નવેમ્બર, 1944ની એક શાંત સવારે, મદ્રાસ (હવે ચેન્નઈ)ના વેપેરી વિસ્તારની ધમાચકડીભરી શેરીઓમાં એક એવી ઘટના બની કે જે ભારતના ઈતિહાસમાં સૌથી વધુ ચર્ચિત અને રહસ્યમય હત્યાકાંડોમાંથી એક બની ગઈ.
સી.એન. લક્ષ્મીકાંત એક એવા પત્રકાર કે જેમની કલમથી તમિલ ફિલ્મ ઉદ્યોગના દિગ્દર્શકો, કલાકારો અને દિગ્ગજો થરથરતા હતા. તેમના નામનો આટલો દબદબો હોવા છતાંય એક દિવસ તેમના પર હુમલો થયો. તેઓ એક રિક્ષામાં જઈ રહ્યા હતા અને અચાનક જ અજાણ્યા હુમલાખોરોએ લક્ષ્મીકાંત પર હુમલો કર્યો અને તેમના પેટમાં છરી ઝીંકી દીધી. આ ઘટના ફક્ત એક હત્યા ન હતી, પરંતુ એક એવું રહસ્ય હતું, જેણે મદ્રાસના ફિલ્મ ઉદ્યોગ અને ન્યાયતંત્રને પણ હચમચાવી દીધું.
સી.એન. લક્ષ્મીકાંત એક એવું નામ હતું કે જેમનું નામ સાંભળીને 1940ના દાયકાના મદ્રાસના ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોમાં ડર અને ઘૃણા બંનેનો ભાવ ઉદ્ભવતો હતો. લક્ષ્મીકાંત એક તમિલ ફિલ્મ પત્રકાર હતા કે જેમની પાસે ફિલ્મી જગત સાથે સંકળાયેલા લોકોના ખાનગી જીવનના રાઝ ખોલવાની અનોખી કળા હતી. વર્ષ 1943માં તેમણે `સિનેમા થૂથુ' નામનું એક સાપ્તાહિક મેગેઝિન શરૂ કર્યું કે જે ટૂંક સમયમાં જ ખૂબ લોકપ્રિય થયું, પરંતુ આ લોકપ્રિયતા પાછળનું કારણ તેમનું પત્રકારત્વ નહીં, પરંતુ `યલો જર્નાલિઝમ' (અફવાઓ અને અંગત જીવનની વિગતો પર આધારિત પત્રકારત્વ) હતું. લક્ષ્મીકાંત પોતાના મેગેઝિનમાં તમિલ ફિલ્મ જગતના ફિલ્મસ્ટાર્સ, ઉદ્યોગપતિઓ અને અન્ય પ્રખ્યાત વ્યક્તિઓના અંગત જીવન વિશે અફવાઓ અને કથિત રહસ્યો છાપતા હતા, જેનાથી ઘણા લોકો તેમનાથી ડરતા હતા.
લક્ષ્મીકાંતનો ઈતિહાસ પણ ઓછો રસપ્રદ ન હતો. એવું કહેવાય છે કે તેઓ એક સમયે વકીલ બનવા માગતા હતા, પરંતુ ગરીબીના કારણે તેમનું આ સપનું પૂરું થયું નહીં. વર્ષ 1932માં તેમના પર એક દસ્તાવેજમાં નકલી હસ્તાક્ષર કરવાનો આરોપ લાગ્યો અને તેમને સાત વર્ષની સજા થઈ, જે તેઓએ અંદામાનની સેલ્યુલર જેલમાં વિતાવી. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાનીઓએ અંદામાન પર કબજો કર્યો ત્યારે તેઓ મુક્ત થયા અને મદ્રાસ પાછા ફર્યા. ત્યારબાદ તેમણે પત્રકારત્વનો રસ્તો અપનાવ્યો, પરંતુ તેમની કલમ હંમેશાં વિવાદોનું કેન્દ્ર રહી.
`સિનેમા થૂથુ' એ લક્ષ્મીકાંતનું પ્રથમ મેગેઝિન હતું, જેમાં તેમણે તમિલ ફિલ્મ ઉદ્યોગનાં મોટાં નામો જેવાં કે એમ.કે. થ્યાગરાજ ભાગવતર (એમ.કે.ટી.) અને એન.એસ. કૃષ્ણન (એન.એસ.કે.) વિશે અપમાનજનક લેખો છાપ્યા. તેમણે ભાગવતર અને કૃષ્ણન પર નિર્દોષ યુવતીઓને ફસાવવાનો આરોપ પણ લગાવ્યો અને એન.એસ. કૃષ્ણનની પત્નીના ચારિત્ર્ય પર પણ સવાલ ઉઠાવ્યા. આ લેખોનો હેતુ માત્ર ચર્ચા જ નહીં, પરંતુ બ્લેકમેલિંગ પણ હતો. ઘણા ફિલ્મસ્ટાર્સે પોતાની પ્રતિષ્ઠા બચાવવા માટે લક્ષ્મીકાંતને મોટી રકમ ચૂકવી, જેનાથી તેમનો ધંધો ખૂબ ચાલ્યો.
વર્ષ 1944ની શરૂઆતમાં ભાગવતર, કૃષ્ણન અને ફિલ્મનિર્માતા એસ.એમ. શ્રીરામુલુ નાયડુ સહિત ઘણા લોકોએ મદ્રાસના ગવર્નર આર્થર ઓસ્વાલ્ડ જેમ્સ હોપને એક અરજી કરી કે `સિનેમા થૂથુ'નું લાયસન્સ રદ કરવામાં આવે. ગવર્નરે આ અરજી સ્વીકારી અને આખરે જાન્યુઆરી, 1944માં મેગેઝિન બંધ થયું, પરંતુ લક્ષ્મીકાંત એમ કંઈ અટેક એમ નહોતા. પોતાનું મેગેઝિન બંધ થયા બાદ તેમણે જુલાઈ, 1944માં `હિંદુ નેસન' નામનું નવું મેગેઝિન શરૂ કર્યું અને ફરી એક વખત તેમણે ફિલ્મી સિતારાઓ અને દિગ્ગજોને બ્લેકમેલ કરવાની પોતાની રમત શરૂ કરી દીધી.
લક્ષ્મીકાંતની આ હરકતોથી તમિલ ફિલ્મ જગત સાથે સંકળાયેલા લોકોથી લઈ કેટલાક રાજનેતાઓ સહિતના ઘણા લોકો નારાજ હતા અને તેમના દુશ્મનોની સંખ્યા વધી રહી હતી. 19 ઓક્ટોબર, 1944ના રોજ લક્ષ્મીકાંત પર પ્રથમ હુમલો થયો. વેંકટાચલ મુદલી સ્ટ્રીટ પર તેમના પર એક અજાણી વ્યક્તિએ છરી વડે હુમલો કર્યો અને તેમની ગરદનમાં ઘા વાગ્યો. આ ઘા ગંભીર ન હતો અને લક્ષ્મીકાંત ઝડપથી સાજા થયા. તેમણે આ હુમલાનો આરોપ વાડીવેલુ નામની વ્યક્તિ પર લગાવ્યો કે જે તેમના જ મેગેઝિન `હિન્દુ નેસન'નો સ્ટાફ મેમ્બર હતો. લક્ષ્મીકાંતનો દાવો હતો કે વાડીવેલુ તેમની સાથે વ્યક્તિગત દુશ્મની રાખતો હતો, કારણ કે લક્ષ્મીકાંતે તેના પરિવારને પોતાના મકાનમાં ભાડેથી રહેવાની ના પાડી દીધી હતી અને પોતાનું મકાન ખાલી કરાવ્યું હતું.
