- કેતુ સાથે સંકળાયેલા વ્યવસાયમાં જ્યોતિષ, મનોચિકિત્સક, ડિટેક્ટિવ, ધાર્મિક કાર્યો સાથે સંકળાયેલી બાબતો, લેખક, ડૉક્ટર, ગૂઢવિદ્યાના જાણકાર વગેરે છે
જ્યોતિષશાસ્ત્રમાં મુખ્યત્વે સાત ગ્રહો અને બે છાયા ગ્રહોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેને નૈસર્ગિક રીતે શુભ અને અશુભ ગ્રહોના પ્રકાર કહ્યા છે. રાહુ-કેતુ અન્ય ગ્રહોની જેમ દેખીતા ગ્રહ નથી, પરંતુ છાયા ગ્રહો છે જેને અંગ્રેજીમાં `નોર્થ નોડ' અને `સાઉથ નોડ' કહે છે અને જે નૈસર્ગિક રીતે અશુભ ગ્રહ માનવામાં આવે છે. શનિ-રાહુ-કેતુ જેવા ગ્રહોનાં નામની સાથે જ વ્યક્તિના મનમાં નકારાત્મક્તા કે ડર ઉદ્ભવે છે, પરંતુ હકીકતમાં દરેક બાબતમાં હકારાત્મક અને નકારાત્મક બંને પાસા હોય છે. રાહુ અને કેતુ એકબીજાથી 180 અંશના અંતરે જ હોય છે એટલે કે જન્મકુંડળીમાં તે સામસામે જ હોય. જેમ ચાઇનીઝ સિમ્બોલ yin yang છે જેમાં વર્તુળમાં અડધો ભાગ સફેદ છે અને અડધો કાળો છે જે સંતુલન દર્શાવે છે. તેમ રાહુ એ ભૌતિક સુખ, માયાજાળ છે તો કેતુ એકલતા, ધ્યાન, મોક્ષનો કારક ગ્રહ છે.
કેતુ ગ્રહ વૃશ્ચિક રાશિમાં ઉચ્ચત્વ પ્રાપ્ત કરે છે. (જોકે, ઘણા લોકોનું માનવું છે કે કેતુ ધન રાશિમાં ઉચ્ચત્વ પ્રાપ્ત કરે છે.) અને વૃષભ રાશિમાં તે નીચત્વ પ્રાપ્ત કરે છે. બુધ, શુક્ર, શનિ અને રાહુ તેના મિત્રગ્રહો છે જ્યારે મંગળ, સૂર્ય અને ચંદ્ર તેના શત્રુ ગ્રહો છે. કેતુ એકલતા, અંતર્મુખી વ્યક્તિત્વ, ધાર્મિકતા, મુક્તિ, મોક્ષ, ત્યાગ, આત્મજ્ઞાન, તત્ત્વચિંતનનો કારક ગ્રહ છે. ગૂઢવિદ્યા અને સાઈકોલોજીનો પણ કારક છે. પૌરાણિક કથા અનુસાર કેતુ એ માથા વિનાનું શરીર છે અને આથી તે મોહ-માયા કે ભૌતિકવાદથી પર છે. આથી કુંડળીમાં કેતુ જે સ્થાનમાં બેસે તે સ્થાનની બાબતોને તે વ્યક્તિથી અલગ કરે છે અગર તો છીનવી લે છે, જેના લીધે કેતુ જે સ્થાનમાં હોય તે સ્થાનને લગતી બાબતોમાં વ્યક્તિ મુશ્કેલીઓ અનુભવે છે.
કેતુનું આધિપત્ય ધરાવનારા લોકો તત્ત્વચિંતક, દાન/ત્યાગ કરનારા, જલદીથી અન્ય સાથે લાગણીથી ન બંધાનાર, પોતાનામાં મસ્ત રહેનાર, મનોમંથન કરનાર, પોતાના વિચારોમાં રાચનાર, ધાર્મિક, રહસ્યમય પ્રકૃતિ ધરાવનાર હોય છે. જોકે, કુંડળીમાં કેતુની સ્થિતિ બરાબર ન હોય અગર તો કેતુ નિર્બળ બનતો હોય તો તેવી વ્યક્તિઓ ચિંતાવાળી, મનની અસ્થિર, શંકાશીલ સ્વભાવની, કાર્યમાં ધીમી, માનસિક પીડાઓ ભોગવનાર હોય છે.
