1974માં આવેલી કોમેડિયન મહેમૂદની ફિલ્મ `કુંવારા બાપ'માં એક દૃશ્ય છે. તેમાં મહેશ રિક્ષાવાળો (મહેમૂદ) તેના બીમાર બાળકને લઈને ડોક્ટર (સંજીવ કુમાર) પાસે જાય છે. ડોક્ટર તેનું નિદાન કરે છે અને કહે છે કે બાળકને પોલિયો થયો છે.

મહેશ તે સાંભળીને ગભરાઈ જાય છે અને કહે છે કે તેને પોલિયો શું કહેવાય તે ખબર નથી. ડોક્ટર રોગની સમજણ આપે છે અને એક તબક્કે પિતાની અણસમજથી ઉશ્કેરાઈને કહે છે કે તારી તંદુરસ્તી અને સ્વચ્છતાની અજ્ઞાનતાના કારણે જ બાળકની આ હાલત થઇ છે.

આ દૃશ્ય (અને ફિલ્મનો વિષય પણ) અસલી ઘટનાથી પ્રેરિત છે. હિન્દી સિનેમામાં ત્યારે લોકપ્રિયતાનું શિખર સર કરનારા મહેમૂદની પત્ની મધુ પુત્ર મકદૂમ અલી ઉર્ફે મેકીને જન્મ આપીને તરત જ બીમાર પડી ગઈ હતી. નવજાત બાળક પણ તાવમાં પટકાઈ ગયું હતું અને બાદમાં તેનો હાથ લકવાગ્રસ્ત થઈ ગયો હતો. મહેમૂદ તેને અનેક ડોક્ટરો પાસે લઇ ગયો હતો. આખરે સર જેજે હોસ્પિટલના ડૉ. વ્રજેશ ઉદાણીએ નિદાન કર્યું હતું કે બાળકને પોલિયો થયો છે અને તેના કારણે જમણું અંગ બહેર મારી ગયું છે.

મહેમૂદે તેનું અજ્ઞાન પ્રદર્શિત કરતાં ડૉ. ઉદાણીને પોલિયો શું રોગ છે તેવું પૂછ્યું, ત્યારે તે અકળાઈ ગયા હતા અને કહ્યું હતું કે, `તમને લોકોને બાળકની સંભાળ રાખવાની ખબર ન હોય, તો તેમને પેદા શું કામ કરો છો?'

મહેમૂદે પાછળથી આ આખેઆખું દૃશ્ય `કુંવારા બાપ'માં ફિલ્માવ્યું હતું.

`કુંવારા બાપ' પોલિયોની જાગૃતિ માટે જ બનાવવામાં આવી હતી. ભારતમાં તે વખતે મહેમૂદ જેવાં અનેક મા-બાપ હતાં, જેમને ન તો પોલિયોની ખબર હતી કે ન તો તેની રસીની. અનેક બાળકો પોલિયોમાં માર્યાં જતાં હતાં અથવા અપંગ થઈને જીવન ગુજારતાં હતાં. મહેમૂદનો છોકરો પણ મરતાં-મરતાં બચ્યો હતો. મહેમૂદે ફિલ્મ બનાવી હતી એટલું જ નહીં, પોલિયોની સારવાર કરતી હોસ્પિટલોમાં તેણે વર્ષો સુધી દાન પણ કર્યું હતું.

ફિલ્મનો ઉદ્દેશ સમાજસેવાનો હતો અને મહેમૂદ માટે ફિલ્મ જગતમાં માયા-મમતાની લાગણી હતી એટલે ફિલ્મમાં સંજીવ કુમાર ઉપરાંત, વિનોદ મહેરા, અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્ર, વિનોદ ખન્ના, હેમા માલિની, દારા સિંહ, લલિતા પવાર, યોગિતા બાલી, આસિત સેન મિત્ર અને મુકરી જેવા કલાકારોએ ખાસ (મફતમાં) ભૂમિકા ભજવી હતી.

આખું જીવન દર્શકોને હસાવનારા મહેમૂદે તેની પહેલી ફિલ્મ બનાવી તે અત્યંત કરુણાસભર હતી. તેણે દિલથી આ ફિલ્મ બનાવી હતી. તેણે જ પૈસા રોક્યા હતા અને તેણે જ તેનું નિર્દેશન પણ કર્યું હતું. એ પેઢીના દર્શકો આજે પણ મહેમૂદને `કુંવારા બાપ'થી ઓળખે છે. તેનું સંગીત પણ સુપરહિટ હતું. તેનાં ત્રણ ગીતો આજે પણ સદાબહાર ગણાય છે: સજ રહી ગલી મેરી મા ચુનરી ગોટે મેં, મૈં હૂં ઘોડા યે હૈ ગાડી મેરી રિક્ષા સબસે નિરાલી અને આ રી આ જા નિંદિયા. સંગીતકાર રાજેશ રોશનનું આ ફિલ્મથી સંગીત ક્ષેત્રે પદાર્પણ થયું હતું.

મહેમૂદનો જન્મ 29 સપ્ટેમ્બર, 1932ના રોજ મુંબઈમાં થયો હતો. માતા-પિતાના આઠમા સંતાન મહેમૂદે શરૂઆતમાં બાળ કલાકાર તરીકે ફિલ્મોમાં કામ કર્યું હતું. તેના હૈદરાબાદી ઉચ્ચારને પ્રેક્ષકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો અને અભિનયની અદ્ભુત શૈલીએ ટૂંક સમયમાં લાખો લોકોને પાગલ બનાવી દીધા હતા. તેણે તેની કારકિર્દીમાં 300થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો હતો.

