• આ મંદિર પાંડવોએ બનાવ્યું હતું, પરંતુ સમય પસાર થતાં લુપ્ત થઈ ગયું હતું. પછીથી આઠમી શતાબ્દીમાં આદિ શંકરાચાર્યે એક નવા મંદિરનું નિર્માણ કર્યું

ઉત્તરાખંડ રાજ્યમાં ગિરિરાજ હિમાલયના કેદાર નામના શિખર પર કેદારનાથ આવેલું છે. દેશનાં બાર જ્યોતિર્લિંગોમાં આ સર્વોચ્ચ કેદારેશ્વર જ્યોતિર્લિંગ મંદિર છે. આ સંપૂર્ણ ક્ષેત્રને કેદારનાથ ધામ તરીકે ઓળખવામાં આવે છે. ચાર ધામની યાત્રામાં કેદારનાથનો સમાવેશ થાય છે.

કેદારનાથ ધામમાં શિવલિંગની ઉત્પત્તિને લઇને રહસ્ય છે. કહેવાય છે કે પુરાણકથા અનુસાર હિમાલયના કેદાર શ્રૃંગ પર ભગવાન વિષ્ણુના અવતાર મહાતપસ્વી નર અને નારાયણ ઋષિ તપસ્યા કરતાં હતા. એમની આરાધનાથી પ્રસન્ન થઇને ભગવાન શંકર પ્રગટ થયા. તેમની પ્રાર્થના અનુસાર જ્યોતિર્લિંગના રૂપમાં સદા વાસ કરવાનું વરદાન આપ્યું. કેદાર ઘાટીમાં બે પર્વત છે, નર અને નારાયણ પર્વત. વિષ્ણુના 24 અવતારોમાંથી એક નર અને નારાયણ ઋષિની આ તપોભૂમિ છે. બીજી બાજુ બદ્રીનાથ ધામ છે. જ્યાં ભગવાન વિષ્ણુ વિશ્રામ કરે છે. કહે છે કે, સતયુગમાં બદ્રીનાથ ધામની સ્થાપના નારાયણે કરી હતી. એનું વર્ણન શિવપુરાણના કોટિ રુદ્રસંહિતામાં પણ વ્યક્ત કરવામાં આવ્યું છે.

કેદારનાથ ધામની એક બાજુ 22 હજાર ફૂટ ઊંચો કેદાર, બીજી બાજુ 21 હજાર 600 ફૂટ ઊંચો ખર્ચકુંડ અને ત્રીજી બાજુ 22 હજાર 700 ફૂટ ઊંચો ભરતકુંડનો પર્વત છે. અહીં ફક્ત ત્રણ પર્વતો ઉપરાંત પાંચ નદીઓનો સંગમ પણ છે. અા નદીઓ છે, મંદાકિની, મધુગંગા, ક્ષીરગંગા, સરસ્વતી અને સ્વર્ણગૌરી. એવું પણ કહેવાય છે કે આ મંદિર પાંડવોએ બનાવ્યું હતું, પરંતુ સમય પસાર થતાં લુપ્ત થઈ ગયું હતું. પછીથી આઠમી શતાબ્દીમાં આદિ શંકરાચાર્યે એક નવા મંદિરનું નિર્માણ કર્યું, જે 400 વર્ષ સુધી બરફમાં દટાયેલું રહ્યું હતું. એ સમયે આ મંદિરનું નિર્માણ 508 ઇસા પૂર્વ જન્મેલ અને 476 ઇસા પૂર્વમાં દેહત્યાગ કરનાર આદિ શંકરાચાર્યએ કરાવ્યું હતું. આ મંદિરની પાછળ તેની સમાધિ છે. એનું ગર્ભગૃહ પ્રાચીન છે જેને 80મી શતાબ્દીનું માનવામાં આવે છે. પહેલાં દસમી સદીમાં માળવાના રાજા ભોજ દ્વારા અને પછી 13મી સદીમાં મંદિરનો જિર્ણોદ્ધાર કરવામાં આવ્યો. 400 વર્ષ સુધી કેવી રીતે બરફમાં કેદારનાથનું મંદિર દટાયેલું રહ્યું અને જ્યારે બરફમાંથી બહાર નીકળ્યું ત્યારે સંપૂર્ણ રીતે સુરક્ષિત હતું. આ એક રહસ્ય છે. દહેરાદૂનના વાડિયા ઇન્સ્ટિટ્યૂટના હિમાલયન જિયોલૉજિકલ વૈજ્ઞાનિક વિજય જોશી અનુસાર 13થી 17મી શતાબ્દી એટલે કે 400 વર્ષ સુધી એક નાનો હિમયુગ આવ્યો હતો. જેમાં હિમાલયનો એક મોટો ભાગ બરફની અંદર દબાઇ ગયો હતો. એમાં આ મંદિરનો ભાગ પણ હતો. વૈજ્ઞાનિક અનુસાર એની દીવાલ અને પથ્થર ઉપર આજે પણ એનાં નિશાન જોવા મળે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ગ્લેશિયર સતત પિગળતું રહે છે અને પર્વત ખસતો રહેવાથી આગળ પણ આ પ્રકારનો જળપ્રલય અથવા અન્ય કુદરતી વિપત્તિ ચાલુ રહેશે.

દિવાળીના બીજા દિવસે મંદિરનાં દ્વાર બંધ કરી દેવામાં આવે છે. છ મહિના સુધી મંદિરની અંદર દીવો ચાલતો રહે છે. પુરોહિત સન્માન સાથે પટ બંધ કરીને ભગવાનના વિગ્રહ અને દંડીને છ મહિના સુધી પર્વતની નીચે આવેલા મઠમાં લઇ જાય છે. છ મહિના પછી મે મહિનામાં કેદારનાથનાં દ્વાર ખોલવામાં આવે છે, ત્યારે ઉત્તરાખંડની યાત્રા શરૂ થાય છે. છ મહિના સુધી મંદિરની અને તેની આજુબાજુ કોઇ રહેતું નથી. તેમ છતાં નવાઇની વાત એ છે કે દીવો સતત પ્રગટેલો રહે છે. જ્યારે કપાટનાં દ્વાર ખોલવામાં આવે છે ત્યારે એવી જ સાફસફાઇ જોવા મળે છે જે મુજબ છોડીને ગયા હતા.

આ મંદિર મજબૂત અને વિશાળ શિલાખંડોને જોડીને બનાવવામાં આવ્યું છે. છ ફૂટ ઊંચા ચબૂતરા ઉપર ઊભું 85 ફૂટ ઊંચું, 187 ફૂટ લાંબું અને 80 ફૂટ પહોળા મંદિરની દીવાલ 12 ફૂટ પહોળી છે. આટલા બધા વજનદાર પથ્થરોને આટલી બધી ઊંચાઈ પર કેવી રીતે લાવવામાં આવ્યા હશે. મંદિરની વિશાળ છતને કેવી રીતે બનાવવામાં આવી હશે? પથ્થરોને એકબીજા સાથે જોડવા માટે ઇન્ટરલોકિંગ ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ બધા સવાલોના જવાબ આજે પણ શોધી શકાયા નથી.

  • Follow us on: