મગ્ર દુનિયામાં યુદ્ધ સંબંધી સૌથી ઉત્તમ ફિલ્મો યુરોપમાં બની છે. તે પછીના ક્રમે અમેરિકન ફિલ્મો આવે છે. તેનું કારણ એ છે કે યુરોપે બે વિશ્વયુદ્ધો જોયાં છે.

યુદ્ધ શું કહેવાય અને તેની કેવી અસર પડે છે તે આ દેશોને બહુ સારી રીતે ખબર પડે છે. અમેરિકાને બીજા વિશ્વયુદ્ધનો અને જગત જમાદાર હોવાના નાતે દુનિયાના અન્ય હિસ્સાઓમાં સશસ્ત્ર ટકરાવનો પણ અનુભવ છે એટલે તેણે પણ અમુક શ્રેષ્ઠ એક્શન ફિલ્મોનું નિર્માણ કર્યું છે.

એમ તો ચીન, ઇન્ડોનેશિયા, જાપાન અને રશિયામાં પણ યુદ્ધની પોતાની પરંપરા છે, જે તેમનાં ક્રાંતિકારી યુદ્ધો પર કેન્દ્રિત છે. તેમની સરખામણીમાં ભારતમાં એવી સીમિત ફિલ્મો બની છે. ભારતીય સિનેમા જગતમાં યુદ્ધ એક વિષય તરીકે એટલું વિકસ્યું નથી. તેનું કારણ એ છે કે આઝાદી પછી ભારત પ્રમુખ કહી શકાય તેવાં પાંચ યુદ્ધો લડ્યું છે, એટલે વિષય તરીકે તેમાં બહુ વૈવિધ્ય નથી. તેમ છતાં જે ફિલ્મો બની છે તેમાંથી અમુક ઉત્તમ કહી શકાય તેવી છે.

હકીકત

હિન્દી સિનેમાની પહેલી બહેતરીન યુદ્ધ ફિલ્મ ચેતન આનંદની `હકીકત' છે. 1962ના ભારત-ચીન યુદ્ધ પર ચેતન સાહેબે 1964માં આ ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મ જવાહરલાલ નહેરુને સમર્પિત હતી. ફિલ્મનું શૂટિંગ ચાલતું હતું ત્યારે જ યુદ્ધથી વ્યથિત નહેરુનું અવસાન થઇ ગયું હતું. ચેતન આનંદે ફિલ્મના અંતે તેમના અંતિમ સંસ્કારનું દૃશ્ય વણી લીધું હતું. ફિલ્મમાં ધર્મેન્દ્ર, બલરાજ સહાની, પ્રિયા રાજવંશે પ્રમુખ ભૂમિકા નિભાવી હતી. આ ફિલ્મમાં લદાખના રેજાંગ લામાં ભારતીય સૈનિકોની એક નાની ટુકડી એક મોટા દુશ્મન સાથે ટકરાઈ જાય છે. ફિલ્મમાં ફક્ત યુદ્ધની જ નહીં, પરંતુ સામાન્ય સૈનિક પર યુદ્ધનો કેવો પ્રભાવ પડે છે તેની પણ વાત હતી. આ ફિલ્મનું એક ગીત `કર ચલે હમ ફિદા જાન-ઓ-તન સાથિયોં, અબ તુમ્હારે હવાલે વતન સાથિયોં' આજે પણ એટલું જ લોકપ્રિય છે.

હિન્દુસ્તાન કી કસમ

`હકીકત'ની સફળતાથી પ્રેરાઈને ચેતન આનંદે 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ પર 1973માં `હિન્દુસ્તાન કી કસમ' ફિલ્મ બનાવી હતી. ફિલ્મમાં રાજ કુમાર, વિજય આનંદ, પરીક્ષિત સહાની અને પ્રિય રાજવંશની મુખ્ય ભૂમિકા હતી. આ ફિલ્મ ભારતીય સિનેમાની અન્ય યુદ્ધ ફિલ્મોથી અલગ છે, કારણ કે 1971ના એ `ઓપરેશન કેક્ટસ લિલી'માં ભારતીય વાયુ સેનાની મોટી ભૂમિકા હતી. ફિલ્મમાં રાજકુમાર વાયુ સેનાના પાઇલટની ભૂમિકા કરે છે. આ ફિલ્મમાં અસલી ફાઈટર પાઇલટ લેફ્ટનન્ટ સમર શાહ, મનવીર સિંહ અને વિંગ કમાન્ડર ગૌતમે પણ સેનાની ઈજાજત પછી કામ કર્યું હતું.

બોર્ડર

યુદ્ધ ફિલ્મોની યાદીમાં જે.પી. દત્તાની `બોર્ડર', જે 1997માં આવી હતી, સૌથી યાદગાર ફિલ્મ છે. આ ફિલ્મ દત્તાએ તેમના સ્વર્ગસ્થ ભાઈની યાદમાં બનાવી હતી. તેમનો ભાઈ ભારતીય વાયુ સેનાનો પાઇલટ હતો, જેનું 1987માં મિગ દરમિયાન અકસ્માતમાં મૃત્યુ થયું હતું. દિગ્દર્શકે આ ફિલ્મ તેના ભાઈને સમર્પિત કરી. આ ફિલ્મ 1971માં ભારત-પાક યુદ્ધ વેળા લોંગોવાલાની લડાઈની ઘટનાઓ પર આધારિત છે. તેમાં સની દેઓલ, સુનીલ શેટ્ટી, જેકી શ્રોફ, અક્ષય ખન્ના, સુદેશ બેરી, પુનિત ઇસર, કુલભૂષણ ખરબંદા, તબુ, રાખી, પૂજા ભટ્ટ અને શરબની મુખર્જીએ યાદગાર ભૂમિકા ભજવી હતી. દત્તાએ તે પછી યુદ્ધ ફિલ્મોની શ્રેણીમાં `એલઓસી-કારગિલ' અને `પલટન' પણ બનાવી હતી, પરંતુ તેને ધારી સફળતા મળી નહોતી.

