ટાઇટેનિકની રોઝે કરગરીને ફિલ્મમાં રોલ માગ્યો હતો
વર્ષ 1997માં રિલીઝ થયેલી ફિલ્મ `ટાઇટેનિક'થી કેટની દુનિયા બદલાઈ ગઈ હતી. આ ફિલ્મ ખૂબ જ સફળ નિવડી હતી અને વિશ્વભરમાં પ્રસિદ્ધિ પામી હતી. જોકે, આ ફિલ્મમાં રોઝનો રોલ કરવા માટે કેટ રીતસરની કરગરી હતી. તમને જાણીને નવાઇ લાગશે કે ફિલ્મના નિર્દેશક જેમ્સ કેમરુને લિયાનાર્દો ડિકેપ્રિયોની અપોઝિટ બીજી કોઇ અક્ટ્રેસને પસંદ કરી હતી. તેમના મગજમાં કેટ બરાબર બેસતી જ નહોતી. પણ કેટે હાર ન માનતા જેમ્સની સાથે ઘણીય મુલાકાત કરી અને કરગરીને એ જ કહેતી રહી કે કેટ જ તમારી રોઝ બનવાને લાયક છે. આખરે જેમ્સે તેને રોઝનો રોલ કરવાની હા પાડી દીધી હતી. જેના ફળસ્વરૂપે છ એકેડેમી પુરસ્કારો માટે નામાંકિત કેટ વિન્સલેટને બેસ્ટ એક્ટ્રેસનો અકેડેમી પુરસ્કાર ધ રીડરની ભૂમિકા માટે મળ્યો પણ તે આજેય ટાઇટેનિકની રોઝ તરીકે જ વિશ્વવિખ્યાત છે. ઉલ્લેખનીય છે કે કેટ વિન્સલેટ ફરી એક વાર જેમ્સની આવનારી ફિલ્મ `અવતાર ધ વે ઓફ વોટર'માં ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવવાની છે. તેથી જ સૌ કોઇ સિને રસિકો કેટ વિન્સલેટને જોવા કાગડોળે રાહ જોઇ રહ્યા છે.
માર્વેલે રિલીઝ થનારી પાંચ ફિલ્મો પોસ્ટપોન કરી
હોલિવૂડ સિનેરસિકો માટે માઠા સમાચાર છે પણ માર્વેલ સિનેમેટિક યુનિવર્સે પોતાની આવનારી ફિલ્મોને પોસ્ટપોન કરી દીધી છે. એક રિપોર્ટ પ્રમાણે ફેઝ 4 અને 5માં કેટલાય સુપર હીરો પરત ફરવાના હતા.પણ ડિઝનીએ રયાન રેનોલ્ડ્સની ડેડપૂલ 3, બ્લેડ અને ફેન્ટાસ્ટિક ફોર સહિતની મુખ્ય ફિલ્મોની રિલીઝ પોસ્ટપોન કરવાની જાહેરાત કરી છે. જેમાં ફિલ્મ બ્લેડ 3 નવેમ્બર,2023માં રિલીઝ થવાની હતી જેને હવે 6 ડિસેમ્બર, 2024 સુધી પોસ્ટપોન કરવામાં આવી છે. આ તરફ ડેડપૂલ 3ને 6 ડિસેમ્બર,2024ના રોજ રિલીઝ કરવાની હતી તેને હવે 8 નવેમ્બર 2024 સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. અન્ય એક ફ્રેન્ચાઇઝી, ફેન્ટાસ્ટિક ફોર નવેમ્બર 2024ની જગ્યાએ ફેબ્રુઆરી 2025માં રિલીઝ થવાની છે. જ્યારે અન્ય શીર્ષક વગરની માર્વેલ ફિલ્મને ફેબ્રુઆરી 2025થી નવેમ્બર 2025 સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. અંતે એવેન્જર્સઃ સિક્રેટ વોર્સની રિલીઝ ડેટ વધારીને 1 મે 2026 સુધી પોસ્ટપોન કરી દેવામાં આવી છે. ટૂંકમાં, મોટાભાગની રિલીઝ થતી ફિલ્મોમાં છથી નવ મહિના સુધીનો સમય લાગી જવાનો છે.
કાન્યેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પ્રતિબંધ
સોશિયલ મીડિયા કંપની મેટાએ રેપર કાન્ય વેસ્ટના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક્શન લઇને તેના પર પ્રતિબંધ લગાડ્યો છે. આ સાથે તેના એકાઉન્ટથી કન્ટેન્ટ પણ ડિલીટ કરી નાખ્યુ છે. જોકે, આશ્ચર્યની વાત એ છે કે, તેનું એકાઉન્ટ હજી પણ દેખાય છે. મેટાનો નિયમ છે કે જો કોઇ યૂઝર્સ તેના બનાવેલા નિયમોનો વારંવાર ભંગ કરે છે તો તેના પર પ્રતિબંધ લાદવામાં આવે છે. મેટાએ તેવું સ્પષ્ટ કર્યું નથી કે કયા કન્ટેન્ટને લઇને તેના પર પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે. એટલું જ નહીં પણ આ પ્રતિબંધ કેટલા સમય સુધી ચાલશે તે વિશે પણ મેટાએ જણાવ્યું નથી. કાન્યેને આ પહેલાં પણ ઇન્સ્ટાગ્રામમાં આ રીતે પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. માર્ચ મહિનામાં જ કાન્યેને 24 કલાક માટે પ્લેટફોર્મથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. જેમાં તેણે ઇન્સ્ટાગ્રામ પર અભદ્ર ભાષા અને ઉત્પીડન તેમજ નસ્લીય ટિપ્પણી કરી હતી. ઉલ્લેખનીય છે કે કાન્યે છેલ્લા સાતઆઠ મહિનાથી કોઈ ને કોઇ કારણસર ચર્ચામાં રહેતો જણાય છે. થોડા દિવસ પહેલાં તેણે પહેરેલાં ડાયમંડના સ્લિપરથી પણ ચર્ચામાં રહ્યો હતો.
એન્જેલાના નિધનથી હોલિવૂડ શોકાતુર
`મર્ડર, શી રોટ' સીરિઝમાં રાઇટર જાસૂસની ભૂમિકા ભજવનાર અભિનેત્રી એન્જેલા લેન્સબરીનું 96 વર્ષી જૈફ વયે નિધન થયું છે. ગત 11 ઓક્ટોબરના રોજ લોસ એન્જલસમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. આ દુઃખદ સમાચાર તેમના પરિવાર દ્વારા જાણવા મળ્યા હતા. એન્જેલા લેન્સબરીએ પોતાના આઠમા દસકની કરિયરમાં નકારાત્મક ભૂમિકાઓથી લઇને જાસૂસ તેમજ કોમેડી ભૂમિકાઓમાં દમદાર અભિનયથી સૌ સિનેરસિકોનાં દિલ જીત્યાં હતાં. એન્જેલા લેન્સબરીએ ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં જ નહીં પણ સ્ટેજ આર્ટિસ્ટ તરીકે પણ પોતાના અભિનયથી સૌનાં દિલ જીત્યાં હતાં. આ માટે તેમને પાંચ વાર ટોની એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યાં હતાં. તેમજ તેમને વર્ષ 2009માં `બ્લિથ સ્પિરિટ'માં તેમના શાનદાર અભિનય માટે સર્વશ્રેષ્ઠ અભિનેત્રીના પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે તેમણે ટીનએજથી જ હોલિવૂડમાં પોતાની કરિયરની શરૂઆત કરી હતી. તેમણે વર્ષ 1944માં આઇ ગેસલાઇટથી ડેબ્યૂ કર્યું હતું. તેટલું જ નહીં તેમને વર્ષ 2013માં લાઇફટાઇમ એચિવમેન્ટના માનદ્ ઓસ્કર એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યાં હતાં, ત્યારે તેમની ઉંમર 88 વર્ષની હતી. તે સિવાય 1945માં તેમને ફિલ્મ `ધ પિક્ચર ઓફ ડોરિયન ગ્રે' અને 1962માં ફિલ્મ `મન્ચૂરિયન' કેન્ડિડેટમાં કામ કરવા માટે ઓસ્કર એવોર્ડ માટે નામાંકિત કરવામાં આવ્યાં હતાં. એન્જેલા લેન્સબરીએ અભિનયની દુનિયામાં વિશિષ્ટ યોગદાન આપ્યું છે જે માટે તેમને હંમેશાં યાદ કરવામાં આવશે.