકાશ પેસીવ છે અને અંધકાર એક્ટિવ. અંધકારનું પલડું ભારે છે. પ્રકાશની ગેરહાજરી અંધકાર લાવે છે. અંધકારની ગેરહાજરી પ્રકાશને જ લાવે છે શું?

આપણે પ્રકાશને ટેકન ફોર ગ્રાન્ટેડ સમજી લીધો છે. માનવજાતે સૂરજને ભાડે રાખ્યો હોય એવા એટિટ્યૂડમાં તે ફરી રહી છે. આ વર્ષે ચોમાસુ લંબાયું અને ઉઘાડ જલદી ન આવ્યો ત્યારે સૂર્યનું મહત્ત્વ સમજાય. નહીંતર કળશ ધરીને સૂર્યનારાયણને નમસ્કાર કરનારા સિવાયના કેટલા લોકો એની જિંદગીમાં સૂરજ સામે જુએ પણ છે? હિલ સ્ટેશને જઈને સનસેટ પોઈન્ટ ઉપર સેલ્ફી પડાવવા માટે અને સૂર્યને હાથમાં ઝાલ્યો હોય એવા ફોટો પડાવવા સિવાય સૂરજનું મહત્ત્વ ખાસ કશે નથી, ચોથા ધોરણના પર્યાવરણના પાઠ્યપુસ્તક સિવાય.

પ્રકાશ તો રહેવાનો જ ને. પ્રકાશ ક્યાં જશે? સાંજ પડશે તો લાઈટની સ્વિચ ચાલુ કરી દઈશું. થિયેટરમાં રાબેતા મુજબ મોડા પહોંચ્યા તો સેલફોનની ફ્લેશલાઈટ ચાલુ કરીને આખા ઓડિયન્સને હેરાન કરી નાખશું. આપણે ભરઊંઘમાં સૂતા હોઈશું અને કોઈ લાઈટ ચાલુ કરશે તો આંખ આડે હાથ રાખી દઈશું. પ્રકાશ તો હોય જ. એને રહેવું જ પડે. આ પ્રકારના નશામાં મોટાભાગના માણસો જીવે છે. પ્રકાશનું મહત્ત્વ વીજળી અને નાઈટ બલ્બની શોધ થઇ એ પહેલાં હતું. મુંબઈના રસ્તાઓ ઉપર તેલથી ચાલતા દીવાઓ સાંજે પ્રગટાવવા માટે અને સવારે બુઝાવવા માટે ઘોડાગાડીમાં કર્મચારીઓ નીકળતા. કોઈ એક જ ઘરમાં વીજળી આવી હોય તો એ ઘરને જોવા બહાર મેળો લાગતો. અગ્નિ અને સૂરજને દેવતા માનતી પ્રજા પ્રકાશને એટલું જ માન આપતી.

હવે પ્રકાશ ચવાઈ ગયો. પ્રકાશની વેલ્યૂ ન રહી. જ્યાં જોઈએ ત્યાં લાઈટ, મોબાઈલની સ્ક્રીનથી લઈને ચાર રસ્તે લાગેલાં હોર્ડિંગ સુધી ચમકતી દમકતી લાઈટો. દુકાનના પાટિયાથી લઈને વાહનોની હેડલાઈટ સુધી મસમોટી લાઈટો. બાળકો પણ એ જ વિચાર સાથે મોટા થાય છે કે પ્રકાશ તો હોય જ ને. જેમ હવા છે એમ પ્રકાશ હોય. પૂછો આંદામાન નિકોબારના પેલા સેન્ટીનેલીઝ ટાપુના રહેવાસીઓને. ડાંગ જિલ્લાના હાઈવેથી વીસ કિલોમીટર અંદર વસેલા એક ખોરડાના લોકોને. ભારતના અંતરિયાળ ગામના લોકોને. એ લોકો કહેશે, કે પ્રકાશ શું છે. પ્રકાશની વેલ્યૂ આવા લોકોને હજુ છે. અધૂરામાં પૂરું આવા લોકોને અંધારા માટે પણ માન છે.