લક્ષ્મીકાંતે વાડીવેલુ સામે પોલીસમાં ફરિયાદ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ પોલીસે આ કેસને `નોન-કોગ્નિઝેબલ' ગણાવીને કોઈ કાર્યવાહી કરી નહીં. આથી લક્ષ્મીકાંતે નક્કી કર્યું કે તેઓ મેજિસ્ટ્રેટ પાસે ફરિયાદ નોંધાવશે. આ હેતુથી તેમણે 7 નવેમ્બર, 1944ના રોજ વકીલ જે. નર્ગુનમ નાદરનો સંપર્ક કર્યો, જેમણે વાડીવેલુ સામે ફરિયાદનો ડ્રાફ્ટ તૈયાર કર્યો. લક્ષ્મીકાંત હવે બરાબર લડી લેવાના મૂડમાં હતા, પરંતુ તેઓ એ વાત અવગણી રહ્યા હતા કે તેમના જીવને હજુ પણ સંકટ છે. તેમના દુશ્મનોની સંખ્યા ઓછી નથી.
8 નવેમ્બર, 1944ની સવારે લક્ષ્મીકાંત નર્ગુનમના ઘરે ગયા કે જે મદ્રાસના વેપેરીના જનરલ કોલિન્સ રોડ પર રહેતો હતો. તેમણે વાડીવેલુ સામેની ફરિયાદનો ટાઈપ કરેલો ડ્રાફ્ટ લીધો અને લગભગ સવારે 10 વાગ્યે હેન્ડ-રિક્ષામાં પોતાના ઘરે જવા માટે એટલે કે પુરસાઈવાક્કમના વેંકટાચલ મુદલી સ્ટ્રીટ તરફ નીકળ્યા, પરંતુ તેઓ ઘરે પહોંચે તે પહેલાં જનરલ કોલિન્સ રોડ પર નર્ગુનમના ઘરથી લગભગ 130 યાર્ડ દૂર એક અજાણ્યા જૂથે તેમની રિક્ષા પર હુમલો કર્યો.
હુમલાખોરોએ રિક્ષાને ઉથલાવી દીધી અને લક્ષ્મીકાંત પર બિચ્છુ (એક પ્રકારનું ખંજર) અને પેન નાઈફ વડે હુમલો કર્યો. તેમના પેટમાં ઊંડો ઘા વાગ્યો અને તેમનું આંતરડું બહાર નીકળી ગયું. છતાં લક્ષ્મીકાંતમાં હજુ જીવ હતો. તેમણે હિંમત એકઠી કરી અને લોહીલુહાણ હાલતમાં વેપેરી પોલીસ સ્ટેશન પહોંચ્યા, જ્યાં તેમણે હુમલાનું વર્ણન કર્યું. ત્યાંથી તેમને તેમના મિત્ર બ્રુની સાથે તેમને મદ્રાસની જનરલ હોસ્પિટલમાં લઈ જવાયા.
હોસ્પિટલના વેનલોક વોર્ડમાં ડો. પી.આર. બાલાકૃષ્ણને તેમના પેટની તપાસ કરી, પરંતુ લોહી બંધ ન થતાં તેમની હાલત ગંભીર બની. આખરે 9 નવેમ્બર, 1944ની સવારે 4:15 વાગ્યે, કિડનીની ગંભીર ઈજાને કારણે થયેલા સેકન્ડરી શોકને કારણે લક્ષ્મીકાંતનું મૃત્યુ થયું. `ઈન્ડિયન એક્સપ્રેસ' અખબારે જણાવ્યું કે મૃત્યુ સમયે તેમની ઉંમર લગભગ 50 વર્ષની હતી.