તેણે પૈસા કમાવવા માટે ઇંડાં વેચ્યાં હતાં. ટેક્સી ચલાવી હતી. ટ્રેનોમાં ટોફીઓ વેચી હતી. કહેવાય છે કે મહેમૂદને ટેનિસ આવડતી હતી અને તેને મીના કુમારીને ટેનિસ શીખવવા માટે રાખવામાં આવ્યો હતો. આ સમય દરમિયાન તેનું દિલ મીના કુમારીની બહેન મધુ પર આવી ગયું હતું અને પછી બંનેએ લગ્ન કર્યાં હતાં.

મહેમૂદને પહેલો બ્રેક ફિલ્મ `પરવરિશ'માં મળ્યો હતો. તેમાં તેણે રાજ કપૂરના ભાઈની ભૂમિકા ભજવી હતી. મહેમૂદે પ્યાર કી જા, પ્યાર હી પ્યાર, સસુરાલ, લવ ઇન ટોક્યો અને ઝિદ્દી જેવી હિટ ફિલ્મો આપી છે. ઘણી ફિલ્મોમાં મહેમૂદે મુખ્ય ભૂમિકા પણ ભજવી હતી, પરંતુ પ્રેક્ષકોએ તેમને હાસ્ય કલાકાર તરીકે વધુ પસંદ કર્યા હતા. ઘણી ફિલ્મો કર્યા પછી મહેમૂદે પોતાનું પ્રોડક્શન હાઉસ ખોલ્યું હતું.

એક સમયે મહેમૂદના નામ પર ફિલ્મો વેચાતી હતી અને જોવાતી હતી. તેના વગર ફિલ્મ અધૂરી ગણાતી હતી. તે વખતના મોટા સ્ટારની લગોલગ મહેમૂદનું નામ લેવાતું હતું. ઘણા સ્ટાર તો મહેમૂદ હોય તેવી ફિલ્મોમાં કામ કરતા પણ કતરાતા હતા, કારણ કે મોટાભાગની તાળીઓ અને સીટીઓ મહેમૂદ લઇ જતો હતો.

`કુંવારા બાપ'માં મહેમૂદ જ નહીં, આખી ફિલ્મ લોકોની તાળીઓ ઉઘરાવી ગઈ હતી. દેશનાં અનેક રાજ્યોમાં બાળકો અને માતા-પિતાઓ સાગમટે આ ફિલ્મ જોવા ઊમટી પડ્યાં હતાં. તંદુરસ્તી અને સ્વચ્છતાનો ફિલ્મનો સંદેશ લોકોને સ્પર્શી ગયો હતો. પોલિયો જાગૃતિ માટે જે કામ સરકાર ન કરી શકી તે મહેમૂદની ફિલ્મે કર્યું હતું. મહેમૂદને ચાર્લી ચેપ્લિનની ફિલ્મ `ધ કિડ' પરથી `કુંવારા બાપ'નો વિચાર આવ્યો હતો.

ફિલ્મના અંતે મહેમૂદ પ્રેક્ષકો સાથે સીધી વાત કરે છે અને તેમને પોલિયોની રસી આપવાના ફાયદા સમજાવે છે. તે એવાં બાળકોને અધૂરાં ગણીને ઉપેક્ષા નહીં કરવાની અને તેમને ભણાવી-ગણાવીને જીવનમાં કશુક બનાવવા માટે પણ અપીલ કરે છે.

ફિલ્મમાં વિનોદ મહેરા અને તેની પ્રેમિકા રાધા(ભારતી)એ મંદિરનાં પગથિયાં પર ત્યજેલ નવજાત શિશુ રિક્ષાચાલક મહેશ (મહેમૂદ)ના હાથમાં આવે છે અને તેને ઉછેરવાનું કામ કરે છે. બદનસીબે તેમની બેદરકારીથી બાળકને પોલિયો થઇ જાય છે. તે પછી તેને સાજું કરવામાં મહેશ જે ભાવનાત્મક અને તબીબી સંઘર્ષમાંથી પસાર થાય છે તેના પર આખી ફિલ્મ ચાલે છે.

સમય પસાર થાય છે. રાધા અને વિનોદ હવે પરણી ગયાં છે અને જવાનીના જોશમાં કરેલી ભૂલ બદલ પસ્તાવો કરે છે. હવે તેઓ તેમના પુત્રને શોધવા મથામણ કરે છે. તેમને પોલીસમેન મુકરીની મદદ મળે છે, જેણે મહેશને મંદિરમાંથી બાળક લેતાં જોયો હતો. એક હૃદયસ્પર્શી ક્લાઈમેક્સમાં મામલો કોર્ટમાં પહોંચે છે, જ્યાં બાળક તેનાં અસલી માતા-પિતા સાથે જવાનો ઇનકાર કરે છે. અંતે મહેશ તેના પ્રેમનું બલિદાન આપીને બાળકને માતા-પિતા સાથે જવા સમજાવે છે.

મહેમૂદે પોતાની શૈલીમાં ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મ દ્વારા મહેમૂદ બતાવવા માંગતો હતો કે અમીર માણસ આટલા પૈસા ખર્ચીને તેના પુત્રની સારવાર કરાવવા ઠેરઠેર ભટકતો હોય, તો એ ગરીબનું શું થાય જેની પાસે પૈસા નથી.

આ ફિલ્મમાં પોલિયોથી પીડિત બાળકની ભૂમિકા મહેમૂદના દીકરા મેક અલીએ જ ભજવી હતી. મહેમૂદે તેના ઈલાજમાં કોઈ કસર છોડી નહોતી. જુલાઈ 2004માં 35 વર્ષની ઉંમરે મેકીનું અવસાન થયું હતું. તેના બે વર્ષ પછી 71 વર્ષની વયે મહેમૂદનું હૃદય બંધ થઇ જવાથી અવસાન થયું હતું.