અંધારું બહુ રસપ્રદ છે. દુનિયાની બહુ બધી રસપ્રદ ઘટનાઓ અંધારામાં બનતી હોય છે. પ્રજનન ક્રિયા સિવાય પણ અનેક રસપ્રચુર ઘટનાઓનો સાથી અંધકાર છે. સમસ્ત બ્રહ્માંડમાં અબજો ગુણ્યા અબજો તારાઓ પોતે સળગીને પ્રકાશ રેલાવી રહ્યા છે. છતાં પણ બ્રહ્માંડમાં અંધકારનું સામ્રાજ્ય યથાવત્ છે. પ્રકાશ અને અંધકાર વચ્ચેની રમત અબજો વર્ષથી ચાલતી આવે છે. જ્યારે કંઈ ન હતું તો શું હતું? કદાચ અંધકારનું સામ્રાજ્ય હતું. બ્રહ્માંડનું સર્જન બિગ બેંગ નામના ધડાકા સાથે થયું હોય તો ત્યારે અંધકારને ચીરતા પ્રકાશના સર્જનની ઘટના પહેલાં બની. પછી ઈલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, ક્વાર્ક ભેગા થયા અને જુદા જુદા અણુઓ બનવાનું ચાલુ થયું. ફોટોનના અગણિત શેરડાઓ અંધકારની આરાધના કરી રહ્યા છે. માણસને પરમાત્મા સાથે સાક્ષાત્કાર કરવા માટે આંખો બંધ કરવી પડે. ભગવાન પણ અંધકારનું શરણું પકડ્યા પછી મળે છે. દૈદીપ્યમાન પ્રકાશસ્ત્રોત સુધી પહોંચવા અંધકારની આંગળી ઝાલવી પડે છે.

અમદાવાદ આઈઆઈએમનું બિલ્ડિંગ અને ચંદીગઢ જેવાં શહેરોનું સર્જન કરનાર મહાન આર્કિટેક્ટ લ કોર્બુઝે એમના દરેક પ્લાનિંગમાં પ્રકાશને પહેલો પ્રેફરન્સ આપતા. સારો એન્જિનિયર અને ઉત્તમ આર્કિટેક્ટ એ જ કહેવાય કે જેની બનાવેલી ડિઝાઈનમાં સવાર વહેલી પડે અને સાંજ મોડી. ઘણી સેવાભાવી સંસ્થાઓની ઈમારતો માત્ર કુદરતી પ્રકાશ ઉપર કાર્યરત હોય છે. માણસના મૂડનો કેટલો બધો આધાર પ્રકાશ ઉપર રહે છે. થર્ડ ડિગ્રી ટોર્ચર આપતી વખતે પણ ચોક્કસ પ્રકાશ જોઈએ અને પોતાના લવ ઈન્ટરેસ્ટ સાથે ડિનર લેતી વખતે કેન્ડલ લાઈટનો પ્રકાશ જોઈએ. મીણબત્તી અજવાળા અને અંધારા બંનેને સરખો પ્રેમ કરતી હોય છે.

માણસો હજુ પણ રંગનું મહત્ત્વ સમજે છે, પણ પ્રકાશનું નહિ, પ્રકાશની દિશા, તીવ્રતા, તેનું તાપમાન અને તેના રંગનું નહિ. યોગ્ય પ્રકાશમાં ન રહેનારી વ્યક્તિની જિંદગીમાં સફળતા પણ યોગ્ય સમયે આવતી નથી.

પ્રકાશ અને અંધકારના ગણિતને સમજી જનારાનો બેડો પાર થઇ જતો હોય છે. આઈનસ્ટાઇન, ગાંધીજી, સત્યજિત રે, સલીમ અલી વગેરે. એક સમય હતો જ્યારે ચિત્રકલામાં કેરાવેજીયોએ પ્રકાશનું આધિપત્ય બધાને બતાવ્યું હતું

તડકા ઉપર ટાગોરે લખ્યું છે. એમ જ અંધકાર અત્યાર સુધી વગોવાયો છે, પણ એટલું યાદ રાખવું ઘટે કે અંધકાર છે તો પ્રકાશ છે. અંધકાર વિના એનું અસ્તિત્વ નથી. હેલોજનની સામે મીણબત્તીની વિસાત નથી, પણ પેલા ઝાડની ઉપર ટમટમતા આગિયા પણ આપણું ધ્યાન ખેંચી લે છે. અંધકાર પોતાની જાત સાથે સમય પસાર કરવામાં પ્રોત્સાહન આપે છે. અંધકાર એક ભેટ છે. નાનાં બાળકોને ચકચકિત વસ્તુઓ કેટલી બધી ગમતી હોય છે. એમાંથી કોઈ એક બાળક મોટું થાય અને કાળાં કામ કરે તો એ અંધકારમાં રહેવાનું પસંદ કરશે. બાળક માંના ગર્ભમાં હોય ત્યારે એને કેટલું દેખાતું હશે? લગભગ અંધકારમાં નવ મહિના ગુજાર્યા પછી અચાનક આંખે પડતો પ્રકાશ શું એના માટે વાજબી છે? પ્રકાશ ન્યાય કરે છે કે અન્યાય? દિવ્ય દૃષ્ટિ કઈ રીતે પ્રાપ્ત થાય? અંધકાર અને પ્રકાશની આ જોડી ભગવાન તોડી શકે?