લક્ષ્મીકાંતની હત્યાએ મદ્રાસમાં હલચલ મચાવી દીધી. અખબારોએ આ ઘટનાને `લક્ષ્મીકાંત ઇઝ ડેડ' જેવા મથાળાઓ સાથે છાપી અને લોકોમાં ચર્ચાઓ શરૂ થઈ કે આ હત્યા પાછળ કોણ જવાબદાર હોઈ શકે? પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી અને હુમલાના દિવસે જ વાડીવેલુ નામની વ્યક્તિની ધરપકડ કરી. ત્યારબાદ વધુ પાંચ શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી, જેમાં તમિલ ફિલ્મ ઉદ્યોગનાં બે મોટાં નામ એમ.કે. થ્યાગરાજ ભાગવતર, એન.એસ. કૃષ્ણન અને ફિલ્મનિર્માતા એસ.એમ. શ્રીરામુલુ નાયડુનો પણ સમાવેશ થતો હતો.
આ ધરપકડોએ મદ્રાસના લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા. ભાગવતર, જેમને `તમિલ સિનેમાના સુપરસ્ટાર' તરીકે ઓળખવામાં આવતા હતા અને કૃષ્ણન કે જે `ભારતના ચાર્લી ચેપ્લિન' તરીકે પ્રખ્યાત હતા. આ બંને વ્યક્તિઓ એ સમયના ટોચના કલાકારો હતા. તેમની ફિલ્મ `હરિદાસ' (1944) બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી હતી અને આ ધરપકડથી તેમની કારકિર્દી અને પ્રતિષ્ઠા પર ગંભીર અસર પડી.
લક્ષ્મીકાંત હત્યા કેસની ટ્રાયલ નવેમ્બર, 1944માં શરૂ થઈ અને એપ્રિલ, 1947 સુધી ચાલી. આ ટ્રાયલ મદ્રાસ હાઈકોર્ટમાં એક નાટકથી ઓછી નહોતી. આ ટ્રાયલમાં ઘણા વિરોધાભાસી સાક્ષીઓ, નાટકીય દલીલો અને અણધાર્યા વળાંકો હતા. ટ્રાયલની અધ્યક્ષતા અંગ્રેજ જજ વેરે મોકેટે કરી અને નવ સભ્યોની ઓલ ઈન્ડિયન જ્યૂરીએ નિર્ણય લેવાનો હતો.
અભિયોજન પક્ષે દલીલ કરી કે લક્ષ્મીકાંતના અપમાનજનક લેખોથી ભાગવતર અને કૃષ્ણન ખૂબ નારાજ હતા. તેમણે તેમની હત્યા માટે ષડ્યંત્ર રચ્યું હતું. મુખ્ય આરોપીઓમાં વાડીવેલુ અને નાગલિંગમ નામનો એક ભાડૂતી હતો, જેમના પર હત્યાનો આરોપ હતો. એક સાક્ષી જયનંદમ, જે પાછળથી `એપ્રૂવર' (સરકારી સાક્ષી) બન્યો, તેણે દાવો કર્યો કે 7 નવેમ્બર, 1944ના રોજ નાગલિંગમે તેને કહ્યું હતું કે લક્ષ્મીકાંતને ખતમ કરવાની વ્યવસ્થા થઈ ગઈ છે.
જયનંદમનું સાક્ષી બયાન 22 ડિસેમ્બર, 1944ના રોજ ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 164 હેઠળ નોંધવામાં આવી હતી, જે આ કેસનો એક મહત્ત્વનો દસ્તાવેજ બન્યો. તેણે દાવો કર્યો કે લક્ષ્મીકાંતના લેખોથી ભાગવતર અને કૃષ્ણનની પ્રતિષ્ઠા ખરાબ થઈ હતી અને તેમણે હત્યાનું ષડ્યંત્ર રચ્યું હતું. જોકે, બચાવ પક્ષે દલીલ કરી કે લક્ષ્મીકાંતના ઘણા દુશ્મનો હતા અને હત્યા પાછળ કોઈ બીજો પણ હોઈ શકે.