લક્ષ્ય

દત્તાની `એલઓસી' આવી તે પછી તરત જ ફરહાન અખ્તરના નિર્દેશનમાં બનેલી `લક્ષ્ય' ફિલ્મ આવી હતી. રિતિક રોશનની કારકિર્દીમાં આ મહત્ત્વની ફિલ્મ છે. આ ફિલ્મ પણ કારગિલ યુદ્ધ આધારિત છે. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકાઓમાં રિતિક રોશન, અમિતાભ બચ્ચન અને પ્રીટિ ઝિન્ટા છે. ફિલ્મની વાર્તા રિતિક રોશનના પાત્રની આસપાસ ફરે છે. તે એક એવા યુવાનની ભૂમિકામાં છે જેનું જીવનમાં કોઈ લક્ષ્ય નથી, પરંતુ તે પછી તેને સૈન્યમાં પ્રવેશ મળે છે. એ સાથે જ તેને જીવનનો એક અર્થ મળે છે અને છેલ્લે તે કારગિલ યુદ્ધનો હીરો સાબિત થાય છે. આ ફિલ્મનું શૂટિંગ મુંબઇ અને ઉત્તરાખંડ રાજ્યનાં જુદાં જુદાં સ્થળોએ તેનું શૂટિંગ કરવામાં આવ્યું હતું. લદાખમાં કારગિલનાં દૃશ્યો શૂટ કરવામાં આવ્યાં હતાં. રિતિક રોશનની લશ્કરી તાલીમ ભારતીય સૈન્ય એકેડેમી દહેરાદૂનમાં શૂટ કરવામાં આવી હતી. ફિલ્મમાં ભારતીય સૈન્યના અધિકારીઓએ પણ ભાગ લીધો હતો.

મિશન કાશ્મીર

2000ની સાલમાં આવેલી `મિશન કાશ્મીર' પણ રિતિકની એક સીમાચિહ્ન રૂપ ફિલ્મ છે. ફિલ્મનો વિષય ઘોષિત યુદ્ધ નહીં, પરંતુ આતંકવાદનું છૂપું યુદ્ધ છે. તેનું નિર્દેશન વિધુ વિનોદ ચોપરાએ કર્યું હતું. તેમાં રિતિકની સાથે સંજય દત્ત, પ્રીટી ઝિન્ટા, સોનાલી કુલકર્ણી અને જેકી શ્રોફે ભૂમિકા નિભાવી હતી. આ ફિલ્મ તે વર્ષની સૌથી મોટી હિટ ફિલ્મ હતી. તેની વાર્તા એક નાના બાળક અલ્તાફ પર કેન્દ્રિત હતી, જે પોલીસ ફાયરિંગને કારણે પોતાનો આખો પરિવાર ગુમાવે છે. એ પોલીસ ટીમનો જ એક અફસર અલ્તાફને ગોદ લે છે. ફિલ્મમાં તે સમયના કાશ્મીરની પરિસ્થિતિનું વર્ણન કરવાનો પ્રયાસ કર્યો હતો. મોટા થયા પછી તેને આ ઘટનાની ખબર પડે છે ત્યારે તે બંદૂક ઉઠાવી લે છે.

રોજા

કાશ્મીરના આતંકવાદ પર આધારિત મણિરત્નમની `રોજા' બહેતરીન ફિલ્મ છે. 1992માં આવેલી આ ફિલ્મમાં અરવિંદ સ્વામી અને મધુની મુખ્ય ભૂમિકાઓ છે. આ ફિલ્મને ત્રણ રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ મળ્યા. એ.આર. રહેમાને સંગીતકાર તરીકે આ ફિલ્મથી પ્રવેશ કર્યો. તેમને તેમના સંગીત માટે નેશનલ ફિલ્મ એવોર્ડ પણ મળ્યો હતો. આ ફિલ્મ તમિલનાડુની એક મહિલા પર કેન્દ્રિત છે, જે ગુપ્ત મિશન દરમિયાન કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા અપહરણ થઇ ગયેલા તેના પતિની શોધમાં ત્યાં જાય છે. તે એવી જગ્યા પર છે જ્યાં તેને ભાષાની અડચણ નડે છે અને પોતાની વાત કે વ્યથા કહી શકતી નથી. તેમ છતાં તે તેના પતિને શોધવામાં પાછી પડતી નથી. આ સિવાય પણ થોડી નોંધપાત્ર ફિલ્મો બની છે. જેમ કે, ધ ગાજી એટેક, ગુંજન સક્સેના, ભુજ: ધ પ્રાઈડ ઓફ ઇન્ડિયા, કેસરી, ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક, શેરશાહ, કારગિલ: ધ અનટોલ્ડ સ્ટોરી, મેજર, શૌર્ય, ફાઈટર અને સામ બહાદુર.