આજકાલ પેટના રોગોમાં સૌથી વધારે જોવામાં આવતો રોગ છે, `અમ્લપિત્ત', જેને અંગ્રેજીમાં `એસિડિટી' કહેવામાં આવે છે.આપણે જે આહાર લઈએ છીએ તેના પાચન માટે હોજરીમાં લવણામ્લો અથવા ખાટા સ્રાવો થાય છે, જેને હાઈડ્રોક્લોરિક એસિડ પણ કહે છે.

કોઈ પણ કારણને લીધે (પછી તે શારીરિક હોય કે માનસિક) જ્યારે હોજરીમાં આ ખાટા સ્રાવોનો અતિરેક થવા લાગે ત્યારે તેને `અમ્લપિત્ત' અથવા `હાઈપર એસિડિટી' કહેવામાં આવે છે. જેના પરિણામે પેટ તથા છાતીમાં બળતરા (હાર્ટ બર્નિંગ), ખાટા ઓડકાર, ઉછાળા, ઊલટી વગેરે અમ્લપિત્તનાં લક્ષણો ઉત્પન્ન થાય છે. આ અમ્લપિત્તની પણ ઉપેક્ષા કરવામાં આવે તો પછી હોજરીમાં વ્રણ કે ચાંદાં પડે છે, જેને `ગેસ્ટ્રિક અલ્સર' કહે છે.

અમ્લપિત્તમાં આહારનું મંદાગ્નિને લીધે યોગ્ય પાચન થતું નથી અને આહારમાં આથો આવવા લાગે છે. જેમાં વિદગ્ધ પિત્ત ભળવાથી ખાટા ઉછાળા, ઓડકાર ઉત્પન્ન થઇને ઊલટી થાય છે. ઊલટી દ્વારા જ્યારે બધું જ બહાર નીકળી જાય ત્યારે પેટમાં શાંતિ થાય છે.

આહારમાં અતિ ખાટી, ખારી, તીખી અને ગરમ ચીજોનો વધારે પડતો ઉપયોગ કરવામાં આવે ત્યારે અમ્લપિત્ત ઉત્પન્ન થાય છે. આ સિવાય વધારે પડતાં ચીકણાં અને તળેલાં આહારદ્રવ્યો, અતિ રુક્ષ (લૂખા) આહારદ્રવ્યો તથા ભાત, ખમણ, દહીંવડાં જેવાં આથો લાવતાં દ્રવ્યો, વિરુદ્ધ અને પોતાની પ્રકૃતિને માફક ન આવતાં હોય એવાં આહારદ્રવ્યો, અધિક માત્રામાં આહાર લેવો, વારંવાર ઉપવાસ કરવા કે આકરા ઉપવાસ કરવા, વધારે પડતા ઉજાગરા કરવા, મદ્ય(દારૂ)નું અધિક સેવન કરવું, મળમૂત્રાદિ વેગોને રોકવા, દિવસે જમ્યા પછી તરત ઊંઘી જવું વગેરે તથા મનની અશાંતિ, ટેન્શન, ભય, ગુસ્સો, ઉદ્વેગ વગેરે માનસિક કારણોને લીધે પણ અમ્લપિત્ત ઉત્પન્ન થાય છે.

અમ્લપિત્તમાં કયાં લક્ષણો ઉત્પન્ન થાય? તો એ વિશે આયુર્વેદાચાર્યો કહે છે કે, આહારનું પાચન ન થવું, પરિશ્રમ વગર પણ થાક લાગવો, ઉત્ક્લેશ (જીવ ચૂંથાવો), ઊલટીઓ થવી, જમ્યા પછી પેટમાં ભારેપણું, પેટ, છાતી અને છેક ગળા સુધી બળતરા થવી, અરુચિ તથા શિરઃશૂળ, છાતી તથા પેટમાં ગડગડાટ વગેરે લક્ષણો ઉત્પન્ન થાય છે. ઘણીવાર અમ્લપિત્તના દર્દીઓમાં ભ્રમ-ચક્કર અને મૂર્છા જેવાં લક્ષણો પણ જોવા મળે છે.

સામાન્ય અમ્લપિત્તમાં રોગીને અવિપત્તિકર ચૂર્ણ અડધીથી એક ચમચી, એક કપ દૂધ સાથે દિવસમાં ત્રણ- ચાર વાર આપવાથી ફાયદો થવા લાગે છે. સાથે શંખવટી એક-એક ગોળી જમ્યા પછી લઇ શકાય. શિવાક્ષાર પાચનવટી બે-બે ગોળી સવારે, બપોરે અને રાત્રે લઇ શકાય. ઘીમાં શેકેલી બે હીમેજ રાત્રે જમ્યા પછી સૂતી વખતે ખૂબ ચાવીને ખાવી.

અમ્લપિત્ત રોગની શરૂઆત જ થઈ હોય એટલે કે નવો જ હોય અને ઉચિત ચિકિત્સાક્રમ ગોઠવવામાં આવે તો તે જલદી કાબૂમાં આવે છે અને મટી જાય છે, પરંતુ આ વિકૃતિ જૂની થયા પછી તો ખૂબ જ કાળજીપૂર્વકના ઉપચાર અને પરેજી દ્વારા જ કાબૂમાં લાવીને મટાડી શકાય છે.