અનાદિકાળથી હિન્દુઓનું `પૃથ્વી ઉપરનું સ્વર્ગ' એટલે કૈલાસ-માનસરોવર. હિમાલયના મધ્ય પશ્ચિમ તિબેટ ક્ષેત્રમાં (હાલના ચીનના કબજામાં) આવેલો કૈલાસ પર્વત એટલે સ્વર્ગમાંથી પારિજાતની ઝાકળભીની પાંખડીઓ ખરી ખરીને સર્જાયું હોય એવું ભવ્યાતિભવ્ય વિરાટ શિવલિંગ અને વિશ્વનાં તમામ સરોવરોમાં પ્રાચીનતમ, સર્વાધિક મનમોહક અને આસ્થાનું પ્રતીક એવું માનસરોવર, જે 15 હજાર ફૂટની ઊંચાઇએ આવેલું છે.
પુરાણોમાં જણાવ્યા અનુસાર ભસ્માસુર ભસ્મ થયેલો તે સ્થળ (તીર્થપુરી) પણ અહીં જ છે. રાવણે શિવજીને પ્રસન્ન કરવા જ્યાં તપશ્ચર્યા કરી હતી એ રાક્ષસતાલ પણ માનસરોવરની નજીકમાં છે. ચક્રવર્તી સમ્રાટ માંધાતાએ જ્યાં તપ કરેલું એ માંધાતા પર્વત પર આજે માનસખંડ ઉપર વિશિષ્ટ પ્રેરણાસ્થળ બની રહ્યું છે. જૈનોના આદિ તીર્થંકર ઋષભદેવે તપશ્ચર્યા કરતાં કરતાં જ કૈલાસ પર્વત ઉપર દેહત્યાગ કર્યો હતો. (અષ્ટાપદ) જે કૈલાસ પર્વતને અડીને આવેલું છે.
કૈલાસની પરિક્રમા 58 કિમી.ની છે. ત્રણ દિવસની આ પરિક્રમા દરમિયાન બીજા દિવસે ડોલમાપાસ જવાય છે. ડોલમાપાસ એટલે કૈલાસપતિનું સાંનિધ્ય. કૈલાસ યાત્રાની ઊંચાઇની ચરમસીમા. પ્રભુની કરુણાનો અહીં અનુભવ થાય છે. ચેતનાનું ઉર્ધ્વગમન અને વિરાટને પામવાની અંતિમ ક્ષણો. મૃત્યુના અનુભવમાંથી જીવન તરફની ગતિ. નિરાકારની અદ્ભુત માયા. અહીંયાં વાતાવરણને ધ્યાનમાં લઇને પૂજા, હોમ-હવન થઇ શકે છે. સ્વામી પ્રણવાનંદના શબ્દોમાં `આધ્યાત્મિક દૃષ્ટિએ અહીંયાં ઈશ્વરીય કંપનની અનુભૂતિ થાય છે, જે ચંચળ મગજમાં દિવ્ય શાંતિ પ્રદાન કરે છે.'
માનસરોવરની પરિક્રમા છેલ્લાં કેટલાંક વર્ષોથી શક્ય નથી. છેલ્લાં બે વર્ષથી માનસરોવર ખાતે ફક્ત એક જ રાત્રિનું રોકાણ થઇ શકે છે. અહીંયાં એકાંતમાં બેસવાથી અનિચ્છાનો ત્યાગ થાય છે. થોડી વાર માટે પણ એક હળવાશનો અનુભવ થાય છે. શાશ્વત સ્થિરતા અને સમાધિનો અનુભવ થાય છે. મન નિર્મળ અને ચોખ્ખું બની જાય છે. પિતૃતર્પણ માટે આ અત્યંત પવિત્ર અને મૂલ્યવાન જગ્યા છે. શિવજીના સ્મરણ સાથે દિવંગત આત્માઓને અપાયેલી ભાવભરી અંજલિ આત્માઓને મોક્ષદ્વારે પહોંચાડી દે છે. માનસરોવર જેવી સુંદરતા પૃથ્વી ઉપર અન્ય કોઇ સ્થળે જોવા મળતી નથી. સંધ્યા સમયે માનસરોવરનું સૌંદર્ય જિંદગીનો એક લહાવો છે. ચીન સરકારે બસ દ્વારા માનસરોવરની પરિક્રમા માટે વ્યવસ્થા પણ કરેલી છે.
