રામાયણકાળથી અસ્તિત્ત્વ ધરાવતું તથા શિવ અને વૈષ્ણવ એમ બંને સંપ્રદાયમાં આસ્થાનું પ્રતીક એટલે સમુદ્ર કિનારે આવેલું રામેશ્વરમ્. હિન્દુ શ્રદ્ધાળુઓ કાશીથી ગંગાજળ ભરીને રામેશ્વરમમાં અર્પણ કરે ત્યારે યાત્રા પૂર્ણ કર્યાનો સંતોષ મેળવે છે.
રામેશ્વરમ્ એટલે રામના ઈશ્વરનું સ્થળ કે જ્યાં ભગવાન વિષ્ણુનો અવતાર એવા ભગવાન રામે સ્વયં શિવલિંગ સ્થાપીને શિવજીની ઉપાસના કરી હતી અને બ્રહ્માજીના પૌત્ર એવા લંકાના રાજા રાવણના સંહારની બ્રહ્મહત્યાનું પ્રાયશ્ચિત કર્યું હતું.
રામેશ્વરમ્ તે માત્ર શિવ અને વૈષ્ણવ સંપ્રદાયોના શ્રદ્ધાળુઓની આસ્થાનું જ પ્રતીક નથી, પરંતુ વિવિધતાસભર સંસ્કૃતિ ધરાવતા ભારતને એકતાંતણે બાંધતી કડી પણ છે. વિવિધતામાં એકતાનાં દર્શન કરવાં હોય તો રામેશ્વરમ્ની યાત્રાએ જવું પડે. રામેશ્વરમ્નો સેતુ શ્રદ્ધાળુઓ કાશીમાં ગંગાજી અર્પણ કરે છે. તમિલનાડુના દક્ષિણ ભાગમાં આવેલો રામેશ્વરમ્ એક નાનો ટાપુ છે. રામેશ્વરમ્ ટાપુનો આકાર ભગવાન વિષ્ણુએ હાથમાં ધારણ કરેલા શંખ જેવો અને ધનુષ્યકોડીનો આકાર છીપલા જેવો છે. વર્તમાન સમયમાં રામેશ્વરમ્ની અન્ય ઓળખાણ આપવી હોય તો કહી શકાય કે ભારતને મિસાઈલના યુગમાં લઈ જનારા લોકપ્રિય પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામનું ગામ એટલે રામેશ્વરમ્. રામેશ્વરમ્ તેના સ્થાપત્ય અને બાંધકામની દૃષ્ટિએ બેનમૂન કહી શકાય તેવા રામનાથસ્વામી મંદિરને કારણે વિશ્વમાં જાણીતું છે.
પૌરાણિક મહત્ત્વ: રામેશ્વરમ્ જ્યોતિર્લિંગ અંગેની કથા ભગવાન શ્રીરામ સાથે સંકળાયેલી છે. સીતાજીનું અપહરણ કરીને લંકા લઈ ગયેલા રાવણ સાથે યુદ્ધ કરવા ભગવાન શ્રીરામ પોતાની સાથે વાનરોની મોટી સેના લઈને રામેશ્વરમ્ પાસેના ધનુષ્યકોડીથી પથ્થરોનો પુલ બનાવીને લંકા ગયા હતા. લંકામાં શ્રીરામ અને રાવણ વચ્ચે ભીષણ યુદ્ધ થયું. યુદ્ધમાં વિજયી થઈને સીતાજીને લઈને ભગવાન શ્રીરામ અયોધ્યા જવા માટે નીકળ્યા અને રામેશ્વરમ્માં રોકાયા. રાવણ બ્રાહ્મણ હતો અને આથી બ્રહ્મહત્યાનું પાપ પોતાને લાગ્યું છે તેમ વિચારી ભગવાન શ્રીરામે આ પાપનું પ્રાયશ્ચિત્ત કરવા શિવજીની ઉપાસના કરવાનો સંકલ્પ કર્યો.
શિવજીની ઉપાસના માટે શ્રીરામે શિવલિંગની નિશ્ચિત સમયે સ્થાપના કરવાનું નક્કી કર્યું. શ્રીરામે પવનપુત્ર હનુમાનને શિવજીના નિવાસસ્થાન કૈલાસ પર્વત પર શિવલિંગ લેવા મોકલ્યા. સ્થાપનાના નિર્ધારિત સમય સુધી હનુમાનજી પહોંચી શક્યા નહિ. આથી સીતાજીએ સમુદ્રની રેતીમાંથી શિવલિંગ બનાવ્યું અને નિશ્ચિત સમયે શિવપૂજાનો આરંભ કરવામાં આવ્યો. બીજી તરફ પૂજાવિધિની સમાપ્તિ સમયે હનુમાનજી શિવલિંગ સાથે આવી પહોંચ્યા અને રેતીના શિવલિંગને જોઈને નિરાશ થઈ ગયા. પોતાના પરમ ભક્ત હનુમાનજીને શાંત કરવા ભગવાન શ્રીરામે હનુમાનજીએ લાવેલા શિવલિંગને રેતીના શિવલિંગની બાજુમાં પ્રસ્થાપિત કરવાનો અને પ્રથમ પૂજા હનુમાનજીના શિવલિંગની જ કરવાનો આદેશ આપ્યો. આમ, હનુમાનજી દ્વારા લાવવામાં આવેલું શિવલિંગ વિશ્વલિંગમ્ તરીકે અને ભગવાન શ્રીરામ દ્વારા સ્થાપિત કરવામાં આવેલું શિવલિંગ શ્રીરામલિંગમ્ તરીકે ઓળખાયું. રામેશ્વરમનું જ્યોતિર્લિંગ એટલે શ્રીરામલિંગમ્. આજે પણ શ્રી રામેશ્વરમ્ના મુખ્ય મંદિરમાં પ્રથમ પૂજા વિશ્વલિંગમ્ની થાય છે. રાવણના ભાઈ અને શ્રીરામના મિત્ર બનેલા વિભીષણ દ્વારા પણ શ્રીરામ લિંગની બાજુમાં જે લિંગની સ્થાપના કરવામાં આવી હતી, તે સ્ફટિકલિંગમ્ તરીકે ઓળખાય છે.