આખરે 1945માં જ્યૂરીએ ભાગવતર અને કૃષ્ણનને દોષી ઠેરવ્યા અને તેમને આજીવન કારાવાસ (જીવન માટે દેશનિકાલ)ની સજા ફટકારવામાં આવી. શ્રીરામુલુ નાયડુને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા. આ ચુકાદાએ મદ્રાસના લોકોમાં હોબાળો મચાવી દીધો. ભાગવતર અને કૃષ્ણનના ચાહકો માનતા હતા કે તેમની સાથે અન્યાય થયો છે. બંનેએ મદ્રાસ હાઈકોર્ટમાં અપીલ કરી, પરંતુ તેમની અપીલ નામંજૂર થઈ.
આખરે 1947માં ભાગવતર અને કૃષ્ણને જ્યુડિશિયલ કમિટી ઓફ ધ પ્રિવી કાઉન્સિલ(લંડન)માં અપીલ કરી. પ્રિવી કાઉન્સિલે ટ્રાયલમાં ખામીઓ હોવાનું જણાવ્યું અને સેશન્સ કોર્ટને નવેસરથી ટ્રાયલ કરવાનો આદેશ આપ્યો. આ નવા ટ્રાયલમાં બંનેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા અને મુક્ત કરવામાં આવ્યા, પરંતુ આ સમયે તેઓ લગભગ 30 મહિના જેલમાં વિતાવી ચૂક્યા હતા.
લક્ષ્મીકાંત હત્યા કેસ આજે પણ ભારતના સૌથી મોટા મિસ્ટિરિયસ કેસમાંથી એક છે. ભાગવતર અને કૃષ્ણનને મુક્ત કરવામાં આવ્યા, પરંતુ હત્યારાઓની ઓળખ ક્યારેય થઈ નહીં. આ કેસે બંને કલાકારોની કારકિર્દીને ભારે નુકસાન પહોંચાડ્યું. ભાગવતર, જે એક સમયે 12 ફિલ્મોના કરાર ધરાવતા હતા, તેમની બધી સંપત્તિ ગુમાવી અને 1959માં ગરીબીમાં મૃત્યુ પામ્યા. કૃષ્ણન કેટલીક ફિલ્મો થકી સિનેમાના પડદે પાછા ફર્યા, પરંતુ તેમની લોકપ્રિયતા ક્યારેય પહેલાં જેવી ન થઈ.
આ કેસની ચર્ચા આજે પણ થાય છે. 2023માં `ધ મદ્રાસ પ્લેયર્સ' નામના થિયેટર ગ્રૂપે આ કેસ પર આધારિત એક ડોક્યુડ્રામા રજૂ કર્યો, જેમાં 1945ના ટ્રાયલના મૂળ ટ્રાન્સક્રિપ્ટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો. આ નાટકે ચેન્નઈમાં ખૂબ ધૂમ મચાવી, જે દર્શાવે છે કે આ કેસ આજે પણ લોકોના મનમાં જીવંત છે.
લક્ષ્મીકાંત હત્યા કેસ એક એવી વાર્તા છે જેમાં બધું છે, ષડ્યંત્ર, બ્લેકમેલ, ખ્યાતિ, નાટક અને રહસ્ય. તે દર્શાવે છે કે કેવી રીતે એક વ્યક્તિની કલમ આખા સમાજને હચમચાવી શકે છે અને કેવી રીતે ન્યાયતંત્ર ક્યારેક ખરા હત્યારાઓને શોધવામાં નિષ્ફળ જાય છે. આ કેસના દસ્તાવેજો, જેમ કે જયનંદમની સાક્ષી અને કોર્ટના ટ્રાન્સક્રિપ્ટ્સ, હજુ પણ મદ્રાસ હાઈકોર્ટના આર્કાઈવ્સમાં સચવાયેલા છે કે જે આ વાર્તાની સત્યતાને પુષ્ટિ આપે છે.