આ યાત્રાનું આયોજન દિલ્હીથી ભારત સરકારના વિદેશ મંત્રાલય દ્વારા કરવામાં આવે છે. સામાન્ય રીતે જાન્યુઆરીના બીજા/ત્રીજા અઠવાડિયામાં યાત્રામાં જોડાવવા માટે અરજીઓ મંગાવવામાં આવે છે અને ડ્રો દ્વારા યાત્રીઓને મે માસના પ્રથમ સપ્તાહ સુધી જાણ કરવામાં આવે છે. વધુમાં વધુ 60 યાત્રીઓના સમાવેશ સાથે કુલ 18 ટુકડીઓ આ યાત્રા માટે મોટેભાગે જૂનથી સપ્ટેમ્બર માસ સુધી મોકલવામાં આવે છે. આ યાત્રામાં જોડાવા માગતા કોઈ પણ હિન્દુ ભારતીય નાગરિકની ઉંમર 18થી 65 વર્ષની હોવી જરૂરી છે. ભારતીય પાસપોર્ટ આ યાત્રાની પ્રથમ અત્યંત જરૂરિયાત છે. 24 દિવસની આ યાત્રા માટે અંદાજિત ખર્ચ વધુમાં વધુ સવા લાખ રૂપિયા થાય છે. આ યાત્રા માટે મેડિકલ પરીક્ષણ ખૂબ જ જરૂરી છે. બે વાર કડક મેડિકલ પરીક્ષામાં પાસ થયા પછી જ આ યાત્રામાં જોડાઇ શકાય છે.
યાત્રામાં પસંદગી પામ્યાની વિદેશ મંત્રાલય તરફથી જાણ થતાં જ નિયમિત ચાલવાનું, યોગ, પ્રાણાયામ, મેડિટેશન કરવું સલાહભર્યું છે. યાત્રા દરમિયાન ઘોડા તથા પોર્ટરની વ્યવસ્થા હોય છે જ, તેમ છતાં ચાલવા સાથે હિમાલયને માણવાની મજા આંખો અને મનને સતત ભીંજવ્યા કરે છે. યાત્રા દરમિયાન રોજિંદા વધુમાં વધુ 10થી 12 કિમી. ચાલવું પડે છે. ભારતીય સરહદમાં ડૉક્ટર તથા આઇ. ટી.બી.પી.ના જવાનોની સેવા ઉપલબ્ધ છે. આપણી સલામતી માટે આ જવાનો કેવી પરિસ્થિતિમાં સરહદની રક્ષા માટે ખડેપગે ઊભા રહે છે તે જોઈને ગર્વથી મસ્તક ઊંચું કરી સલામ કરવાનું મન થાય છે. અંગત સામાન 25 કિમી. સુધી જ લઈ જવાનો રહે છે, જેથી સુગમતા ખાતર જરૂરી ચાર જોડી કપડાં, બે આખી બાંયનાં સ્વેટર, મફલર, હાથના બે જોડી મોજા, પગના 4થી 6 જોડી મોજા જેમાં બે જોડી ગરમ, ટકાઉ સ્પોર્ટ્સ સૂઝ, લોંગ જોન્સ, ગોગલ્સ, એક જોડી સ્લીપર, મીણબત્તી, લાઇટર, ચપ્પુ, ટુવાલ, ટૂથબ્રશ-પેસ્ટ, સાબુ, જરૂરી દવાઓ, પૂજાપાનો સામાન જરૂરી છે. નાસ્તામાં ટકાઉ અને પૌષ્ટિક, તીખી સેવ, સુખડી, સૂંઠની ગોળીઓ, સીંગચણા, ચોકલેટ, ઇલેક્ટ્રોલ-ગ્લુકોઝ પાઉડર, ડ્રાયફ્રૂટ જરૂર લેવાં, આ સામાન બે મજબૂત થેલામાં પેક કરવો. બની શકે તો દરેક વસ્તુ પ્લાસ્ટિકની બેગમાં મૂકવી જેથી વરસાદથી ખરાબ થાય નહીં, કેમેરા તથા મૂવી કેમેરા પણ લઇ જઇ શકાય છે, બેટરીની વ્યવસ્થા, ચાર્જિંગનો સામાન લેવાનું ભુલાય નહીં. કૈલાસયાત્રા કરવાથી 13 કૈલાસ પરિક્રમા જેટલું ફળ મળે છે.
ભારત સરકાર દ્વારા આયોજિત આ યાત્રા દિલ્હીથી અલમોડા, ધારચૂલા, નારણ આશ્રમ, ગાલા, બુદ્ધિ, ગુંજી, કાલાપાની થઇને નબીડાંગ અને ચીનમાં તકલાકોટ, તારચેન, ડેરાપુક, જુથુલપુક આમ 12 દિવસ ભારતીય સરહદ અને 12 દિવસ ચીનમાં રહેવાનું થાય છે. ખાનગી ટૂર દ્વારા કૈલાસ જવા માટે 11થી 15 દિવસની યાત્રા દિલ્હીથી કાઠમંડુ, નયાલંબ, સાંગા, પ્રયાગ, માનસરોવર, ડેરાપુક, જુથુલપુક લેન્ડ સ્ક્રૂઝર ગાડી અથવા બસ દ્વારા જવાય છે. જેનો અંદાજિત ખર્ચ એક લાખ, દશ હજાર સુધી આવી શકે છે.
