એક દિવસના વિદ્યાર્થી બનો 17,000 રૂપિયામાં

વિશ્વભરના પર્યટકો જે તે દેશમાં જઇને પ્રવાસની મજા માણતા હોય છે, જે માટે કોઇ પણ દેશ તેમને આકર્ષવાના ઘણા સફળ પ્રયત્નો પણ કરતા હોય છે. જાપાન પણ તેમાંથી એક દેશ છે. મોટાભાગના લોકોને પોતાના સ્કૂલના દિવસો યાદ આવતા જ હશે. જો આજે પણ કોઇ મોટી વયના કે વયસ્કને સ્કૂલનો એક દિવસ જીવવા મળે તો તેઓ ચોક્કસપણે સ્કૂલનો એક દિવસ વિતાવવા માંગશે જ.

જાપાનની એક કંપની પ્રવાસીઓને આકર્ષવા એક મજેદાર સ્કિમ લઇને આવી છે. આ કંપની પ્રવાસીઓને એક દિવસ માટે જાપાની સ્કૂલમાં પ્રવેશ આપે છે અને તેમને એક દિવસના વિદ્યાર્થી બનાવે છે. એક દિવસના વિદ્યાર્થીના આ કાર્યક્રમનું નામ `યોર હાઇસ્કૂલ' રાખવામાં આવ્યું છે. જેમાં એક દિવસની ફી અંદાજે 17,000 ડોલર જેટલી રાખવામાં આવી છે. આ ફી ભર્યા બાદ પર્યટકને પૂર્વ જાપાનના ચિબા નામના વિસ્તારની બંધ પડેલી સ્કૂલમાં એડમિશન આપવામાં આવે છે અને તેમાં તેમને કેલીગ્રાફી, હિસ્ટ્રી, ફિઝિકલ એજ્યુકેશન ઉપરાંત દોરડાં ખેંચ જેવી રમતો પણ રમાડવામાં આવે છે. એક દિવસ વિદ્યાર્થીઓને અહીંનો પારંપરિક પહેરવેશ કિમોનો પહેરાવવામાં આવે છે. નોંધનીય છે કે, અહીંનો અભ્યાસ અંગ્રેજીમાં શીખવવામાં આવે છે, જેથી પર્યટકો ભાષા બાબતે મૂંઝવણમાં ન મુકાય.

સો વર્ષ જૂના તેલમાં બનાવેલું બર્ગર ખાશો?

છેલ્લા કેટલાક સમયથી આપણને સોશિયલ મીડિયામાં અને અન્ય જગ્યાઓ પરથી આ તેલમાં તળેલું ખાવું જોઇએ, ફલાણા તેલમાં તળેલું ન ખાવું જોઇએ એવું સાંભળવા કે જોવા મળે છે, તેથી આપણે હંમેશાં સાવધ રહીએ છીએ કે, આપણે જે કંઇ પણ ખાઇએ છીએ એ કયા તેલમાંથી બન્યું હશે? પરંતુ અમેરિકાના ઇલિનોઇસના ડેકેટર શહેરમાં એક કાફેમાં 100 વર્ષ જૂના તેલમાં બર્ગર બનાવવામાં આવે છે. આ ફ્રાઇંગ તેલ વર્ષ 1912થી સતત ઉપયોગમાં લેવામાં આવે છે! આ બર્ગરને ખાનારા લોકો હાઇજિનની ચિંતા કર્યા વગર ખૂબ જ મજાથી બર્ગર ખાય છે. ઘણાં વર્ષો પહેલાં અહીં એકવાર શેફે પોતાના પેનનું તેલ બદલ્યું ન હતું અને તે જ તેલમાં બર્ગર જે તે ગ્રાહકને આપ્યું હતું. થોડા દિવસ બાદ ગ્રાહકે આ બર્ગરનાં ખૂબ જ વખાણ કર્યાં હતાં, જેના ભાગરૂપ તે દિવસથી અહીં એ જ જૂના તેલમાં બર્ગર બનાવીને ગ્રાહકોને આપવામાં આવે છે. આ બર્ગર ખાવા માટે રીતસરની લાંબી લાઇન જોવા મળે છે! જોકે, કેફેવાળા આ તેલને વ્યવસ્થિત સાફ કરે છે. આ બર્ગરનું નામ `ડબલ ડિપિંગ ઈટ' રાખવામાં આવ્યું છે. શું તમને આવા જૂના તેલનું બર્ગર આપવામાં આવે તો તમે ખાઓ ખરા?

કોમિકનું એક જ પાનું કરોડોમાં વેચાયું!

એક સમય હતો જ્યારે સુપર હીરોની ફિલ્મો કરતાં પણ સુપર હીરોના કોમિક્સની વિશેષ બોલબાલા હતી. વિશ્વભરમાં કોમિક્સ બુકનું વેચાણ લાખોની સંખ્યામાં થતું હતું. છેલ્લા ઘણા સમયથી હરાજીમાં કેટલીક ખૂબ જ જૂની કોમિક્સ બુક્સના લાખોથી કરોડો રૂપિયા મળે છે, પરંતુ આ કોમિક્સ બુક્સ આખી હોય છે! જોકે, ન્યૂયોર્કમાં એક હરાજીમાં કોમિકના માત્ર એક જ પેજના 9,60,000 ડોલર (અંદાજિત 8 કરોડ) રૂપિયા ઉપજ્યા હતા. આ વેચાયેલું પાનું માર્વેલની કોમિક બુકના હીરોનું હતું. આ સુપર હીરોનું નામ ડેડપૂલ હતું! નોંધનીય છે કે, આ પેજને રોબ લિફેલ્ડે બનાવ્યું હતું અને તેણે જણાવ્યું હતું કે, મેં બનાવેલા કોમિક આર્ટને આટલી અધધ કિંમત મળી છે એવું હું સપનામાં પણ વિચારી નથી શકતો. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ સુપર મેન નામની ફર્સ્ટ કોમિક બુકને યુ.કે.માં થયેલી એક હરાજીમાં 1.89 લાખ ડોલર (અંદાજિત 1.57 કરોડ) રૂપિયા ઉપજ્યા હતા. આ કોમિક વર્ષ 1939માં પ્રકાશિત કરવામાં આવી હતી. આ કોમિક બુક ગ્રેડિંગ સર્વિસ સર્ટિફાઇડ ગેરંટી કંપની (CGC) દ્વારા વધુ રેટિંગ આપનાર સુપરમેન#1 દુર્લભ કોમિક્સ પૈકીની એક હતી.