કેતુ શરીરમાં વિવિધ ગ્રંથિઓ પર પ્રભાવ ધરાવે છે. ખાસ કરીને પિચ્યુટરી ગ્લેન્ડ પર તેનો પ્રભાવ હોય છે. સંબંધોમાં નાના-નાની સાથેના સંબંધો જોવા કેતુનો અભ્યાસ કરવામાં આવે છે. ઘણુંખરું જોવામાં આવ્યું છે કે કુંડળીમાં કેતુ જે સ્થાનમાં હોય તે સ્થાનને લગતાં શરીરનાં અંગ ઉપર વાગ્યાનું નિશાન, લાખું કે કોઈ નિશાની હોય છે. જેમ કે, પ્રથમ સ્થાનમાં કેતુ મોઢા પર કોઈ નિશાની, વાંકાચૂકા દાંત કે કોઈ અસાધારણતા આપે તેવું બની શકે.
કેતુના કાર્યક્ષેત્રમાં આશ્રમ, ધાર્મિક સ્થળો, NGO, જેલ, આશ્રયસ્થાન, પાગલખાનાં, એકલતા દર્શાવનાર જગ્યા, શાંત જગ્યા, મડદાંઘર, રણ વગેરે આવે છે. કેતુને મંગળ સાથે પણ સરખાવવામાં આવે છે અને આથી હથિયારો, વિસ્ફોટકો અને તીક્ષ્ણ પદાર્થો પણ તેને લગતાં કાર્યક્ષેત્રમાં આવે છે. કેતુ સાથે સંકળાયેલા વ્યવસાયમાં જ્યોતિષ, મનોચિકિત્સક, ડિટેક્ટિવ, ધાર્મિક કાર્યો સાથે સંકળાયેલી બાબતો, ધાર્મિક કે તત્ત્વચિંતનના લેખક, સર્જન, ડૉક્ટર, ગૂઢવિદ્યાના જાણકાર વગેરે છે. જોકે, કેતુની સ્થિતિ નિર્બળ બનતી હોય તો તેવા લોકો ડ્રગ્સ કે કેફી દ્રવ્યોનું વેચાણ કરનાર પણ હોઈ શકે. સિરિયલ કિલર કે માનસિક રોગથી પીડાઈને ગુનાઓ કરનારી વ્યક્તિઓની કુંડળીમાં કેતુ અને ચંદ્રની નિર્બળ સ્થિતિ જોવામાં આવી છે.
કેતુની મહાદશા 7 વર્ષની હોય છે. તેમાં ઘણોખરો સમય લોકો હેરાન થતા હોય છે. હકીકતમાં કેતુ વ્યક્તિને આર્થિક બાબતો, ભૌતિકતા અને સંબંધોથી દૂર કરે છે. આ સમયમાં વ્યક્તિએ ભૌતિક બાબતોને પ્રાધાન્ય ન આપતા મનોમંથન, ધ્યાન અને સ્વઅવલોકન કરવાનો સમય છે. રાહુ-કેતુનાં પરિણામો આશ્ચર્યજનક કે અનપેક્ષિત હોય છે.
કેતુની ખરાબ અસરોને દૂર કરવા માટે નીચે જણાવેલા કેટલાક ઉપાય કરી શકાય :
ગણેશજીને દૂર્વા અર્પણ કરી અથર્વશીર્ષનો પાઠ કરવો.
શેરીનાં કૂતરાને રોટલી-દૂધ ખવડાવવાં.
અશ્વગંધાનાં મૂળને વીંટી તરીકે પહેરવું અગર તો કાળા કપડાની પોટલીમાં મૂકી કાળા કે વાદળી દોરામાં ગળામાં પહેરવું.
કેતુના બીજમંત્ર ॐ स्रां स्रीं स्रौं सः केतवे नमःની રોજ 1 માળા કરવી અગર તો 68,000 મંત્રજાપ કરવા.