કૈલાસ ભૂમિમાં માનવસર્જિત કોઇ મંદિર નથી કે કોઇ મૂર્તિ નથી, ત્યાં કોઇ પૂજારી નથી. પ્રકૃતિની આ કલાકૃતિ બરફમાંથી સ્વયં સર્જાયેલ વિરાટ શિવલિંગ ધરાવે છે. નીલભૂરા આકાશની જળાધારી નીચે પર્વતોની વિશાળ ખીણની પીઠિકા પર આરૂઢ, હિમના આ વિરાટ શિવલિંગનો ચર્મચક્ષુથી થતો સાક્ષાત્કાર મનને ઊંડા ચિંતન-મનનની ભૂમિકામાં દોરી જાય છે. સમગ્ર ભાવવિશ્વ એક અજબ આંસુભરી સંવેદનામાં ડૂબી જાય છે. મન ગદગદ થઇ જાય છે. હાથ જોડાયેલા હોય, આંખોમાંથી આંસુ સરતાં હોય અને સમગ્ર પ્રાણ પ્રકૃતિ સાથે તન્મય થઈ જાય અને એક જ નાદ...
ૐ નમઃ શિવાય. આ રીતે પહોંચાય છે
કૈલાસ માનસરોવર સાત જેટલી જગ્યાએથી જઈ શકાય છે, પરંતુ સારો અને સરળ રસ્તો આદિ કૈલાસના રૂટ પર ગુંજી-નવી ડાંગ- લીપુલેખ પાસ (16,500 ફૂટ) પાર કરીને તકલાકોટ પહોંચીને જવાનો છે. ભારત સરકાર દ્વારા આ રસ્તેથી જ યાત્રાનું આયોજન થાય છે. તિબેટને ચીને જીતી લીધેલું હોવાથી ચીનની હકૂમત ચાલે છે તથા પાસપોર્ટ અને જરૂરી પરવાનગી સિવાય આ રસ્તે કે અન્ય કોઈ રસ્તે આ યાત્રા શક્ય નથી. માનસરોવર જે 15 હજાર ફૂટની ઊંચાઈએ આવેલું પવિત્ર સરોવર છે તથા કૈલાસ પર્વતની 54 કિમી.ની પરિક્રમા દરમિયાન 18,500 ફૂટ ઊંચો પાસ પસાર કરવો પડે છે. ઊંચાઈને લીધે ઠંડીનો સામનો કરવો પડે છે તેમજ વૃક્ષવિહીન સપાટ વિસ્તારમાં ઠંડો પવન ગતિપૂર્વક ફેંકાતો હોય છે. તેથી શારીરિક તથા માનસિક સમતુલા માંગી લેતો આ ટ્રેકરૂટ છે તેમ કહી શકાય.
સાત કૈલાસ
કૈલાસ માનસરોવર તો વિશ્વવિખ્યાત છે, પણ આવા દેવાધિદેવ મહાદેવના મનાતા સાત કૈલાસ પૃથ્વી પર આવેલા છે. કૈલાસ માનસરોવર તથા બાબા કૈલાસ એમ બે પર્વતો ચીનના કબજાવાળા તિબેટના હિમાલયમાં આવેલા છે. આ સિવાયના પાંચ કૈલાસ પર્વતો. જેવા કે. આદિકૈલાસ, મણિમહેશ, શ્રીખંડ મહાદેવ કૈલાસ, કિન્નર કૈલાસ તથા શ્રી કૈલાસ પર્વતો ભારતમાં આવેલા છે. આ બધાં જ કૈલાસ પર્વત પાછળની કથા, ક્યાં આવેલા છે, તેના માર્ગ અને યાત્રા કેવી રીતે કરવી જોઇએ તે જાણવા જેવું છે અને માણવા જેવું છે.
પૌરાણિક મહત્ત્વ : કૈલાસ માનસરોવર ધરતી પર સ્થિત સ્વર્ગથી ઓછું નથી. આ સ્થળ અંગે એવું પણ કહેવામાં આવે છે કે જે વ્યક્તિ આ સ્થળનું પાણી એક વાર પી લે છે તેના માટે ભગવાન શિવજીએ બનાવેલા સ્વર્ગમાં પ્રવેશ મળી જાય છે. એવું કહેવાય છે કે બ્રહ્માજીએ સૃષ્ટિની રચના આ જ સ્થાનથી શરૂ કરી હતી. અહીં ગંગા નદી પર્વતમાંથી નીકળીને ચાર નદીઓનું સ્વરૂપ લઈ લે છે. 51 શક્તિપીઠોની કથા અનુસાર આ સ્થળે માતા સતીનો હાથ પડ્યો હતો. ત્યારબાદ અહીં એક ઝીલ (નાનું તળાવ) બની હતી. ત્યારથી આ સ્થળ 51 શક્તિપીઠોમાંથી એક માનવામાં આવે છે.