દક્ષિણ ભારતનાં મંદિરો તેની સ્થાપત્યકળા અને બાંધણી માટે વિખ્યાત છે. તેમાં પણ રામેશ્વરમ્નું રામનાથસ્વામી મંદિર તો સ્થાપત્યકળામાં શિરમોર છે. રામનાથસ્વામી મંદિરનો મુખ્ય દરવાજો પૂર્વીય ગોપુરમ્નો છે. મંદિરમાં પૂર્વ અને પશ્ચિમ એમ બે ગોપુરમ્ આવેલા છે. ઉત્તર અને દક્ષિણ ગોપુરમ્ બાંધવા માટેની તૈયારીઓ ચાલી રહી છે. રામનાથસ્વામી મંદિરનું પૂર્વીય ગોપુરમ્ 173 ફીટ ઊંચું છે. મંદિરનો જગવિખ્યાત ત્રીજો કોરિડોર ભારતનો સૌથી લાંબામાં લાંબો મંદિર કોરિડોર (પરસાળ) છે. કુલ 1212 થાંભલાઓ ઉપર ઊભેલો આ કોરિડોર 30 ફૂટ ઊંચો અને 17થી 21 ફૂટ વચ્ચેની પહોળાઈ ધરાવે છે.
થલપુરાણમાં ઉલ્લેખ પ્રમાણે રામાયણકાળનું રામનાથસ્વામી મંદિર 12મી સદી સુધી એક ઝૂંપડીમાં સાધુઓની દેખરેખ હેઠળ જાળવણી પામ્યું હતું. પ્રવર્તમાન દસ્તાવેજો પ્રમાણે 12મી સદીમાં સિલોન (હાલનું શ્રીલંકા)ના રાજા પરાક્રમ બાહુએ મૂળ લિંગ (રામનાથસ્વામી) જ્યોતિર્લિંગની આસપાસ ગર્ભગૃહનું નિર્માણ કર્યું. અત્યારના જાજરમાન અને અદ્ભુત સ્થાપત્યવાળા દેખાતા મંદિરના બાંધકામની શરૂઆત 14મી સદીમાં રામનાદના રાજા ઉદયન સેતુપતિ અને નાગાપટ્ટીનમ્ પાસેના નાગોરના વૈશ્ય દ્વારા કરવામાં આવી હતી. તેમણે 78 ફૂટ ઊંચું પશ્ચિમના પથ્થરનું ટાવર બનાવ્યું હતું, જેમાં મદુરાઈના એક શ્રીમંત ભક્તે સમારકામ કરાવ્યું હતું.
16મી સદીમાં તિરુમલાઇ સેતુપતિએ દક્ષિણનો બીજો કોરિડોર બનાવ્યો હતો અને ત્યાર બાદ ચિન્ના ઉદયન સેતુપતિ કટ્ટાર થેવર દ્વારા નંદામંડપમાં બાંધકામ સહિતના કેટલાક ફેરફારો કરવામાં આવ્યા હતા. રામનાથસ્વામી મંદિરના પૂર્વ દિશાના મુખ્ય ગોપુરમ્નું નિર્માણ દલાવાઈ સેતુપતિ દ્વારા કરવામાં આવ્યું હતું.
18મી સદીમાં રવિ વિજય રઘુનાથ સેતુપતિ દ્વારા પલ્લિયારાઈ (શયનગૃહ) અને મંડપમનું બાંધકામ હાથ ધરવામાં આવ્યું હતું. વિશ્વપ્રસિદ્ધ ત્રીજા કોરિડોરનું નિર્માણ મુથુરામલિંગ સેતુપતિ દ્વારા કરવામાં આવ્યું હતું. ત્રીજા કોરિડોરના પ્રવેશ પાસે મુથુરામલિંગ સેતુપતિ અને તેમના બે પ્રધાનોની પ્રતિમા આજે પણ જોઇ શકાય છે. 1898થી 1904ના સમયગાળા દરમિયાન દેવકોટ્ટાઈના અલાર કુટુંબે પૂર્વીય ગોપુરમ્નું બાંધકામ સંપૂર્ણ કરાવ્યું અને ગર્ભગૃહમાં સમારકામ કરાવ્યું. 1961થી 1985ના સમયગાળા દરમિયાન બીજા કોરિડોરનું પણ સમારકામ કરવામાં આવ્યું હતું. મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર પાસે આવેલા સેતુપતિ મંડપનું બાંધકામ રામનાદ રાજાના વંશજ રામનાથ સેતુપતિ દ્વારા 1969થી 1974ના સમયગાળા દરમિયાન ₹ 2.75 લાખના દાનથી કરવામાં આવ્યું હતું.










